Amit Chavda : આતંકવાદી, સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને સ્માર્ટ મીટર મુદ્દે રાજ્ય સરકારને બરાબરની ઘેરી!
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ફરી એકવાર રાજ્યની ભાજપ સરકારને વિવિધ મુદ્દે ઘેરી આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 4 આતંકવાદી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સ્માર્ટ મીટર સહિતના મુદ્દાઓ પર વાત કરીને રાજ્ય સરકારને આડે હાથ લીધી છે.
ગુજરાતની સુરક્ષા સામે પણ સવાલ છે : અમિત ચાવડા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આંતકવાદીઓ અંગે કહ્યું કે, 4 ખૂંખાર અને વિદેશી આતંકવાદીઓ દેશની સરહદથી છેક ગુજરાત સુધી પહોંચી ગયા. આતંકવાદીઓ હોય કે ડ્રગ્સ બધું જ ગુજરાતમાં ઘૂસી જાય છે. ત્યારે સવાલ થયા છે કે ગુજરાતનું આઈબી અને ગૃહ વિભાગ શું કરે છે ? તેમણે કહ્યું કે, હવે ગુજરાતની સુરક્ષા સામે પણ સવાલ છે. ચૂંટણી સમયે આતંકવાદીઓ પકડાયા છે. જો કે, આ વખતે આશ્ચર્ય થયું કે ગુજરાતમાં ચૂંટણી બાદ આતંકવાદીઓ પકડાયા છે. કદાચ દિલ્હીથી મેસેજ મોડા મળ્યા હશે એટલે એવું થયું હશે. ગૃહ વિભાગ વિપક્ષની જાસૂસી ના બદલે અસામાજિક પ્રવૃત્તિ પર ધ્યાન આપે તો વધુ સારું.
'ચૂંટણીઓ બાકી હોવાથી વહીવતદારોનું શાસન છે'
અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પેન્ડિંગ હોવા મામલે આરોપ લગવાતા કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાકી હોવાથી વહીવતદારોનું શાસન છે. સરકારમાં અમે રજૂઆત કરી છે કે વહીવટદારોના શાસનનો અંત લાવી ચૂંટણીઓ કરાવવામાં આવે. પણ કોઈ નોંધ લેવાતી નથી. તેમણે આગળ કહ્યું કે, 6500 ગ્રામ પંચાયત, 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકાઓની ચૂંટણીઓ હાલ પણ બાકી છે. છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કરાવવામાં આવી નથી.
'સરકાર સ્માર્ટ વીજ મીટરને જનતા પર થોપવા માગે છે'
અમિત ચાવડાએ સ્માર્ટ મીટર મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ગરીબોને લૂંટવા માટે સરકાર સ્માર્ટ મીટર લાવી છે. સરકાર સ્માર્ટ વીજ મીટરને જનતા પર થોપવા માગે છે. અમારી માગ છે કે સ્માર્ટ મીટર સાથે વિકલ્પ આપવામાં આવે. સ્માર્ટ મીટર ફરજિયાત નહિ પણ મરજિયાત હોવા જોઈએ. તેમણે કહ્યું કે, એવું નહીં થાય તો સ્માર્ટ મીટર મુદ્દે કોંગ્રેસ લડત લડશે. અમે સવિનય કાનૂન ભંગ અભિયાન ચલાવીશું. સ્માર્ટ વીજ મીટર મુદ્દે કોંગ્રેસ જનતા સાથે છે.
આ પણ વાંચો - Smart Meters : વિરોધ બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય..!
આ પણ વાંચો - Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!
આ પણ વાંચો - Heatwave Guidelines: રૂપિયાના લોભીયોએ માનવતા નેવે મૂકી!