Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DySP પટેલ અને રોજિયાને કેમ અપાયા આઉટ ઑફ ટર્ન પ્રમોશન ?

દિવાળીના તહેવારો પૂર્વે ગુજરાતના બે ડીવાયએસપીને મળેલી આઉટ ઑફ ટર્ન પ્રમોશન (Out of Turn Promotion) ની ભેટ રાજ્ય પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. લૉ એન્ડ ઑર્ડર (Law and Order) અને ઓપરેશન જ જેમની ઓળખ છે તેવા DySP ભાવેશ રોજીયા...
dysp પટેલ અને રોજિયાને કેમ અપાયા આઉટ ઑફ ટર્ન પ્રમોશન

દિવાળીના તહેવારો પૂર્વે ગુજરાતના બે ડીવાયએસપીને મળેલી આઉટ ઑફ ટર્ન પ્રમોશન (Out of Turn Promotion) ની ભેટ રાજ્ય પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. લૉ એન્ડ ઑર્ડર (Law and Order) અને ઓપરેશન જ જેમની ઓળખ છે તેવા DySP ભાવેશ રોજીયા (Bhavesh Rojiya) અને કે. કે. પટેલ (K K Patel) ને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (Superintendent of Police) તરીકે વિશેષ કિસ્સામાં બઢતી આપી છે.

Advertisement

કોને મળે આઉટ ઑફ ટર્ન પ્રમોશન ? : પોલીસ વિભાગમાં બેદાગ રહીને જે અધિકારી-કર્મચારી કોઈ અતિ નોંધપાત્ર કામગીરી કરે છે તેને રાજ્ય સરકાર આઉટ ઑફ પ્રમોશન આપે છે. જે અધિકારી કે કર્મચારીને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવાનું હોય તેની કામગીરી-મેડલ સહિતની માહિતી રાજ્ય પોલીસ વડા (DGP Gujarat) તરફથી ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને આખરમાં મુખ્યમંત્રી (CM) પાસે પહોંચે છે. આઉટ ટર્ન પ્રમોશન માટે મુખ્યમંત્રીની મહોર બાદ ગૃહ વિભાગ બઢતીનો હુકમ કરે છે.

19 વર્ષની નોકરીમાં જ રોજીયા SP બની ગયા : ભાવનગરના વતની ભાવેશ પ્રવિણભાઈ રોજીયા (B P Rojiya) વર્ષ 2004ની બેચના PSI છે. માત્ર 19 વર્ષની નોકરીની સફરમાં જ તેઓ SP બની ગયા છે. ATS માં DySP તરીકેની ફરજમાં હજારો કરોડના ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ, 36 પાકિસ્તાની, 16 ઈરાની અને 3 અફઘાનીઓને પકડી ચૂક્યા છે. UP ના હિન્દુ નેતા કમલેશ તિવારી (Kamlesh Tiwari) ના હત્યારા અને કાવતરાખોરને પકડવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત ગુજરાતના પાટનગર (Capital of Gujarat) ગાંધીનગરમાં આતંક મચાવનારા સિરિયલ કિલરને પકડી ચૂકયા છે. હથિયારો, આતંકવાદી વિરોધી પ્રવૃત્તિ તેમજ ખૂંખાર ગુનેગારોને પકડ્યા હોવાની યાદી ખૂબ લાંબી છે. ભાવેશ રોજિયાએ વડોદરા ગ્રામ્ય, ખેડા, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2012માં PI નું પ્રમોશન મેળવ્યા બાદ તેઓ ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2018માં DySP નું પ્રમોશન મળ્યા બાદ તેમણે 4 વર્ષ ATS માં ફરજ બજાવી. ઓગસ્ટ-2022માંથી તેઓ સુરત ક્રાઈમ બ્રાંચના (Surat Crime Branch) ACP તરીકે ફરજ બજાવે છે.

