VADODARA : સતત ચોથા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઇ જારી
VADODARA : વડોદરા (VADODARA - VMC) માં ચોમાસાની શરૂઆત સમયે પાણીજન્ય રોગચાળો વધતા જ પાલિકા દ્વારા પાણીપૂરીના વિક્રેતાઓ પર તવાઇ લાવવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીપૂરી બનાવતી હોય તે જગ્યાઓ પર પાલિકાની ખોરાક શાખાની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. આજરોજ પાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. તૈ પૈકી 150 કિલો અખાદ્ય બટાકાનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો નાશ કરવામાં આવ્યો છે. આવનાર સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી જારી રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વિવિધ ટીમો દ્વારા તપાસ
વડોદરામાં ચોમાસાની શરુઆતથી જ પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચેપી રોગના દવાખાનાની ઓપીડી દર્દીઓથી ઉભરાઇ રહી છે. ત્યારે પાલિકા દ્વારા પાણીપૂરી વિક્રેતાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાલિકાની ખોરાક શાખાના વિવિધ ટીમો દ્વારા છેલ્લા ચાર દિવસથી અલગ અલગ વિસ્તારોમાં જઇને પાણીપૂરીના બનાવટ સ્થાને તપાસ કરવામાં આવે છે. દરમિયાન કોઇ સ્થળેથી અખાદ્ય જથ્થો મળી આવે તો તેનો નાશ કરવામાં આવે છે. આજે પાલિકાની ટીમને તપાસમાં 150 કિલો જેટલો બટાકાનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે.
150 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
પાલિકાના કર્મી જણાવે છે કે, ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાયેલો હોવાના કારણે, કોલેરા-કમળાના કેસો વધતા, છેલ્લા ચાર દિવસથી જે પાણીપુરી બનાવે છે, ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગોરવા બીઆઇડીસી, માંજલપુરના અલવાનાકા, તુળજાનગરમાં તપાસ કરવામાં આવી છે. અહીંયા પાણીપુરી બનાવવામાં આવે છે, ત્યાં બટાકાની સ્થિતી ખુબ ખરાબ મળી આવી છે. પુરીઓ પણ ખરાબ હાલતમાં હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન 150 કિલો બટાકાનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --VADODARA : VMC ના ચેરમેને ભાજપના કોર્પોરેટરને કહ્યું “તમારૂ કામ નહી થાય”