VADODARA : સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર ચાર સંતાનના પિતાને આજીવન કેદ
VADODARA : વાઘોડિયા તાલુકાના એક ગામમાં રહેતી સત્તર વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આઠ માસ અગાઉ ભગાડી જનાર અને છ મહિના સુધી અલગ અલગ સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચરનાર ચાર સંતાનના પિતાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવાનો વધુ એક હુકમ સાવલીના પોક્સો કોર્ટના જજે કર્યો છે. એટલું જ નહીં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં માત્ર 43 દિવસમાં અદાલતે હુકમ કરી ચાર સંતાનના નરાધમ પિતાને કડક સજા ફટકારી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. કારણ કે ભોગ બનનારની ઉંમર 17 વર્ષની છે અને નરાધમની પુત્રી પણ 12 વર્ષની છે તેમ છતાં તેણે આવું કૃત્ય આચર્યું હતું. (COURT ORDER LIFE IMPRISONMENT IN MINOR RAPE CASE, ACCUSED FATHER OF FOUR - SAVLI, VADODARA)
પડીકું લેવાના બહાને દુકાને બોલાવી ભગાડી ગયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘોડિયા તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષની કિશોરી સાથે મૂળ નસવાડી તાલુકાના ઉમરકોઇ ગામના અને હાલમાં વાઘોડિયા જીઆઇડીસીમાં મજૂરી કામ કરતા નરેશ માધુભાઇ નાયકાને ગેરકાયદે સંબંધો હતા. ગત ઓગસ્ટ માસમાં તેણે કિશોરીને પડીકું લેવાના બહાને દુકાને બોલાવી ભગાડી ગયો હતો. બનાવ સંદર્ભે સાતમી ઓગસ્ટે વાઘોડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
છ મહિના સુધી દુષ્કર્મ આચર્યું
આરોપી કિશોરીને હરિયાણાના ગુડગાંવ, મોરબીના માથક સહિત જુદા જુદા ગામે લઇ ગયો હતો. લગભગ છ મહિના સુધી કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર ચાર સંતાનનો પિતા નરેશ નાયકા આખરે વાઘોડિયા પોલીસના હાથે ઝડપાતા પોલીસે તેની ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ સહિતના પુરાવા એકત્ર કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ અદાલતે તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
સ્પેશ્યલ જજ જે.એ. ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી ગયો
પોલીસની તપાસમાં આરોપી ચાર સંતાનનો પિતા અને તેને 12 વર્ષની સૌથી મોટી દીકરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચાર્જશીટ દાખલ કરતા પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજ જે.એ. ઠક્કરની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલ સી.જે. પટેલની ધારદાર દલીલો અને પુરાવાના આધારે અદાલતે માત્ર 43 દિવસમાં ચુકાદો જાહેર કર્યો હતો. પોતાને 12 વર્ષની દીકરી હોવા છતાં 17 વર્ષની કિશોરીને ભગાડી જનાર 31 વર્ષના નરેશ નાયકાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવા સાથે 50,000નો દંડ અને ભોગ બનનારને ચાર લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલમાં છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દુર કરાઇ