Election 2024: ઈન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર લડશે લોકસભાની ચૂંટણી, આ રાજ્યમાંથી નોંધાવી ઉમેદવારી
Election 2024: ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં પણ તાબડતોડ મહેનત કરી રહીં છે. પરંતુ પંજાબમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જેણે હત્યા કરી હતી તેમાથી એકનો દીકરો પંજાબના ફરીદકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. 45 વર્ષીય સરબજીત સિંહે ગુરુવારે કહ્યું કે તેઓ પંજાબની ફરીદકોટ બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી લડશે. સરબજીતે કહ્યું કે ઘણા લોકોએ તેને ફરીદકોટથી ચૂંટણી લડવાની ઓફર કરી છે, પરંતુ તે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના બે હત્યારાઓમાંના એક બિઅંત સિંહનો પુત્ર છે.
1984 માં થઈ હતી ઈન્ડિરા ગાંધીની હત્યા
તમને જણાવી દઈએ કે, બિઅંત સિંહ અને સતવંત સિંહ તત્કાલીન વડાપ્રધાનના અંગરક્ષક હતા. તેમણે 31 ઓક્ટોબર 1984 ના રોજ પીએમ આવાસ પર ઈન્ડિરા ગાંધીની હત્યા કરી હતીં. સરબજીત સિંહે 2004ની લોકસભાની ચૂંટણી ભટિંડા બેઠક પરથી લડી હતી અને તે અસફળ રહ્યા હતા અને તેમને 1.13 લાખ મત મળ્યા હતા. તેમણે 2007માં બરનાલાની ભદૌર સીટ પરથી પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.
પંજાબની 13 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન
ઉલ્લેખીય છે કે, સિંઘે 2014ની લોકસભા ચૂંટણી (Election 2024)માં પણ ફતેહગઢ સાહિબ બેઠક પરથી ફરીથી નસીબ અજમાવ્યું પરંતુ ત્યારે પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સિંહની માતા બિમલ કૌર 1989માં રોપર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. પંજાબની 13 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થશે. લોકસભા ચૂંટણીના સમીકરણો સતત બદલાઈ રહ્યાં છે. ત્યારે પંજાબમાં સરબજીત સિંહ ચૂંટણી લડવાના છે તેવા સમાચારે ચર્ચા જમાવી છે.
આ સાથે અન્ય પાર્ટીઓની વાત કરવામાં આવે તો ફરીદકોટ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ અભિનેતા કરમજીત અનમોલને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બીજેપીએ સંગીતકાર હંસ રાજને આ બેઠક પરથી ટિકિટ આપી છે. ફરીદકોટ બેઠકનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના સાંસદ મોહમ્મદ સાદિક કરી રહ્યા છે.