VADODARA : ભાવ વધારાનો કલાત્મક વિરોધ કરી મેળવો મફત દૂધ
VADODARA : ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ અમૂલ ડેરી અને બાદમાં બરોડા ડેરી દ્વારા પ્રતિ લિટર દૂધના ભાવમાં (MILK PRICE HIKE) વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારો ગૃહિણીઓના બજેટ ખોરવવાની સાથે જ ચાના શોખીનોને દઝાડશે. અને તેની અસર અન્યત્રે પણ વર્તાશે. તેવામાં મોંઘવારીનો માર વેઠતી પ્રજાની વ્હારે વડોદરાના સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસ આવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે, દૂધના ભાવમાં વધારાનો સંગીત, કલા, લેખન કાર્યથકી વિરોધ નોંધાવો. અને તે અમને મોકલો, જે કોઇ તેમાં પસંદગી પામશે, તેમને અમૂલ ગોલ્ડ દુધ એક મહિના માટે નિશુલ્ક મળશે. આમ કરવા પાછળ લોકોની સમસ્યા ઉજાગર કરવાનું તેઓ જણાવી રહ્યા છે.
કોઇ વિરોધ કરતું પણ નથી
સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસ વિડીયો મેસેજમાં જણાવે છે કે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જીવન જરૂરીયાતની જે કોઇ વસ્તુઓ છે, દુધ, દવા, ગેસ, તેલ દરેક વસ્તુનો ભાવ વધતો જ જઇ રહ્યો છે. કોઇ દિવસ ઘટવાનું નામ નથી લઇ રહ્યું. આનો કોઇ વિરોધ કરતું પણ નથી. પહેલાનો જમાનો હતો કે, કોંગ્રેસનું સાશન હતું, 25 પૈસા વધે તો ભાજપ આખું વડોદરા માથે લેતુ હતું. દરેક રાજકીય પક્ષ વિરોધ પક્ષમાં હોય તે વિરોધ કરતા હતા. જેને લઇને શાસક પક્ષ વધારા સામે અંકુશમાં આવતું હતું. પરંતુ હવે કોઇ વિરોધ પક્ષ રહ્યો જ નથી. જેને લઇને આ લોકો બેલગામ બન્યા છે. તો આની સામે વડોદરાના લોકો જાગૃત થાય, પોતાની વ્યથા વ્યક્ત કરે, અને તે વ્યક્ત કરવાની અલગ અલગ તરકીબો હોય છે. અગાઉ પણ દૂધના ભાવ વધારા સામે અમે આવ્યા હતા.
અવાજ ભ્રષ્ટ નેતાઓ સુધી પહોંચે
આ વખતે નવી સ્કિમ આપવામાં આવે છે. જેનો લાભ લેશો તો એક મહિનાનું અમૂલ ગોલ્ડ દૂધ તમામ અમારા તરફથી મફતમાં આપવામાં આવશે. આ એક વિરોધ કરવાની પ્રથા છે. તમને સારો ડાન્સ કરતા, કવિતા લખતા, મીમીક્રી, સોંગ ગાવું, રીલ બનાવવું, પેઇન્ટીંગ તથા સારો મેસેજ બનાવીને તેમાં ભાવ વધારાનો વિરોધ સ્પષ્ટ જણાય તેમ કરો. આપણે કોઇ વ્યક્તિનો વિરોધ કરવો નથી. ફક્ત જે દૂધનો ભાવ વધાર્યો છે, તેને લઇને ગૃહિણીઓને જે તકલીફ પડી રહી છે, તે કેવી રીતે ઓછી થાય તેવી નવી તરકીબ સાથે કામ કરો. મારા નંબર પર આ મોકલો, જો પસંદગી પામશો તો ઘરનું એક મહિનાનું દૂધ મફત આપવામાં આવશે. લોકોનો અવાજ ભ્રષ્ટ નેતાઓ સુધી પહોંચે, મોંઘવારીનો માર ઓછો થાય તે કરવાનો અમારો પ્રયત્ન છે.
આ પણ વાંચો -- VADODARA : ભાવ વધારામાં અમૂલ ડેરીના રસ્તે બરોડા ડેરી, જાણો દુધનો નવો ભાવ