બિસ્માર રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ, જાણો અમદાવાદ કોર્પો.એ સોગંધનામામાં શું કહ્યું
અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ-રસ્તા મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનિયરિંગ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિએ રસ્તાઓના રિસરફેસ, પેચ વર્ક સહિતના મુદ્દે 1722 ફરિયાદો પર કામગીરી પૂર્ણ નહિ થઈ હોવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટમાં સ્વીકાર કર્યો હતો.
શહેરમાં રસ્તાઓના ટેન્ડર, પરફોર્મન્સ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂક અને કામગીરી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કોર્ટના રેકોર્ડ પર મુકાઈ હતી. રસ્તાઓની ગુણવત્તા મુદ્દે બનાવાયેલી SOP પણ કોર્ટના રેકોર્ડ પર મુકાઈ હતી.
હાલનાં તબક્કે 1722 રોડ-રસ્તાની ફરિયાદ ઉપર કામગીરી ચાલુ હોવાની કોર્પોરેશને હાઇકોર્ટમાં કબૂલાત કરી હતી. અલગ અલગ ઝોનમાં હોદ્દા પ્રમાણે અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ હોવાની પણ કોર્પોરેશને કોર્ટમાં રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉની સુનવણીમાં હાઇકોર્ટે રખડતા ઢોરના ત્રાસ અને રસ્તા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. વારંવાર હુકમો છતાં પણ યોગ્ય કામગીરી નહીં થઈ રહી હોવાનું કોર્ટે નોંધ્યુ હતું. સાથે જ શુક્રવાર સુધીમાં નક્કર પગલા લઈને કોર્ટને જાણ કરવા હુકમ કર્યો હતો.