વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા વીજ બચતની પહેલ, સોલાર રુફટોપ લગાવાશે, સંલગ્ન કોલેજોને પણ કરી અપીલ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા ઊર્જા બચત કરવા નિર્ણય લેવાયો છે. ઊર્જા બચત માટે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે આવવા અપીલ કરવામાં આવી છે. સાથે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને પણ સોલાર કોલેજ બનાવવા અને વિદ્યાર્થીઓને સોલારનો ઉપયોગ તથા તેનું મહત્વ સમજાવવા યુનિવર્સિટી તંત્ર દ્વારા ઊર્જા બચતની ઝુંબેશ શરૂ કરવા કવાયત કરાઇ છે. યુનિવર્સિટી સહિત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં રૂફટોપ ઉપર સોલાર લગાડવા રજૂઆત કરવામાં આવી છે.
વીર નર્મદ યુનિવર્સિટીની અનોખી પહેલ
વિદ્યાર્થીઓ કઈક નવું શીખે તે માટે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક સંસ્થાઓને જોડી તેમના જીવનમાં આવનારી કઠિન પરિસ્થિતિ ઓ સામે તેઓ ઊભા રહી શકે ,સાથે જ તેઓ ઊર્જા વપરાશનો સાચો અર્થ સમજે એ માટે અનોખા પ્રયાસ કરાઇ રહ્યા છે. જેને ધ્યાને રાખી ઊર્જા બચતની ઝુંબેશમાં શિક્ષકો સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પણ ભાગ ભજવશે .
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ઊર્જા બચત માટે એક પરિપત્ર પણ જાહેર કર્યો
ઊર્જાનો સ્રોત બચાવવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી અને કોલેજોને રૂફટોપ સોલાર લગાડવા યુજીસીએ તાકીદ કરી છે.શરૂ થયેલા નવા સત્ર ૨૦૨૩-૨૪ની શરૂઆત સાથે જ યુનિવર્સિટી અને કોલેજોમાં ઊર્જા બચત અંગે ની મુહિમ શરૂ થાય તે માટે ની તમામ તૈયારીઓ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહી છે.ખાસ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ઊર્જા બચત માટે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.જે મુજબ, ભારત દેશમાં પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે પંચામૃત એટલે કે પાંચ જુદા જુદા પરિબળોને ધ્યાને લેવા અને તેના ઉપર કામ કરવું ખુબજ જરૂરી છે.
સુરતની તમામ સરકારી કચેરીઓને પણ સોલાર કચેરી બનાવવામાં આવી રહી છે
યુવાઓનાં રોલ મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ તબક્કાવાર બિનઅશ્મિભૂત ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે હાલ સુરતની તમામ સરકારી કચેરીઓને પણ સોલાર કચેરી બનાવવામાં આવી રહી છે.સાથે જ ઊર્જા મંત્રીએ પણ સરકારી મકાન પર રૂફટોપ સોલાર લગાડવાની યોજના જાહેર કરી છે તે થકી નેટ ઝીરો ઉત્સર્જનામં ફાળો આપવાની સાથે જ ઊર્જાની સ્વતંત્રતા હાંસલ કરવામાં ખૂબજ સરળતા રહી છે.સુરતના મોટા ભાગના વિસ્તારો સોલાર વિસ્તાર તરીકે પણ ઓળખાય છે.બીજી બાજુ કેન્દ્રીય મંત્રાલયની આ યોજનાને જોતાં યુનિવર્સિટી તંત્ર સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજો ઉપર રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાડે અને ઊર્જા બચત માટે વિશેષ જ્ઞાન વિદ્યાર્થીઓને મળે એ માટે પ્રયાસ થઇ રહ્યા છે.મહત્વ ની વાત એ છે કે ઊર્જા બચત થકી દેશમાં સ્વચ્છ ઊર્જાના લક્ષ્યાંકો હાંસલ કરી શકાશે.જે માટે કેન્દ્રીય મંત્રાલય દ્વારા કેટલાક નોડલ ઓફિસરની નિયુક્તિ પણ કરાઇ છે.જેથી તેમના માર્ગદર્શન હેઠળ સોલાર નો અર્થ સમજવો ખૂબજ સરળ થશે જશે...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ નાણાંકીય વર્ષ માટે વિજળી વિષયક બાબતો માટે ૨.૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા
યુનિવર્સિટીના વીજ ઉપર થતા ખર્ચ ની વાત કરી એ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ નાણાંકીય વર્ષ માટે વિજળી વિષયક બાબતો માટે ૨.૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. બીજી બાજુ વિજળી વિષયક બળતણ, સુધારા-વધારા અને મરામત માટે ૨૦૨૧-૨૨માં ૯૪ લાખનો ખર્ચ થયો હતો.અને તે બાદ ૨૦૨૨-૨૩માં ૨.૨૫ કરોડનો અંદાજ વ્યક્ત કરાયો હતો અને સુધારેલો અંદાજ ૧.૭૦ કરોડ કરાયો હતો. જેથી જાવક વધતા હવે ૨૦૨૩-૨૪માં ૨.૪૦ કરોડના ખર્ચ થવાની શક્યતા એ યુનિવર્સિટી તંત્ર ચિંતિત થઈ ઉઠ્યું છે.જે બાદ યુજીસીએ રૂફટોપ સોલાર લગાડવાની તાકીદ કરી છે. જેનાથી વિજળી માટે થનારા ખર્ચમાં ઘટાડો કરી શકાશે.
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત