પર્દાફાશ : વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું..! વાંચો, અહેવાલ
અહેવાલ--હરેશ ભાલિયા, જેતપુર
રાજ્યમાં હવે નકલી ટોલનાકાનો પર્દાફાશ
બાહુબલિઓએ ઉભી કરી દીધું ટોલનાકું
નકલી ટોલનાકાથી કરોડો રૂપિયાની ઉઘરાણી
વઘાસિયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલનાકું
બાહુબલિઓ સામે તંત્ર લાચાર કે ભાગીદાર?
દોઢ વર્ષથી ગેરકાયદે ધમધમે છે ટોલનાકું
બંધ ફેક્ટરીમાંથી રસ્તો કાઢી નાકું ઉભુ કર્યુ
બામણબોર-કચ્છ હાઈવે પર ઘોર બેદરકારી
ગેરકાયદે કૃત્ય સામે NHAI સાવ લાચાર
સરકારની આવકને કરોડોનો ચૂનો ચોપડ્યો
કોરોડની ઉઘરાણી છતાં તંત્ર સાવ અજાણ
પોલીસ, કલેક્ટર, NHAI સહિત તંત્ર અજાણ
બાહુબલિઓ સામે મોરબીનું તંત્ર લાચાર
રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે. નકલી આઇએએસ અને આઇપીએસ અધિકારી, નકલી પોલીસ, નકલી સરકારી કચેરી, નકલી સિરપના સમાચારો તમે વાંચી લીધા છે પણ આજે અમે નવો પર્દાફાશ કરવા જઇ રહ્યા છે. તમે કલ્પના કરી શકો કે નકલી ટોલનાકું હોય..જ્યાં કેટલાક અસામાજીક તત્વો કોઇની પણ શેહશરમ કે ડર રાખ્યા વગર અસલી ટોલનાકા કરતાં ઓછો ટોલ ઉઘરાવીને વાહનોને જવા દેતા હોય...? હા હવે તમે કલ્પના પણ કરી શકો કારણકે આવું શક્ય છે. વાંકાનેર નજીક વઘાસીયા ટોલ પ્લાઝાને અડીને કેટલાક અસામાજીક તત્વોએ બંધ ફેક્ટરીમાંથી રસ્તો કાઢીને નકલી ટોલ નાકું ઉભુ કરી દીધું છે અને એ આજનું નહીં...છેલ્લા દોઢ વર્ષથી...વાંચો સમગ્ર મામલો શું છે....
વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું
રાજકોટ જિલ્લાના વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું ઉભુ કરી દેવાયું છે. વાહન ચાલકો ટોલથી બચી શકે અને અસામાજીક તત્વો પોતાનું ભરણું ભરી શકે તે માટે કેટલાક માથાભારે તત્વોએ નકલી ટોલનાકું ઉભુ કર્યું છે. ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ટોલ પ્લાઝાથી ઓછી રકમ ઉઘરાવવાનો સિલસિલો ચાલુ કરાયો છે અને રોજ લાખો રૂપિયાના ઉઘરાણા ચાલુ થઇ જતા મૂળ ટોલ પ્લાઝા સંચાલકોને કરોડો રૂપિયાનુ નુકસાન જઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક એટલે કે વાંકાનેર પોલીસ સહિત લાગતા વળગતા સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ટોલ પ્લાઝાના નામે ગેરકાયદેસર ઉઘરાણા બંધ થતા ન હોવાનો ટોલ પ્લાઝાના મેનેજરએ આક્ષેપ કર્યો છે.
માથાભારે શખ્સો દ્વારા ઉભુ કરાયું ટોલનાકું
વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે શખ્સો દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂપિયા બાબતે ચોંકાવનારી વિગતો એવી જાણવા મળી છે કે વાંકાનેર નજીકના રોડ ઉપર વઘાસીયા ટોલ પ્લાઝા બનાવામાં આવ્યું છે. આ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહનો પાસેથી નિયમ મુજબ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ નાના મોટા વાહન ચાલકોને ટોલટેક્સ મોંઘો પડતો હોય આ ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો બનાવી દીધો છે અને ત્યાં ઓછો ટોલ ઉઘરાવામાં આવતાં વાહન ચાલકોને તો ઘી કેળાં થઇ ગયા છે.
