Ahmedabad News : શહેરમાં 48 કલાકમાં 1 ભ્રુણ 1 મૃત હાલતમાં અને 1 તાજું જન્મેલું બાળક મળી આવ્યું...!
ગુજરાતીમાં એક કહેવાત છે ‘ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર’, આ કહેવાતમાં માની મમતાથી માંડીને તેના સન્માન સુધીની વાત કરવામાં આવી છે. તેટલું જ નહીં, ગુજરાતીમાં માતાનો મહિમા દર્શાવતી અનેક કહેવત, કવિતા અને કથાઓ છે. પરંતુ અમદાવાદમાં માનવતા મરી પરવારી હોય તેવાં ત્રણ કિસ્સા સામે આવ્યાં છે. એક, બે નહીં ત્રણ જગ્યાએથી નવજાત શિશુ મળી આવ્યાં છે. શહેરના જશોદાનગર, નિકોલ અને સાબરમતી નદીમાંથી નવજાત શિશુ મળી આવ્યા છે.
નિકોલાના કઠવાડામાંથી તાજું જન્મેલું નવજાત બાળક મળી આવ્યું
કઠવાડામાં રહેતા ગણેશભાઇ રાણે નોકરીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઇન્દિરા વસાહત પાસેથી પસાર થતા હતા. ત્યારે કઠવાડા નજીક આવેલી પાણીની ટાંકીની નજીક કચરા પેટી આવેલી છે અને ત્યાં લોકો ભેગા થયેલા જોવા મળ્યા હતા. ત્યાં જઈને જોતા કોઈ અજાણી સ્ત્રી નવજાત બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. ત્યારે તાત્કાલિક પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી. અને બાળકને વધુ સારવાર માટે ઓઢવ નજીક હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યું હતું.
સાબરમતી નદીમાંથી નવજાત શિશુ મળ્યું
ત્યારે બીજી તરફ સાબરમતી નદીમાં ગાંધીબ્રિજ ઘાટ નં -7 પાસે અજાણી વ્યક્તિએ બાળકનો જન્મ છુપાવવા નવજાત શિશુને નદીમાં ફેંકી દીધું હતું. આ બાબતની જાણ ફાયરબ્રિગેડને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગે બાળકને મૃત હાલતમાં બહાર કાઢ્યું હતું. જેથી પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
જશોદાનગરમાં પણ નવજાત બાળક મળ્યું
તો બીજી તરફ, જશોદાનગર વિસ્તારમાં આવેલા સારથી એપાર્ટમેન્ટ નજીક એક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હોવાની જાણ થતાં જ વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા સારથી એપાર્ટમેન્ટ પાસે એક તાજુ જન્મેલું મૃત બાળક મળી આવ્યું હતું. આ અંગે તપાસ કરતાં પોલીસ નવજાત શિશુને ત્યજી દેનાર માતા સુધી પહોંચી હતી. જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આજે વહેલી સવારે ત્રણેક વાગ્યાની આસપાસ પોતાને કસુવાવડ થતા મૃત બાળક જન્મ્યુ હતુ અને તેને અસુરક્ષિત જગ્યાએ ત્યજી દીધું હતું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : પ્રદીપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો : Gandhinagar ના લેકાવાડા ગામ ખાતે NSG સેન્ટરનું ભૂમિપૂજન કરાયું, જુઓ Video