VADODARA : પાણીજન્ય રોગોને અટકાવવા માટે વિસ્તૃત સમીક્ષા
VADODARA : વડોદરા કલેક્ટર (VADODARA - DISTRICT COLLECTOR) કચેરી ખાતે કલેક્ટર બીજલ શાહની અધ્યક્ષતામાં સંચારી રોગ અટકાયત માટે સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં પાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અટકાયતના પગલાઓ સાથે પાણી શુદ્વિકરણ અને દૂષિત ખાદ્ય પદાર્થોના નિકાલની કામગીરીની કલેક્ટરએ વિસ્તૃત સમીક્ષા કરી હતી.
પ્રિ-મોન્સૂન કામગીરીની વિસ્તૃત સમીક્ષા
કલેક્ટરએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં પાણીજન્ય અને સ્વાઈન ફ્લૂ જેવા રોગોની અટકાયત માટે પીવાના પાણીનું સમયાંતરે શુદ્ધિકરણ કરવા અધિકારીઓને તાકીદ કરી રોગચાળાને અટકાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠક સાથે જ કલેક્ટરએ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, મેલેરીયામુક્ત ગુજરાત અને હીટવેવ, ઋતુ પરિવર્તન અને રોગચાળા અટકાયત માટે પ્રિ-મોન્સૂન કામગીરીની વિસ્તૃત સમીક્ષા સહ ચર્ચા કરી હતી.
ક્લોરીનેશન અને સુપર ક્લોરીનેશન
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગના નોંધાયેલા દર્દીઓ અને તેમને આપવામાં આવતી સારવારની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ પીવાના પાણીના સ્ત્રોતોની સ્વચ્છતા રાખવા તેમજ પાણીના ક્લોરીનેશન અને સુપર ક્લોરીનેશન કરવા જણાવ્યું હતું.
દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગોની અટકાયત માટે જિલ્લામાં ૩૩,૪૧૬ જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ ૯૯ જેટલા લીકેજ શોધી તેની મરામત કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ એપેડેમિક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં તાલુકા આરોગ્ય અમલદારો સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
ચોમાસુ દસ્તક દે તેવી સ્થિતી
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ઉનાળો અંત તરફ આગળ વધી રહ્યો છે, ટુંકા ગાળામાં ચોમાસુ દસ્તક દે તેવી સ્થિતી સર્જાઇ રહી છે. ત્યારે ચોમાસાની સ્થિતીને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલી સમીક્ષા મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે.
આ પણ વાંચો -- VADODARA : 24.56 લાખ લોકોની રક્તપિત્ત અંગેની ચકાસણી કરાશે