રોજ લાખોનો ટોલનું ઉઘરાણું
વાહનોને પસાર કરવા માટે ફેક્ટરીના સંચાલકો દ્વારા નાના મોટા વાહનો પાસેથી રૂપિયા 50 થી માંડીને 200 સુધીના ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ઉઘરાણાં કરવામાં આવી રહ્યા છે. 24 કલાક દરમિયાન આ ફેક્ટરીએ બનાવેલ રોડ ઉપરથી હજારો વાહનો પસાર થતા હોય છે અને રોજ કરાતા ઉઘરાણાનો આંકડો બેથી પાંચ લાખ સુધી પહોંચી જાય છે. આ આંકડાની ગણતરી મહિનામાં કરીએ તો મહિને રૂપિયા એક થી દોઢ કરોડના ઉઘરાણા કરવામાં આવે છે. આટલી રકમ વઘાસિયા ટોલ પ્લાઝાના સંચાલકોને ગુમાવવી પડે છે. હકીકતે વઘાસીયા ટોલ પ્લાઝાને ડાઇવર્ઝન આપી ફેક્ટરી તેમજ વઘાસિયા ગામના લોકોએ શરૂ કરેલા રસ્તા ખરેખર ગેરકાયદેસર છે. આવી રીતે કોઈ વાહનોને પ્રવેશ આપીને આવન જાવન કરાવી શકાય નહીં તેવો સરકારી કાયદો છે. પરંતુ આવા ઉઘરાણામાં ટોપ ટુ બોટમ એટલે કે પ્રવર્તમાન સરકારના માણસો પણ સંડોવાયેલા હોવાથી વઘાસીયા ટોલ પ્લાઝાના સંચાલકોની ફરિયાદો કોઈ પણ સત્તાધીશો સાંભળતા જ નથી.
ટોલ પ્લાઝાને રોજની લાખો રૂપિયાની નુકસાન
આવો આક્ષેપ વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજરે લાગતા વળગતા સત્તાધીશો તેમજ પોલીસને કરેલી રજૂઆતમાં કર્યો છે.એક બાજુ વાંકાનેરના વઘાસીયા ગામ નજીક વઘાસીયા ટોલ પ્લાઝા ઉભુ કરવાની સરકારે મંજૂરી આપી છે, બીજી બાજુ આ ટોલ પ્લાઝાથી બચવા માટે વ્હાઇટ હાઉસ ફેક્ટરીના સંચાલકો તેમજ વઘાસિયા ગામના માથાભારે લોકોએ ટોલ પ્લાઝાની આજુબાજુથી વાહનોને પૈસા લઈને નીકળવાની વ્યવસ્થા કરી આપતા ટોલ પ્લાઝાને રોજની લાખો રૂપિયાની નુકસાની થઈ રહી છે.
અનેક વખત ફરિયાદો કરાઈ છતાં પરિણામ શૂન્ય
વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર સહિતના સંચાલકો કહે છે કે તેમના ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ ફેક્ટરી તેમજ નવા વઘાસિયા ગામે રસ્તાઓ બનાવીને ચોક્કસ માથાભારે ટોળકી દ્વારા ટોલ પ્લાઝાના નામે વાહન ચાલકો પાસેથી રોજ લાખો રૂપિયાની ઉઘરાણી કરાવતી હોવાની ફરિયાદ લાગતાં વળગતા સત્તાધીશોને અનેક વખત કરવામાં આવી છે. પરંતુ સત્તાધીશો તેઓની ફરિયાદને ધ્યાને લેતા નથી. પરિણામે મુખ્ય ટોલ પ્લાઝાના સંચાલકોને તેમજ સરકારને રોજની લાખો રૂપિયાની અને મહિને ₹1 કરોડથી પણ વધારેની નુકસાની થઈ રહી છે
કમરે રિવોલ્વર લટકાવીને ઉભો રહેતો શખ્સ
જાણકારો કહે છે કે વાંકાનેરના નવા વઘાસિયા ગામે રોડ ઉપર ઉભા રહીને કમરે રિવોલ્વર લટકાવીને ઉભો રહેતો અને પોતાની જાતને મીલેટરી મેન ગણાવતો માણસ પોતાની લશ્કરની નોકરી પરથી રજા ઉપર આવ્યો છે. અને હવે ટોલ પ્લાઝાના નામે રોજ વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાની આવક થતી હોય હવે નોકરી ઉપર પણ હાજર થતો નથી તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.
માથાભારે ટોળકીએ પૈસાની ઉઘરાણી માટે અનેક માણસો ગોઠવ્યા ??
જાણકારો એવી માહિતી આપી હતી કે વ્હાઈટ હાઉસ ફેક્ટરીના સંચાલકો તેમજ નવા વઘાસિયા ગામના અમુક માથાભારે તત્વોએ ટોલ પ્લાઝાના નામે ગેરકાયદેસર રીતે નાના મોટા વાહન ચાલકો પાસેથી રોજની લાખો રૂપિયાની તગડી કમાણી કરવા માટે અનેક માણસોને રોડ ઉપર ગોઠવી દીધા છે. એક પણ વાહન ફેક્ટરીના રોડ ઉપર તેમજ નવા વઘાસિયા ગામના રોડ ઉપરથી પૈસા ચૂકવ્યા વગર આગળ જઈ શકતો નથી. અહીંથી નીકળતા દરેક વાહનો પાસેથી આ માથાભારે ટોળકીના માણસો રીતસરના ખુલ્લેઆમ પૈસા ઉઘરાવી રહ્યા છે. લાગતા વળગતા સતાધીશોને અનેક વખતની રજૂઆતો પછી પણ કોઈ પણ સરકારી તંત્ર કોઈ પણ પ્રકારના પગલા ભરતા નથી. પરિણામે વઘાસિયા ટોલ પ્લાઝા ના સંચાલકોને લાખો કરોડોને નુકસાની થઈ રહી છે
વઘાસીયા ટોલ પ્લાઝાના સંચાલકોએ કેવી ફરિયાદ કરી ??
