Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ખોટા લગ્ન કરાવી મોટી રકમ પડાવી

VADODARA : વડોદરા (VADODARA) માં ખોટા લગ્ન (BOGUS MARRIAGE) કરાવીને મોટી રકમ પડાવી લેવામાં આવી હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. યુવકે લગ્ન કર્યા બાદ થોડાક જ દિવસમાં દુલ્હન ઘરેથી મંગળસુત્ર સહિતનો સામાન લઇને નાસી ગઇ હતી. તો આ મામલે...
10:43 AM May 11, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ખોટા લગ્ન (BOGUS MARRIAGE) કરાવીને મોટી રકમ પડાવી લેવામાં આવી હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. યુવકે લગ્ન કર્યા બાદ થોડાક જ દિવસમાં દુલ્હન ઘરેથી મંગળસુત્ર સહિતનો સામાન લઇને નાસી ગઇ હતી. તો આ મામલે મેરેજ બ્યુરોના સંચાલકો દ્વારા મોટી રકમ પડાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. હવે આ મામલે યુવતિના પરિવાર સહિત મેરેજ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મારે કોઇ વાંધો નથી

મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કમલભાઇ (નામ બદલ્યું છે) રોજ પેપર વાંચતા હતા. તેમાં જાહેરાત જોઇને તેઓ શ્રીનાથ મેરેજ બ્યુરો, વડોદરાના સંચાલક સેજલબેન જોશીની ઓફિસે ગયા હતા. અને બાયોડેટા આપ્યો હતો. જે બાદ તેમને ફેબ્રુઆરીમાં ફોન કરીને જાણ કરી કે, એક છોકરી છે. સામે તેમણે કહ્યું કે, છોકરી સારી હોય તો મારે કોઇ વાંધો નથી. બાદમાં સેજલબેને અમદાવાદમાં રહેતા ઝાલા કીરીટભાઇ ઉર્ફે કિરણ અરજણભાઇનો સંપર્ક કરાવ્યો હતો. સેજલબેને ફોન કરીને જણાવ્યું કે, તુ અમદાવાદ કીરીટભાઇના મેરેજ બ્યુરો ખાતે આવી જા. જેથી તેઓ અમદાવાદ પહોંચ્યા હતા.

છોકરીને પણ છોકરો પસંદ આવ્યો

ત્યાં પહોંચ્યા બાદ કમલભાઇને છોકરી બતાવવામાં આવી હતી. જે ગમી ગઇ હતી. બાદમાં તેઓ વડોદરા પરત ફર્યા હતા. બીજા દિવસે સેજલબેનનો તેમના મામા પર ફોન આવ્યો હતો. અને તેમણે જણાવ્યું કે, છોકરીને પણ છોકરો પસંદ આવ્યો છે. તમારે લગ્ન કરવા હશે તો પૈસા આપવા પડશે. જે બાદ કીરીટભાઇ અને સેજલબેન છોકરીને લઇને કમલભાઇના ઘરે પહોંચ્યા હતા. છોકરીએ પોતાનું નામ દિક્ષા જયનાથ બેરડે જણાવ્યું હતું. ત્યાર બાદ વાતચીતના અંતે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.

કહ્યા વગર ઘરેથી જતી રહી

મેરેજ બ્યુરો વાળાએ રૂ. 5 લાખની માંગણી કરી હતી. ત્યાર બાદ લગ્ન થયા હતા. જેમાં મેરેજ સંચાલક અને યુવતિના માતા-પિતા સહિતના હાજર હતા. લગ્ન બાદ દિક્ષા ઘરે આવી હતી. 10 - 12 દિવસ રોકાઇને તે કીરીટભાઇના ઘરે અમદાવાદ જતી રહી હતી. ત્યાર બાદ તેમનો ફોન આવતા કમલભાઇ તેને પરત લઇ આવ્યા હતા. જ્યાં તે સાત દિવસ રહી હતી. દરમિયાન માર્ચ માસમાં કમલભાઇ નોકરી પર હતા. તેવામાં તેમની પત્ની દિક્ષા કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. અને તપાસ કરતા જાણવા મળ્યું કે, મંગલસુત્ર, બોરમાળા, સોનાની ચેઇન, બુટ્ટી અને રોકડા રૂ. 12 હજાર લઇને તે નિકળી ગઇ હતી.

હું તારી સાથે નથી આવતો

જે બાદ તેમણે કીરીટભાઇને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે, બે ત્રણ દિવસ રોકાઇ જા. છોકરીનું ઘર મેં જોયું છે. આપણે બંને ત્યાં જઇશું. બે દિવસ પછી ફરી ફોન કરતા તેમણે કહી દીધું કે, હું તારી સાથે નથી આવતો. તારે જે કાર્યવાહી કરવી હોય તે કર. ઉપરોક્ત મામલે રૂ. 5 લાખની ચુકવણી રોકડા અને ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ફરિયાદ દાખલ કરવામાં આવી

આખરે મંજુસર પોલીસ મથકમાં શ્રીનાથ મેરેજ બ્યુરોના સંચાલિકા સેજલબેન જોષી (રહે. ઉમા ચાર રસ્તા, વડોદરા), ઝાલા કીરીટભાઇ ઉર્ફે કિરણ અરજણભાઇ (અમદાવાદ મેરેજ બ્યુરો), જયનાથ બોરડે, કુસુમ જયનાથ બોરડે, અને દિક્ષા જયનાથ બોરડે (તમામ રહે. મુકુંદવાડી, ઔરંગાબાદ) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- Gujarat Weather : રાજયમાં વિજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ

Tags :
bogusFraudMarriageMattermoneypolicereachstationtoVadodara
Next Article