VADODARA : જર્જરિત મકાનો પર પાલિકાનું મેગા ઓપરેશન, પાણી-વિજ કનેક્શન કપાયા
VADODARA : વરસાદની મોસમ નજીક આવતા જ પાલિકા તંત્ર (VADODARA - VMC) એક્શનમાં આવ્યું છે. અને જર્જરિત મકાનો સામે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. આજે પાલિકાની ટીમ દ્વારા પોલીસ, વિજ કંપની અને ફાયર વિભાગના સાથે રાખીને તરસાલી બાયપાસ નજીક દિવાળી સ્લમ ક્વાટર્સ તરીકે ઓળખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની પાણીની લાઇન અને વિજ લાઇન કાપવાની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં 300 થી વધુ મકાનોના વિજ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.
300 થી વધુ મકાનો મહત્વના કનેક્શન વિહોણા
આજે સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમ તરસાલી બાયપાસ નજીક દિવાળી સ્લમ ક્વાટર્સ તરીકે ઓળખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પહોંચી હતી. અગાઉ અહિંયા આવેલા જર્જરિત મકાનોને નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ પણ સ્થિતી યથાવત રહેતા પાલિકાના કાર્યપાલક ઇજનેરની હાજરીમાં જર્જરિત મકાનોના પાણી અને વિજ લાઇનના કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. આ કામગીરીમાં આશરે 300 થી વધુ મકાનો મહત્વના કનેક્શન વિહોણા થઇ ગયા હતા.
કોઇ દુર્ધટના ન સર્જાય તે માટે કામગીરી
પાલિકાની ટીમની કામગીરી સમયે સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ તેને અવગણીને ટીમે કામગીરી ચાલુ રાખી હતી. એક તબક્કે તુતુમેંમેંના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસની હાજરી હોવાના કારણે કોઇ ઘર્ષણ થયું ન્હતું. અગાઉ હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો સામેની નોટીસ અને કાર્યવાહીનો મામલો સભાગૃહમાં ગુંજ્યો હતો. પરંતુ ત્યાર બાદ પાલિકાની ટીમ દ્વારા મક્કમતાથી કોઇ દુર્ધટના ન સર્જાય તે માટે કામગીરી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આવનાર સમયમાં જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી પણ હાથમાં ધરાઇ શકે છે. આ અગાઉ પણ પાલિકાની ટીમો દ્વારા જર્જરિત મકાનો સામે કાર્યવાહી કરી છે. જે આવનાર સમયમાં પણ ચાલુ રહી શકે છે.
આ પણ વાંચો -- VADODARA : પાણી માટે કોર્પોરેટરોએ ધરણા કરવા પડે તેવા દિવસો