પોતાના ટોલ પ્લાઝાને નુકસાન કરીને ખાનગી માણસો દ્વારા ખાનગી રોડ ઉપર નાના-મોટા વાહનોને આવન જાવન કરવા દઈને તમામ વાહન ચાલકો પાસેથી રૂપિયા 50 થી માંડીને 200 સુધીની ઉઘરાણી કરનાર તત્વો બાબતે ટોલ પ્લાઝાના મેનેજર એ એવી ફરિયાદ કરી છે કે અમુક શખ્સો વાહનોના માલિકો/ડ્રાઇવરો પાસેથી ગેરકાયદેસર રીતે ટોલ ફીની વસૂલાતની ખોટા ઇરાદા સાથે ઉઘરાણી કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ, ટાઇલ્સ ફેક્ટરી ને હાલ તાળાબંધી છે. આ કંપનીએ પોતાની એક રસ્તો બનાવ્યો છે. તેમજ નવા વઘાસિયા ગામ ખાતે નીકળતા રસ્તા પર ગેરકાયદેસર ટોલ ફીની અમુક શખ્સોને ચુકવણી કરી રહ્યા છે. પરિણામે રસ્તાઓ અને આમ કંપનીને આવકનું ભારે નુકસાન થાય છે. આ સંદર્ભે, એવી રજૂઆત કરવામાં આવી છે કે વ્હાઇટ હાઉસ ટાઇલ્સ ફેક્ટરીના માલિક અને વઘાસિયાના સંબંધિત ગ્રામજનોને અગાઉ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. આ સંદર્ભે વ્હાઇટ હાઉસ ટાઇલ્સ ફેક્ટરીના માલિકને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી છે. આ સિવાય વ્યક્તિઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દર્શાવતા વિડીયો ફૂટેજ પણ મોકલાવ્યા છે. આથી ઉપરોક્ત શખ્સો સામે કડક કાર્યવાહી કરી ટોલ પ્લાઝા સંચાલકો સાથે ન્યાય કરવા માગણી કરવામાં આવી છે.
ટોલ પ્લાઝા બાબતે સરકારી નિયમ શું છે ??
"કંટ્રોલ ઓફ નેશનલ હાઈવેઝ (લેન્ડ એન્ડ ટ્રાફિક) એક્ટ, 2002" મુજબ, હાઈવે એડમિનિસ્ટ્રેશન દ્વારા પરવાનગી સિવાય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી કોઈપણ ખાનગી મકાન/ખેતર/ખાનગી મિલકત/ઈંધણ સ્ટેશન પર સીધી પહોંચની કોઈ જોગવાઈ નથી.અમુક અનધિકૃત વ્યક્તિઓ દ્વારા વાહનો પાસેથી ટોલ ફીની ગેરકાયદે વસૂલાત કરી રહ્યા છે. જેના પરિણામે આવકનું નુકસાન થાય છે - તાત્કાલિક પગલાં લેવાની જરૂર હોવાનું ટોલ પ્લાઝા સંચાલકોએ માંગણી કરી છે.
નકલી ટોલનાકા પર 50થી 200 રુપિયા ઉઘરાવાય છે
અહીં ત્રણ રસ્તા છે જ્યાં માર્ગ નંબર -1 માં નેશનલ હાઇવે બામણબોર છે અને અહીં સરકારી ટોલનાકું લેવાય છે જ્યાં
નાની કારનો ટોલટેક્સ 110 રુપિયા, નાની ટ્રકનો ટોલટેક્સ 380 રુપિયા અને મોટા ટ્રકનો ટોલટેક્સ 595 રુપિયા લેવાય છે જ્યારે
માર્ગ નંબર-2 પર ઉભા કરાયેલા નકલી ટોલનાકામાં એક કિલોમીટર ફરીને જવું હોય તો નાની કારના રુપિયા 50, નાના ટ્રકના રુપિયા 100 અને મોટા ટ્રકના રુપિયા 200 ઉઘરાવાય છે. ત્રીજો રસ્તો એટલ કે માર્ગ નંબર-3 એ કાચો અને ગામમાંથી નીકળતો રસ્તો છે જ્યાં નાની કારના રુપિયા 20 , નાના ટ્રકના રુપિયા 50 અને મોટા ટ્રકના રુપિયા 100 ઉઘરાવાય છે.
આ પણ વાંચો----મિથેનોલકાંડ : મોટી સંખ્યામાં મોત બાદ જ સરકાર કેમ જાગે છે ?