Rajkot આગકાંડમાં એક જ પરિવારના 7 લોકો ગુમ, ઘટના વાંચી આત્મા કકળી ઉઠશે
Rajkot Fire tragedy : અગ્નિકાંડમાં એક પછી એક ખુબ જ કરૂણાંતિકાઓ સામે આવી રહી છે. મૃતદેહો સળગીને ભડથુ થઇ ચુક્યા છે. તંત્ર અને સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો પોતાના પોતિકા માટે કલ્પાંત કરી રહ્યા છે. જો કે આ દુર્ઘટનામાં એક જ પરિવારના કૂલ 7 લોકો સમગ્ર દુર્ઘટનાનો ભોગ બન્યા છે. પરિવારને બચાવવા જતા એક વિરેન્દ્રસિંહ નામના શખ્સ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. રાજકોટના TRP મોલ ભુલકાઓ માટે હરતું ફરતું સ્મશાનગૃહ સાબિત થયું હતું. કૂલ 33 લોકોને ભરખી ગયો હતો. હજી પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરિવારના કુલ 7 લોકો ગુમ થયા
મુળ સાંગણવાના રહેવાસી અને ગેમિંગ ઝોનમાં પોતાના પરિવાર સાથે આવેલા વિરેન્દ્રસિંહ માથે તો જાણે આભ ફાટી પડ્યું છે. કારણ કે તેમના પરિવારના કૂલ 7 લોકો આ સમગ્ર દુર્ઘટનાનો ભોગ બન્યા છે. જે પૈકી 5 લોકો હજી પણ ગુમ છે. સાંગણવાના વિરેન્દ્રસિંહ, પોતાની પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા. જો કે તેમને ખબર નહોતી કે તેઓ બાળકોને ખુશ કરવા માટે નહીં પરંતુ તેમને મોતના મુખમાં ધકેલવા માટે લઇ જઇ રહ્યા છે. તેમનો સમગ્ર પરિવાર માટે આ ગેમિંગ ઝોન સ્મશાન સાબિત થશે.
વિરેન્દ્રસિંહ પરિવારને બચાવવા ગયા અને પોતે પણ ભોગ બન્યા
જ્યારે આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહપોતે તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયા હતા. જેથી તેઓ પોતાના પરિવારને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતા વિરેન્દ્રસિંહ પોતે પણ આગનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે લોકો તો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો ગુમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગ એટલી ભયાનક છે કે, મૃતદેહોને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. આટલું કરવા છતા પણ હજી અનેક લોકો ગુમ છે. હાલ તો જે વ્યક્તિ પોતાના પરિવારના સભ્યો ગુમ થયા તેનું બ્લડ લેવામાં આવી રહ્યું છે. મૃતદેહોના DNA રિપોર્ટ કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપાશે.