VADODARA : અજાણ્યા શખ્સે આરોગ્ય કેન્દ્ર ફૂંકી માર્યુ
VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) વિસ્તારમાં આવેલા વાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અજાણ્યા શખ્સે પ્રવેશ મેળવીને અંદરનો માલ-સામાન, દવાઓ, દર્દીઓના મહત્વના રેકોર્ડ આગ હવાલે કરી દીધા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
આગમાં નુકશાન પામ્યુ
સાવલી પોલીસ મથકમાં ડો. ચેતનાબેન પંચાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, હાલ તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડીયામાં મેડીકોલીગર અને વહીવટી કામ સંભાળી રહ્યા છે. 10, જુનના રોજ તે સમલાયા પીએચસી ખાતે ફરજ પર હતા. દરમિયાન સવારે વડીયા કેન્દ્રમાંથી ડો. ધિરેન્દ્રસિંહનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, કોમ્પ્યુટર રૂમનું તાળુ તુટેલું છે. અને સળગેલી હાલતમાં વાસ આવી રહી છે. બાદમાં તેમણે અંદર જઇ તપાસ કરતા એસી, કોમ્પ્યુટર સેટ, પ્રિન્ટર, ખુરશી, રેકોર્ડ ભરેલા થેલા, ફીંગર સ્કેનર, રાઉટર, દૈનિક વપરાશની દવાઓ આગમાં નુકશાન પામ્યુ હોવાનું ધ્યાને આવ્યું છે.
રૂ. 1.02 લાખનું નુકશાન
કોઇ અજાણ્યા ઇસમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડીયા હોસ્પિટલના ટેરેસ પર જવાના લાકડાના દરવાજાની સ્ટોપર તોડી અંદર પ્રવેશ કરી તમામ સામાન સળગાવી દઇને રૂ. 1.02 લાખનું નુકશાન પહોંચાડ્યું હતું. જેને લઇને સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અલાયદી સુરક્ષા જરૂરી
અત્રે નોંધનીય છે કે, આરોગ્ય કેન્દ્રમાં મહત્વની દવાઓ, દર્દીઓના મહત્વના રેકોર્ડ સહિતની સામાન રાખવામાં આવતો હોય છે. જેને લઇને અલાયદી સુરક્ષા પણ જરૂરી છે. આ કિસ્સો સામે આવતા આરોગ્ય કેન્દ્ર પર ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા મુકવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ ઘટના પરથી તંત્ર કોઇ બોધપાઠ લે છે કે નહી તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : બાજવા બ્રિજ પર તકતી લાગતા પહેલા જ ગાબડું