Morbi bridge collapse : 'MD જેલમાં છે તો શું કંપની પણ અનાથ થઈ ગઈ છે?' પીડિતોને વળતર મામલે HC આકરાં પાણીએ
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના (Morbi bridge collapse) મામલે જાહેરહીતની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે પીડિતોને વળતર મામલે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને કેટલાક મહત્ત્વના આદેશ આપ્યા છે. આ સાથે હાઈકોર્ટે ઓરેવા કંપનીને (Oreva Company) પણ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, MD જેલમાં છે તો શું કંપની પણ અનાથ થઈ ગઈ છે? આ કેસમાં પીડિતોની જવાબદારી સંભાળવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવા અને જરૂર પડશે તો કોર્ટ મિત્રની નિમણૂક કરવામાં આવશે તેમ કોર્ટે જણાવ્યું હતું. બીજી તરફ, અત્યાર સુધી કરાયેલી કામગીરી અને વળતર મામલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું હતું અને પીડિતોને યોગ્ય સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે ખાતરી આપી હતી.
હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું
વર્ષ 2022 માં દિવાળી ટાણે મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં (Morbi bridge collapse) બાળકો-મહિલાઓ સહિત 136 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ મામલે મુખ્ય આરોપી તરીકે ઓરેવા કંપનીના MD જયસુખ પટેલનું (Jaysukh Patel) નામ સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 13 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં છે. જો કે, સુપ્રીમ કોર્ટે (Supreme Court) જયસુખ પટેલને નિયમિત જામીન આપતા તેઓ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) ટાણે મુક્ત હશે. બીજી તરફ, આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) અત્યાર સુધી કરાયેલી કામગીરી અને વળતર મામલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું અને 5 લોકોને થયેલી માનસિક અસર અને મળતી સારવાર મામલે કલેક્ટર દ્વારા રિપોર્ટ પણ સોંપાયો હતો.
પીડિતોને સહાય પૂરી પાડવા કોર્ટના આદેશ
ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ઘાયલો અને હજુ સુધી પીડાતા લોકો માટે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સરકારને આદેશ આપતા જણાવ્યું કે, રોજિંદા જીવન નિર્વાહ માટે જેમને તકલીફ પડી રહી છે તેમના માટે પણ વિચાર કરવામાં આવે. કોર્ટે નિર્દેશ આપતા જણાવ્યું કે, આ કેસમાં 21 વર્ષીય પીડિત જે સહારાનાં આધારે જ ઊભો રહી શકે છે તેને યોગ્ય સાધનો પૂરા પાડવામાં આવે. ઉપરાંત, લકવાગ્રસ્ત પીડિતો માટે યોગ્ય સહાય અને આ દુર્ઘટનામાં જેણે પોતાના પતિને ગુમાવ્યો છે તેવી મહિલાઓને પણ યોગ્ય વ્યવસ્થા કરી પગભર કરવામાં આવે. કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે, ઘટનામાં પીડિત મહિલા કે જે મુંબઈમાં સ્થાયી થઈ છે તેને મુંબઈના BKC અથવા લોઅર પરેલમાં 2 BHK ઘર અપાવવામાં આવે. જીવન નિર્વાહ માટે 2 અથવા 3 BHK ઘર અપાવવામાં આવે, જેનાથી પીડિતાને મદદ થઈ શકે.
Morbi Bridge Tragedy: Morbi ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલના જામીન મંજૂર | Gujarat First
ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલના જામીન મંજૂર
સુપ્રીમ કોર્ટમાં જયસુખ પટેલે કરી છે જામીન અરજી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી છે જયસુખ પટેલ
પુલ દુર્ઘટનામાં 136… pic.twitter.com/hg1YeOB05D— Gujarat First (@GujaratFirst) March 22, 2024
પીડિતોની સંભાળવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂકનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જે બાળકો અનાથ થયા છે અથવા માતા કે પિતા ગુમાવ્યા છે તેમના માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આવા બાળકો માટે ભણવા સહિતની જવાબદારી યોગ્ય રીતે લેવામાં આવે તેવો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ ઘટનામાં પીડિતોની જવાબદારી સંભાળવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. આ માનવ સર્જિત દુર્ઘટના હતી અને તેના માટે જ યોગ્ય કામગીરી કરવાની જરૂર છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ (Advocate General Kamal Trivedi) કોર્ટમાં બાંહેધરી આપી હતી. એડવોકેટ જનરલે કહ્યું કે, ઓરેવા MD જેલમાં હોવાથી હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે, કોર્ટે આકરા વલણમાં કહ્યું કે, MD જેલમાં છે તો શું કંપની પણ અનાથ થઈ ગઈ છે?
મોરબીની જનતાને લીધે જ તમે સફળ ઉદ્યોગપતિ થયા છો : HC
આ કેસમાં કોર્ટે ઓરેવા કંપનીને (Oreva Company) પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, મોરબી (Morbi) અને મોરબીની જનતાને લીધે જ તમે સફળ ઉદ્યોગપતિ થયા છો. મોરબીવાસીઓને કારણે જ તમે ઘડિયાળથી લઈને અન્ય કાર્યોમાં સફળ થયા છો. આ સાથે કોર્ટે કહ્યું કે, MD જેલમાં છે કે બહાર તેનાથી અમને ફર્ક પડતો નથી. જેમ અન્ય પ્રક્રિયાઓ ચાલે છે તેમ પીડિતોની સહાય અંગે પણ નિર્ણય લેવામાં આવે. કોર્ટે પીડિતોની દેખરેખ રાખવા માટે યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવા પણ હુકમ કર્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, જરૂર પડે તો આ કિસ્સા માટે કોર્ટ મિત્રની નિમણૂક પણ કરવામાં આવશે.
આ પણ વાંચો - Hanging Bridge : દુર્ઘટના, ધરપકડ, આક્ષેપો અને જયસુખ પટેલને જામીન સુધીનો ઘટનાક્રમ
આ પણ વાંચો - Morbi : બ્રિજ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન
આ પણ વાંચો - એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી