Ahmedabad: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક, ત્રણ ઇસમોએ બે બાઇકમાં આગ ચાંપી
- ઝઘડાની અદાવતમાં મોડી રાત્રે ત્રણ ઇસમોએ બે બાઇકમાં આગ ચાંપી
- પોલીસએ ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી
- અમદાવાદ પોલીસએ ફરીયાદ નોંધીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી
Ahmedabad: અમદાવાદ શહેરમાં છાસવારે અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે. ત્યારે ફરી એકવખત આવી એક ઘટના સામે આવી છે. ઘરની પાસે વાહન પાર્ક કરવાની બાબતમાં થયેલ ઝઘડાની અદાવતમાં મોડી રાત્રે ત્રણ ઇસમોએ બે બાઇકમાં આગ ચાંપી દીધી. જે અંગેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસએ ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. છાસવારે બનતી ઘટનાઓ પર પોલીસ કાર્યવાહી કરે છે, તેમ છતાં કેમ આ લોકોમાં પોલીસનો કોઈ ડર જોવા નથી મળતો? તે એક સવાલ છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપમાં ડખ્ખા, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વિવાદ
અસામાજિક તત્વોએ બોલાચાલી ઝઘડો કરીને ધમકી પણ આપી
બાપુનગર વિસ્તારના સુંદરમ્ નગરમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા સિરાજ મન્સુરીએ તેમના ઘર પાસે ગઇકાલે બપોરએ બે બાઇક પાર્ક કરી હતી. જે પાર્કિંગને લઇને શેરૂ પીરઅલી, નસીમ પઠાણ અને સાહીલ શેખ નામના શખ્સોએ તેમની સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકી આપી હતી કે, ‘બંન્ને મોટર સાયકલ લઇ લેજો, નહીં તો જોવા જેવું થશે’. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતાં. મોડી રાત્રે અચાનક જ રાત્રીના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ આ બંન્ને બાઇકમાં આગ લગાડવામાં આવી હતી. જે બાબતે સિરાજએ પોલીસને જાણ કરતા પોલીસએ ફરીયાદ નોંધીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: 3.77 કરોડની ઉચાપતની 7 મહિને FIR, આરોપી પકડાયો પણ રિકવરી શૂન્ય
પોલીસએ ફરીયાદ નોંધીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી
અમદાવાદ પોલીસને અસામાજિક તત્વો ખુલ્લેઆમ પડકાર આપી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અસામાજિક તત્વો શહેરમાં ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. જો કે, આવા લોકોની સામે પોલીસ દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. છતાં પણ આવા લોકો ખુલ્લેઆમ કાયદાને હાથમાં લેતા હોય છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો