Maharashtra Assembly Elections 2024 : રાજ્યનું ભાવિ નક્કી કરશે 9.64 કરોડ મતદારો!
- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇ મતદાન શરૂ
- સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
- 288 બેઠક પર 357 મહિલા સહિત 4136 ઉમેદવાર મેદાને
- 70થી વધુ સીટો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
- 80 વર્ષથી વધુ ઉંમરના બે ઉમેદવાર પણ ચૂંટણી મેદાને
- મહારાષ્ટ્રમાં 25 વર્ષની વયના 13 ઉમેદવાર મેદાનમાં
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન (Voting) થઈ રહ્યું છે, જ્યાં 9.64 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 288 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને તે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં અપક્ષ સહિત વિવિધ રાજકીય પક્ષોના કુલ 4136 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે.
મુખ્ય ગઠબંધનો વચ્ચે તીવ્ર સ્પર્ધા
ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે સખત ટક્કર છે. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. આ ચૂંટણીને જીતી તેઓ ફરીથી સત્તામાં રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી (એમવીએ) માં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, જે આ વખતે જીતવા માટે આતુર છે.
Voting for #MaharashtraElection2024 and second & final phase of #JharkhandElection2024 begins. In Jharkhand, the remaining 38 out of the 81 seats are going to polls today. In Maharashtra, polling is being held in all 288 assembly constituencies.
Voting for by-elections,… pic.twitter.com/TlKT306zJW
— ANI (@ANI) November 20, 2024
મતગણતરી અને એક્ઝિટ પોલ
આજના મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામો પણ જાહેર થશે, જેની સાથે ચૂંટણીના પ્રારંભિક અનુમાન બહાર આવશે. મતગણતરી 23 નવેમ્બરના રોજ યોજાશે, જ્યાં વિજયી પક્ષ અને ગઠબંધન માટેનો નિર્ણાયક સમય હશે. આ ચૂંટણી મહારાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં જનતાને પોતાની મનપસંદ સરકાર લાવવાનો હક મળશે અને કોણ રાજ્ય માટે યોગ્ય છે તે પણ પરિણામ બાદ સામે આવી જશે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાયુતિની સરકાર છે
ઉલ્લેખનીય છે કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું. ભાજપે 105 અને શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી હતી, પરંતુ સત્તામાં આવતા પહેલા ગઠબંધન તૂટી ગયું હતું. 23 નવેમ્બર 2019 ના રોજ, દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બહુમત પરીક્ષણ પહેલા જ 26 નવેમ્બરના રોજ બંનેએ રાજીનામું આપવું પડ્યું હતું. 28 નવેમ્બરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. અઢી વર્ષ પછી શિવસેનામાં બળવો થયો અને એક વર્ષ પછી એનસીપીમાં. બંને પક્ષો 4 પક્ષોમાં વહેંચાઈ ગયા. આ વખતે ભાજપ-કોંગ્રેસ આ 4 પક્ષો સાથે ગઠબંધનમાં છે અને બંને ગઠબંધન ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: BJPના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપ, હોટલમાં ઘેરી લેવાયા