Lok Sabha ELection 2024: અરુણાચલ પ્રદેશમાં મતદાન પહેલા જ CM સહિત 10 ઉમેદવારોની જીત, જાણો વિગત
Lok Sabha ELection 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે. અરુણાચલ પ્રદેશ અત્યારે ચૂંટણીને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તમને જણાવી દઈએ કે, મતદાન પહેલા જ ભાજપે અરુણાચલની 10 સીટો જીતી લીધી છે. જેમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ, નાયબ મુખ્યમંત્રી ચૌના મેંનો સમાવેશ થાય છે.
મતદાન પહેલા જ થઈ ગઈ જીત
પેમા ખાંડૂએ મુક્તો વિધાનસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.નોંધનીય છે કે, આ બેઠક પરથી અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી ખાંડુ બિનહરીફ ચૂંટાયા હતા. તેવી જ રીતે બાકીની નવ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સેને આ બાબતે કહ્યું કે, નામાંકન પરત ખેંચવાની મુદત પૂરી થયા બાદ ખાંડુ અને અન્ય નવ લોકો બિનહરીફ ચૂંટાયા હતા. તેમણે કહ્યું કે છ વિધાનસભા મતવિસ્તારોમાં એક ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે, જ્યારે ચાર અન્ય વિપક્ષી ઉમેદવારોએ તેમના પત્રો પાછા ખેંચી લીધા છે.
મુક્તો વિધાનસભા બેઠક પર પેમા ખાંડૂનો આ ચોથો કાર્યકાળ
ભારત અને ચીનની સરહદે આવેલ મુક્તો વિધાનસભા વિસ્તારમાં પેમા ખાંડૂનો આ ચોથો કાર્યકાળ શરૂ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દોરજી ખાંડુનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ 2010ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ આ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે અત્યારે પણ પેમા ખાંડૂ બિનહરીફ ચૂંટાવા જઈ રહ્યાં છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રીએ 2014 અને 2019ની વિધાનસભાની ચૂંટણીઓ પણ મોટા માર્જિનથી જીતી હતી. નાયબ મુખ્યમંત્રી બીજી વખત ચૌખામ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. એક અનુભવી રાજકારણી, મેઈન 1995 થી લેકાંગ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
રાજ્યમાં 19 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે
અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની વધારે વિગતે વાત કરીએ તો, ભારતીય જનતા પાર્ટીના અન્ય નવ ઉમેદવારો પણ બિનહરીફ ચૂંટાવાના છે. કારણ કે, તે બેઠકો પર પણ અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. તાલી વિધાનસભા મતવિસ્તારમાંથી જીક્કે ટાકો, તાલિહાથી ન્યાતો ડુકોમ, રોઈંગથી મુચ્છુ મીઠી, હાયુલિયાંગથી દસાંગલુ પુલ, બોમડિલાથી ડોંગરુ સેઓંગજુ, સાગાલીથી રતુ ટેચી અને ઝીરોથી હાપોલીથી હેગે અપ્પા પ્રથમ વખત ચૂંટાયા છે. રાજ્યમાં 19 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ સાથે ચૂંટણીનું 2 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.