Tragedy : દુર્ઘટના બાદ Police ને FIR નોંધવાની કેમ ઉતાવળ?
Tragedy : Gujarat માં તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે સર્જાતી હોનારતોની નવાઈ રહી નથી. "સંવેદનશીલ સરકાર"ના રાજમાં છેલ્લાં છ વર્ષમાં અનેક માનવસર્જિત હોનારતો સર્જાઈ અને તેનો મૃત્યુઆંક કોઈ નાનો સૂનો નથી. ભ્રષ્ટચારથી ખદબદતા સરકારી તંત્રએ અનેક પરિવારના માળા વિખેરી નાંખ્યા છે. દુર્ઘટના સર્જાતાની સાથે જ FIR, કડક કાર્યવાહી, SIT, તપાસ પંચ વિગેરે વિગેરે કહેવાતા આદેશ આપવાના નાટક ભજવાય છે. સમગ્ર ખેલ પોલીસ FIR (ફરિયાદ) થી શરૂ થાય છે. દુર્ઘટના બન્યાં બાદ પોલીસ કેમ FIR નોંધવાની ઉતાવળી બને છે. મોરબી ઝૂલતા પુલ (Morbi Bridge) ની દુર્ઘટના હોય કે વડોદરા હરણી તળાવ (Harni Lake) ની દુર્ઘટના (Tragedy) ગણતરીના સમયમાં નોંધાઈ જાય છે. ફરિયાદ નોંધાયાના સપ્તાહો સુધી મુખ્ય આરોપીઓ મળતા નથી. આવો જાણીએ તેના કેટલાંક રહસ્યો....
Morbi ઝૂલતા પુલની નામ-ઠામ વિનાની FIR
30 ઑક્ટોબર 2022ના રોજ 135 લોકોનો મોતના મુખમાં ધકેલનારી મોરબી ઝૂલતા પુલ Tragedy સમગ્ર વિશ્વભરના સમાચાર માધ્યમોમાં ચમકી હતી. વિધાનસભાની ચૂંટણી માથે હોવાથી ગુજરાત સરકાર (Government of Gujarat) પણ હચમચી ગઈ હતી. ચકચારી મોરબી પુલ દુર્ઘટનામાં મચ્છુ નદીમાં ખાબકેલા અનેક લોકોને બચાવવાની તેમજ શોધવાની કામગીરી 24 કલાક જેટલી ચાલી હતી. આવી સ્થિતિમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Morbi Police Station) ના પીઆઈ પ્રકાશ દેકાવાડીયા (PI P A Dekawadiya) એ ઉચ્ચ અધિકારીઓના આદેશથી માત્ર પોણા બે કલાકમાં ફરિયાદ દાખલ કરી દીધી. ઝૂલતા પુલ પર OREVA કંપનીનું લટકતું પાટીયું અને પ્રવેશ ટિકિટ જોયા છતાં પણ નામ-ઠેકાણા વિનાની ફરિયાદ નોંધવામાં આવી. દુર્ઘટના માટે જવાબદાર મુખ્ય આરોપી જયસુખ પટેલ (Jaysukh Patel) ને લાભ આપવા માટે સિનિયર IPS અધિકારીએ તમામ પ્રયત્નો કર્યા. મામલો હાઈકોર્ટ (High Court) અને સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં જતાં 90 દિવસ બાદ જયસુખ પટેલે અદાલતમાં શરણાગતિ સ્વીકારી.
Vadodara હરણી બોટ દુર્ઘટનાની FIR સાડા ત્રણ કલાકમાં
વડોદરા હરણી તળાવ બોટ Tragedy માં 12 બાળકો અને બે શિક્ષકોના મોતથી ગુજરાત સરકાર ફરી એકવાર હચમચી ગઈ છે. બચાવ કામગીરી દરમિયાન મોરબી ઝૂલતા પુલ Tragedy ની ફરિયાદ નોંધાઈ હતી તેવી જ સ્થિતિમાં વડોદરા હરણી પોલીસ સ્ટેશન (Harni Police Station) ના પીઆઈ સી. બી. ટંડેલે (PI C B Tandel) 3 કલાક 40 મિનિટમાં ફરિયાદ નોંધી દીધી. ફરિયાદમાં દર્શાવેલા 18 આરોપીઓ પૈકી નંબર 2 હિતેશ કોટિયાનું કોરોનાકાળમાં નિધન થઈ ચૂક્યું છે. વાઈરલ થયેલી FIR ને લોકો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સાથે સરખાવે છે અને આ ફરિયાદમાં IPC 336 ની કલમ કેમ ગાયબ છે તેવા સવાલો પણ ઉઠાવી રહ્યાં છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વડોદરા પોલીસે (Vadodara Police) 6 લોકોની ધરપકડ કરી છે. વડોદરા પોલીસ હજી સુધી મોટા માથાંઓ સુધી પહોંચી શકી નથી.
ઉતાવળે FIR નોંધવાના રહસ્યો
- દુર્ઘટના બાદ પોલીસ કાર્યવાહી કરવા માટે આવતું સરકારનું દબાણ
- ઉતાવળે ફરિયાદ નોંધવાના બહાને ચોક્કસ આરોપીઓને આપવામાં આવતો છુપો લાભ
- અદાલતમાં FIR ને લઈને સવાલ ઉપસ્થિત થાય તો ઉતાવળે ભૂલ થઈ હોવાનું બહાનું
- FIR માં દર્શાવેલી વિગતો અનુસાર તપાસની દિશા બદલવાની ચાલ
- ફરિયાદમાં દર્શાવેલા આરોપી સિવાય તપાસમાં સામે આવતા અન્ય આરોપીઓને રાહત આપવાની ગોઠવણ