બદઈરાદાથી પોલીસને વગોવતા સમાચાર માધ્યમો સાવધાન, તંત્રીની ધરપકડ
કહેવાતા પત્રકારોથી પરેશાન અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad Police) એક ગુનો નોંધ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં નોંધાયેલી આ FIR બાદ ચોપાનિયા માલિકોમાં સોંપો પડી ગયો છે. સાપ્તાહિક-પખવાડીકના નામે બદઈરાદાથી અખબારો ચલાવતા લેભાગુ તંત્રી-પત્રકારો સામે અમદાવાદ શહેર પોલીસ કાર્યવાહી કરતા જરા સરખી પણ ખચકાશે નહીં. અમદાવાદ શહેરમાં નોંધાયેલા એક પખવાડીકના માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવતા તોડબાજ તંત્રી-પત્રકારો ફફડી ઉઠ્યાં છે. કહેવાતા તંત્રી સાથે ગોઠવણ ધરાવતા પોલીસ કર્મચારી-અધિકારીઓની ક્રાઈમ બ્રાંચે તપાસ આરંભી દીધી છે.
શું છે FIR અને કોણે-કોની સામે નોંધાવી ? : અમદાવાદ પ્રિવેન્શન ઑફ ક્રાઈમ બ્રાંચ (Prevention of Crime Branch Ahmedabad) માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ હરિશચંદ્રએ ગુજરાત ગીતા પાક્ષિક (Gujarat Geeta Pakshik) ના માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી રાકેશ યાદવ અને મળતીયાઓ સામે ફરિયાદ આપી છે. ગત 1 ડિસેમ્બર અને 15 ડિસેમ્બરના રોજ રાકેશ એચ. યાદવે (Rakesh H Yadav) પોતાના પખવાડીકમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) IPS અધિકારીઓ, PCB PI -સ્ટાફ, ACB તેમજ શહેર પોલીસ સામે પાયાવિહોણા આરોપ લગાવતા સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ ઉપરાંત પખવાડીકની પીડીએફ નકલ (PDF Copy) વોટ્સએપ (WhatsApp) ના માધ્યમથી ફરતી કરી હતી. સમગ્ર શહેર પોલીસ દળ તેમજ ફરિયાદીની છબીને બગાડવાના બદઈરાદાથી બદનક્ષી તેમજ બદનામી થાય તેવા સમાચાર પ્રસિદ્ધ કરતા IPC 469, 500, 501, 505 (1)(b)(c)(2) અને 120(b) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની લીલીઝંડી : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક (Gyanendra Singh Malik IPS) એક સારી અને સ્વચ્છ છબી ધરાવતા પોલીસ અધિકારી છે. અમદાવાદ શહેરમાં ચાલતી બદીઓને ડામવા તેમણે પોલીસને છૂટો દોર પણ આપ્યો છે. આ ઉપરાંત ગંદી નીતિ રીતી ધરાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરતા તેઓ ખચકાતા નથી. છેલ્લાં કેટલાંક સપ્તાહથી અમદાવાદ શહેર પોલીસની છબીને બદનામ કરી પોતાના છુપા બદઈરાદા પાર પાડવા કેટલાંક તત્વો સક્રિય થયા છે. પાયાવિહોણા આક્ષેપ કરી બદનક્ષી કરતા ચોપાનીયા તત્વો સામે કાર્યવાહી કરવાની શહેર પોલીસ કમિશનરે લીલી ઝંડી આપી દીધી છે. સામેલ તત્વોની તપાસ થશે : અમદાવાદ શહેરમાં રહેતા રાકેશ યાદવ છેલ્લાં એકાદ દસકાથી ગુજરાત ગીતા નામે પાક્ષિક ચલાવે છે. છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદના ચોક્કસ પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ PCB ને નિશાન બનાવી બદનામ કરનારા યાદવના મળતીયાઓની પણ તપાસ શરૂ થઈ ગઈ છે. રાકેશ યાદવ બદઈરાદાપૂર્વક પોલીસ વિભાગના સમાચાર પ્રકાશિત કરતા હતા અને આ કાવતરામાં કોણ-કોણ સામેલ છે તેની માહિતી તપાસ અધિકારી એકઠી કરી રહ્યાં છે. કલમો અનુસાર શું છે સજાની જોગવાઈ ? : આઈપીસી (Indian Penal Code) 469 બદઈરાદાથી કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવા દસ્તાવેજોનો ઉપયોગ કરવો 3 વર્ષની સજા, IPC 500 માનહાનિ 2 વર્ષની સજા-દંડ, IPC 501 માનહાનિ થાય તેવું લખાણ 2 વર્ષની સજા-દંડ , IPC 505 (1)(b)(c)(2) કોઈ જૂથ-વર્ગમાં શાંતિ ડહોળાય, દુશ્મનાવટ થાય કે ધિક્કાર થાય તેવી લાગણી ઉત્પન્ન કરવા તેમજ પ્રોત્સાહન આપે અથવા તેવી સંભાવના હોય તેવા સમાચાર પ્રસિદ્ધ કરે કે ફેલાવે 3 વર્ષ સજા-દંડ અને IPC 120(b) ગુનાહિત કાવતરૂં રચવું બે વર્ષ અથવા તેથી વધુ સશ્રમ સાથેની સજા.આ પણ વાંચો -પાંચ દિવસની સતત મહેનત, મધ્યપ્રદેશથી ચોરને ઘરેણાં સાથે પકડ્યો