VADODARA : સરકારી શાળામાં સાંસદના હસ્તે "પ્રોજેક્ટ જ્ઞાનોદધી" નો આરંભ
VADODARA : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા (VADODARA) સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓનું આદાન-પ્રદાન વધે તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ પ્રી વોકેશનલ એજ્યુકેશન મેળવી શકે તે હેતુ માટે ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નીરવદ્ય ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ સમિતિની 7 શાળાઓમાં કોડિંગ લેબ, મેથ્સ લેબ તેમજ નોટબુકના વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને "પ્રોજેક્ટ જ્ઞાનોદધી" નામ આપવામાં આવ્યું છે. જેની સાંસદ ડો. હેમાંગ જોશીએ શરૂઆત કરાવી છે.
2000 નમો નોટબુક્સનો સમાવેશ
આ પ્રોજેક્ટ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત 7 વિવિધ શાળાઓમાં 7.70 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ શૈક્ષણિક સંસાધનોનું દાન કરી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં 10 કમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી, 2 નમો યુવા કોડીંગ કેન્દ્ર, 4 મેથેમેટિક્સ સ્ક્વેર અને 2000 નમો નોટબુક્સનો સમાવેશ છે.
વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થશે
આ તકે, વડોદરા શહેરના સાંસદ ડો. હેમાંગભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના વિદ્યાર્થીઓ વડાપ્રધાન દ્વારા વિકસિત ભારતનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે. તે સાકાર કરવામાં મદદ મળશે.
વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે
પ્રાથમિક શિક્ષણ સમિતિના માન. અધ્યક્ષ મનીષભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની તમામ શાળાઓનો સમાવેશ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે અને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ તમામને મળી રહે તે દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવશે.
મેથ્સ સાયન્સ લેબ પણ શરૂ કરાશે
રૂકમિલભાઈ શાહ અને રંગમભાઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરામાં આ મુજબ કોડિંગ લેબ અને રોબોર્ટિકસ લેબ શરૂ કરવામાં આવનાર છે. તેમજ મેથ્સ સાયન્સ લેબ પણ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવનાર છે. આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની વધુ ને વધુ શાળાઓનો સમાવેશ કરી શકાય તેવો પ્રયત્ન અમે કરીશું.
આ પણ વાંચો -- VADODARA : 660 હેક્ટરમાં ગુલાબની ખેતી અન્ય શહેરો સુધી મહેંક પ્રસરાવશે