India's Olympic History : 1900થી 2024 સુધી જાણો કેવી રહી છે સિદ્ધિ માટે ભારતની સફર
India's Olympic History : રમતગમત ક્ષેત્રનું વિશ્વનું સૌથી મોટું મંચ એટલે ઓલિમ્પિક્સ. ગણતરીના દિવસોમાં આ મોટી ઈવેન્ટ્સની શરૂઆત થવા જઇ રહી છે. આ વખતે પેરિસમાં ઓલિમ્પિકસ થવાનો છે. જેમા ભારતના 117 જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે. કાઉન્ટડાઉન શરૂ થઇ ગયો છે અને ખેલાડીઓની સાથે દેશની જનતાના દબકારા પણ વધી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં ભારતને સૌથી વધુ મેડલ મળે તેવી આશા છે. જોકે, આ પહેલા એટલે કે ઓલિમ્પિક રમતોમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો તે ખાસ રહ્યું નથી. પરિસમાં વર્ષ 1900 માં યોજાયેલા ઓલિમ્પિકથી લઇને ટોક્યો 2020 સુધી ભારતને માત્ર 35 મેડલ જીતવામાં સફળતા મળી છે.
હોકીમાં ભારતનો રેકોર્ડ, 8 ગોલ્ડ મેડલ જીત્યા
ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો ઈતિહાસ 124 વર્ષ જૂનો છે. પેરિસ 1900 થી ટોક્યો 2020 સુધી, ઓલિમ્પિક સાથે ભારતનો સંબંધ ખૂબ જ ખાસ રહ્યો છે. ટોક્યો 2020 ભારત માટે સૌથી સફળ વર્ષ રહ્યું હતું અને હવે દેશની નજર પેરિસ ઓલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન પર છે. ઓલિમ્પિક સ્ટેજ પર હોકીમાં ભારતનો ઈતિહાસ એકદમ સુવર્ણ છે. હોકીમાં ભારતનો રેકોર્ડ 8 ગોલ્ડ મેડલ છે જેમાંથી 6 સળંગ છે. આ એવા આંકડા છે જે આ પ્લેટફોર્મ પર ભારતની ક્ષમતાની સાક્ષી આપે છે. કેડી જાધવ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા. જાધવે 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી, વ્યક્તિગત ઇવેન્ટ્સમાં, અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ 2008માં ઐતિહાસિક ગોલ્ડ અને ટોક્યો 2020માં નીરજ ચોપરા દ્વારા પ્રથમ ટ્રેક-એન્ડ-ફિલ્ડ ગોલ્ડ સામેલ છે.
ભારતે અત્યાર સુધી કુલ 35 મેડલ્સ જીત્યા
ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ્સ જીત્યા છે. આ 35 મેડલ્સ અલગ-અલગ 8 રમતોમાં જીત્યા છે. જેમાથી ભારતે હોકીમાં સૌથી વધુ 12 મેડલ જીત્યા છે. તે પછી રેસલિંગમાં 7, શૂટિંગમાં 4, એથ્લેટિક્સમાં 3, બેડમિન્ટનમાં 3, બોક્સિંગમાં 3, વેઈટલિફ્ટિંગમાં 2 અને ટેનિસમાં 1 મેડલ જીત્યા છે. વર્ષ 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટોક્યોમાં ભારતે 7 મેડલ જીત્યા હતા. ભારતે રેસલિંગમાં 2, એથ્લેટિક્સમાં 1, વેઈટલિફ્ટિંગમાં 1, હોકીમાં 1, બોક્સિંગમાં 1, બેડમિન્ટનમાં 1 મેડલ જીત્યો હતો.
ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન
વર્ષ | એથલીટ | મેડલ | સ્થાન |
પેરિસ 1900 | 1 | 2 | 17 |
એન્ટવર્પ 1920 | 5 | - | - |
પેરિસ 1924 | 13 | - | - |
એમ્સ્ટરડેમ 1928 | 22 | 1 | 23 |
લોસ એન્જલસ 1932 | 18 | 1 | 19 |
બર્લિન 1936 | 27 | 1 | 20 |
લંડન 1948 | 86 | 1 | 22 |
હેલસિંકી 1952 | 64 | 2 | 26 |
મેલબોર્ન 1956 | 59 | 1 | 24 |
રોમ 1960 | 45 | 1 | 32 |
ટોક્યો 1964 | 53 | 1 | 24 |
મેક્સિકો સિટી 1968 | 25 | 1 | 42 |
મ્યુનિક 1972 | 46 | 1 | 43 |
મોન્ટ્રીયલ 1976 | 26 | - | - |
મોસ્કો 1980 | 52 | 1 | 23 |
લોસ એન્જલસ 1984 | 47 | - | - |
સિઓલ 1988 | 43 | - | - |
બાર્સેલોના 1992 | 46 | - | - |
એટલાન્ટા 1996 | 40 | 1 | 71 |
સિડની 2000 | 44 | 1 | 71 |
એથેન્સ 2004 | 73 | 1 | 65 |
બેઇજિંગ 2008 | 57 | 3 | 50 |
લંડન 2012 | 83 | 6 | 55 |
રિયો ડી જાનેરો 2016 | 117 | 2 | 67 |
ટોક્યો 2020 | 126 | 7 | 48 |
આ પણ વાંચો: Paris Olympics 2024 : જાણો 128 વર્ષ જૂના ઓલિમ્પિકના ગૌરવશાળી ઈતિહાસ વિશે