Advertisement

રોજીયા ગેલેન્ટરી એવોર્ડ મેળવી ચૂક્યા છે : ભાવેશ રોજીયા વડોદરા ગ્રામ્યમાં પ્રોબેશનર પીએસઆઈ (Probationer PSI) તરીકે ફરજમાં હતા ત્યારે તેમણે જાનના જોખમે દારૂ ભરેલી કાર પકડી હતી. ફેબ્રુઆરી-2007માં નાકાબંધી કરી ઉભેલા રોજીયા દારૂ ભરેલી કાર રોકવા તેના પર ચઢી ગયા હતા. કાર નહીં રોકાતા ડ્રાઈવરને ચેતવણી આપવા રોજીયાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયર કર્યો હતો, પરંતુ ચાલકે કાર નહીં રોકતા તેના ખભામાં એક ગોળી ધરબી દીધી હતી. ભાવેશ રોજીયાને હાથ-પગ અને ચહેરા સહિત ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. તેમની આ કામગીરી બદલ વર્ષ 2009માં કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી ગેલેન્ટરી એવૉડ (Gallantry Award) એનાયત કરવામાં આવ્યો હતો. બહાદુરી પદક ઉપરાંત તેમને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ડીજી (ICG DG) તરફથી કોમોન્ડેશન ડિસ્ક, કેન્દ્રીય ગૃહમંત્રાલયનો અસાધારણ આસૂચના કુશળતા પદક, સ્ટેટ DGP તરફથી કોમોન્ડેશન ડિસ્ક તેમજ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સ્પેશ્યલ ઓપરેશન મેડલ મળી ચૂક્યો છે. રોજીયા 454 રિવોર્ડ્સ તેમજ 3.76 લાખના રોકડ ઈનામ મેળવી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ શહેર (Ahmedabad City) ના જવેલર્સ જેના નામ માત્રથી ધ્રુજતા હતા તે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી (Gangster Vishal) ને ઉઠાવી લાવવા ગોઠવાયેલા ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમના સાથી અધિકારીઓની મદદથી દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું.

ISIS સહિતના અનેક આતંકીઓને પકડ્યા છે પટેલે : ગુજરાત પોલીસના K K એટલે કે, કનુભાઈ કિશોરભાઈ પટેલે વર્ષ 1993ની બેચમાં PSI તરીકે સફર શરૂ કરી હતી. PSI તરીકે સુરત શહેર અને ગ્રામ્યમાં અને PI તરીકે અમદાવાદ શહેર તેમજ ATS માં ફરજ બજાવી ચૂક્યાં છે. ડીવાયએસપી તરીકે ઓગસ્ટ-2018માં બઢતી મળતા તેમને ATS માં નિમણૂંક અપાઈ હતી અને હાલ પણ ATS માં ફરજ બજાવી રહ્યાં છે. ATS માં નોકરી દરમિયાન કે. કે. પટેલ 1993ના બોમ્બે બ્લાસ્ટ કેસ (Bombay Blast Case) ના 7 આરોપીઓને પકડી ચૂક્યાં છે. ગુજરાતમાં હુમલો કરવાની ફિરાકમાં રહેલા ISIS ના 4 આતંકીઓ, ગુજરાતમાં છુપાયેલા તામિલનાડુ (Tamil Nadu) ના ISIS ના આતંકી, ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP) ના 5 સભ્યોને ગુજરાત-કાશ્મીરમાંથી, વર્ષ 2002ના અક્ષરધામ મંદિર પરના હુમલા (Akshardham Mandir Attack) કેસના આરોપી, અમેરિકન કોન્સ્યુલેટ કોલકતા (American Consulate Kolkata) પર થયેલા હુમલાના એક આરોપી તેમજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast) તથા વર્ષ 2000ના લાલ કિલ્લા એટેક (Red Fort Attack) ના આરોપીને પકડવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યાં છે. 2016માં પ્રેસિડેન્ટ પોલીસ મેડલ (President's Police Medal), વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સ્પેશ્યલ ઓપરેશન મેડલ, સ્ટેટ DGP તરફથી કોમોન્ડેશન ડિસ્ક, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ડીજી (ICG DG) તરફથી કોમોન્ડેશન ડિસ્ક, 320 રિવોર્ડ્સ અને 2.92 લાખના રોકડ પુરસ્કાર મેળવી ચૂકયાં છે.

Advertisement

આ પણ વાંચો - ગૃહ વિભાગે DYSP પટેલ અને રોજિયાને આપ્યા આઉટ ઑફ ટર્ન પ્રમોશન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.