VADODARA : પૂરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવા માટે રૂ. 5 કરોડની ફાળવણી
VADODARA : વડોદરા (VADODARA) શહેર અને જિલ્લામાં પૂરના પાણી ઓરસતાની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશડોલ્સની સહાય ઉપરાંત મકાન તથા ઘરવખરી નુકસાનીનો સર્વે પૂરજોશમાં ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેશડોલ્સ માટે વડોદરાને રૂ. પાંચ કરોડની ફાળવણી કરી છે. આપદાગ્રસ્ત પરિવારોને કેશડોલ્સની ચૂકવણી કરવામાં આવી રહી છે.
દુરસ્તીકરણની બાબતને યુદ્ધના ધોરણે શરૂ કરવા તાકીદ
રાજ્ય સરકાર દ્વારા વડોદરામાં રાહતની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારે વડોદરા ખાતે હાઇ લેવલ બેઠક યોજી સંબંધિત અધિકારીઓને સફાઇ, આરોગ્ય, વીજળી પુનઃ સ્થાપન તથા માર્ગ દુરસ્તીકરણની બાબતને યુદ્ધના ધોરણે શરૂ કરવા તાકીદ કરી હતી.
૬૦ તલાટી મંત્રીઓનો આ કામગીરીમાં સહયોગ
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવા ઉપરાંત નુકસાનીનો સર્વે કરવા માટે ૯૦ ટીમોની રચના કરાઇ હતી. તેમાં આજે ૬૦ કર્મયોગીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. વિવિધ સ્થળે ફરજ બજાવતા આ ૬૦ તલાટી મંત્રીઓનો આ કામગીરીમાં સહયોગ લેવામાં આવી રહ્યો છે.
ઘરે જઇને ઘરવખરી નુકસાનીનો સર્વે
ખાસ કરીને વડોદરા શહેર અને ગ્રામ્ય પ્રાંત હેઠળના ચારેય મામલતદાર કચેરીઓ દ્વારા આજ શુક્રવારથી આપત્તિગ્રસ્તોના ઘરે જઇને ઘરવખરી નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે, આપદાગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ પણ ચૂકવવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : પૂરમાંથી બહાર આવેલા શહેરને પુન: ધબકતુ કરવા ગૃહમંત્રીની "રાતપાળી"