Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારના આ વિભાગો જે Biparjoy Cyclone ની સ્થિતિમાં લોકો માટે બન્યા દેવદુત

બિપરજોય વાવાઝોડું ભલે ગુજરાતમાંથી પસાર થઇ ગયું હોય પરંતુ તેની અસર હજુ પણ કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ભારે વિનાશ બાદ ચક્રવાતી તોફાન રાજસ્થાનમાં પ્રવેશ્યું છે. જોકે, બિપરજોયના કારણે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દ્વારકાના વિસ્તારો પ્રભાવિત થયા...
03:57 PM Jun 18, 2023 IST | Hardik Shah

બિપરજોય વાવાઝોડું ભલે ગુજરાતમાંથી પસાર થઇ ગયું હોય પરંતુ તેની અસર હજુ પણ કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ભારે વિનાશ બાદ ચક્રવાતી તોફાન રાજસ્થાનમાં પ્રવેશ્યું છે. જોકે, બિપરજોયના કારણે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દ્વારકાના વિસ્તારો પ્રભાવિત થયા છે. ઘણી જગ્યાએ વિજળી ગુલ થઇ ગઇ હતી. જોકે, વિજળી વિભાગની ટીમ એટલી તૈયાર હતી કે તેણે બિપરજોયથી પ્રભાવિત વિસ્તારોમાં ઝડપથી પોતાની કામગીરી કરી હતી જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીઘો હતો. ઉપરાંત NDRF ની અને ડિઝાસ્ટર મેનેઝમેન્ટની ટીમ પણ અસરગ્રસ્તોને મદદ કરવા પહોંચી અને પૂરતી તમામ મદદ કરી હતી.

NDRF ની સરાહનીય કામગીરી

બિપરજોય વાવાઝોડાની સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં જોવા મળી હતી. આ ખરાબ પરિસ્થિતિમાં વચ્ચે NDRF ના જવાનો દેવદૂત બનીને સામે આવ્યા છે અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. દ્વારકાના રૂપેણમાં બંદરના નિચાણ વાળા ભાગમાં 70 જેટલા લોકો ફસાઈ ગયાં હતાં, જેમનું કેડસમા પાણી વચ્ચેથી NDRF ના જવાનોએ રેસ્ક્યૂ કર્યું હતું. ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા NDRF નો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રાઉન્ડ લેવલ પર NDRF ની ટીમ, કચ્છ જિલ્લાના માંડવી ખાતેથી NDRF ની ટીમ દ્વારા 6 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. બિપરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આ વચ્ચે દ્વારકામાં પાણી ભરાઇ ગયું હતું. તો આ વચ્ચે ત્યાંના હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતા. જેમા દ્વારકાના રૂપેણ બંદર પર લોકોની દોડધામ મચી જવા પામી હતી. કચ્છમાં વાવાઝોડાના કારણે કેટલાક લોકો ફસાઈ ગયાં હતાં જેણે NDRF ના જવાનો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. રસ્તા પર ગાડીઓ પણ ડૂબી ગઈ હતી. જે દરમિયાન લોકો ફસાયાની માહિતી મળતા જ NDRF ના જવાનો છાતી સમા પાણીમાં ચાલીને ફસાયેલા લોકો સુધી પહોંચ્યા હતા અને બાળકો સહિતના લોકોનો જીવ બચાવ્યો હતો. આમ સાચા અર્થમાં આજે NDRF ના જવાનો કચ્છ અને દ્વારકા વાસીઓ માટે દેવદૂત બનીને સામે આવ્યા હતા.

SDRF ની કામગીરી

SDRF એટલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. આ ટીમના તાલીમબદ્ધ જવાનો કોઈપણ પ્રકારની સ્થિતિમાંથી લોકોના જીવ બચાવી લેતા હોય છે તે ઉપરાંત સૈન્ય તથા અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા દળો, સ્થાનિક માનવ સેવા આપતા દળોની સેવાઓ પણ મહત્ત્વની હોય છે. બિપરજોય વાવાઝોડાને લઇને SDRF ની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. જેમણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે ખડેપગે રહી અભૂતપૂર્વ કામગીરી કરી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) એ પણ માહિતી ખાતા સાથે સંકલનમાં રહીને ટીવી કોમર્શિયલ્સ, રેડિયો જાહેરાત તેમજ અખબારોમાં જાહેરાતના માધ્યમથી નાગરિકોને વાવાઝોડા દરમિયાન 'Do's and Don'ts' ના સંદેશાઓ પહોંચાડ્યા હતા. વાવાઝોડાને પરિણામે સંદેશાવ્યવહારને અસર ન પડે તે માટે ગુજરાત પોલીસ સેટેલાઇટ ફોન્સ અને વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરી હતી.

ગુજરાત પોલીસ

વાવાઝોડાના આગમન પૂર્વે અને આગમન બાદ પોલીસ વિભાગની કારગીરી ખૂબ જ નોંધપાત્ર રહી હતી. વાવાઝોડું ત્રાટકે તે પહેલા નીંચાણવાળા વિસ્તારોમાં જર્જરીત મકાનોમાં વસતા લોકોનું સ્થળાંતર કરવામાં પોલીસની મહત્વની કામગીરી રહી હતી. ખાસ કરીને અશક્ત અને નાના બાળકોને સ્થળાંતર કરવામાં મોરબી અને કચ્છ પોલીસની કામગીરીએ ભારે પ્રશંસા મેળવી હતી. તે સિવાય પોલીસ દ્વારા હાઈવે પર તથા અધ વચ્ચે અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. આપત્તિ વખતે પોલીસ દ્વારા કરવામાં આવતી આવી કામગીરી કોઇ મોટી વાત નથી પરંતુ આ વખતે ગુજરાત પોલીસે પોતાની કામગીરીથી ભારે સરાહના મેળવી હતી.

ઈમરજન્સી 108 

આપત્તિ સમયે લોકોને જરૂરી મેડિકલ સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈમરજન્સી 108 સેવા બિપરજોય વાવાઝોડા વખતે અનેકો માટે સંજીવની સાબિત થઇ હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના લોકોને મેડિકલ સારવાર હોય, સગર્ભાનું સ્થળાંતર હોય, વાવાઝોડાની સ્થિતિમાં ડિલિવરી હોય, 108 ની ટીમે સુચારું સંકલનથી લોકોને મેડિકલ સેવા પૂરી પાડી હતી. તેમજ સગર્ભા મહિલાઓ માટે ફરી એકવાર સંજીવની સાબિત થઇ હતી.

FIRE વિભાગ, માર્ગ-મકાન વિભાગ

પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કાર્યો માટે FIRE ની ટીમ પણ એલર્ટ હતી. વાવાઝોડાને લઇને લોકોને રેસ્કયૂ કરવાની સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થાય ત્યારે બચાવ કામગીરી કરવા માટે FIRE વિભાગની ટીમો પોતાના અધ્યતન સાધનો સાથે સજ્જ હતી. બીજી તરફ વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ બંધ થાય તો તેને ઝડપથી પૂર્વવ્રત કરવા માટે માર્ગ-મકાન વિભાગે પણ સક્રિય કામગીરી કરી હતી.

વીજ પુરવઠો દુરસ્ત કરવા માટે તાત્કાલિક એક્શન લેવામાં આવી

ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 1127 ટીમો તૈનાત કરવામાં આવી હતી, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી હતી. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

સરકારના આયોજન થકી કોઈ પણ જાનહાનિ નહી

જણાવી દઈએ કે, વાવાઝોડા પ્રભાવિત 8 જિલ્લાઓમાં અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નથી થયું. વાવાઝોડાની ગંભીરતાને સમજી સમગ્ર રાજ્યમાં એક લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડામાં અત્યાર સુધીમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને 24 પશુઓના મોત થયાં છે. તે ઉપરાંત પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન થયું હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચો - CYCLONE BIPARJOY : સરકારનું આયોજન અને લેવાયેલા સાવચેતીના પગલાઓના કારણે રાજ્ય પરથી ટળી મોટી આફત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BiparjoyBiparjoy CycloneCyclonecyclone biparjoyDepartment of ElectricityDisaster managementndrf team
Next Article