Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1.31 ટકા

School : ગુજરાતની વધુ ને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા...
પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1 31 ટકા

School : ગુજરાતની વધુ ને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા (School) પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની 21મી શૃંખલા આયોજિત થઈ રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના માધ્યમથી મહિલા સાક્ષરતા દરમાં સુધારો થઈ રહ્યો છે તેમજ પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે. પ્રાથમિક શિક્ષણમાં (ધોરણ 1 થી 5) વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો જે વર્ષ 2001-02માં 20.53% હતો તે વર્ષ 2022-23માં ઘટીને 1.31 ટકા થઈ ગયો છે.

Advertisement

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પણ રાજ્યમાં સફળતાપૂર્વક અમલી

કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી રથયાત્રા ઉપરાંત વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વ્હાલી દીકરી યોજના, સરસ્વતી સાધના યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના વગેરે જેવી શૈક્ષણિક પહેલો અને યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે. આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પણ રાજ્યમાં સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી છે.

શિક્ષણ પરિવર્તનની દિશામાં ધ્યાન કેન્દ્રિત

પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ સુધી રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને વિવિધ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેનાથી રાજ્યમાં કન્યાઓ માટે શિક્ષણ સુગમ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ગુણાત્મક શિક્ષણ, 100 ટકા નામાંકન અને 100 ટકા સ્થાયીકરણના 3 હેતુઓ સાથે શિક્ષણ પરિવર્તનની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યમાં સ્ત્રી સાક્ષરતાના દર વધારવા માટે અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે.

Advertisement

વ્હાલી દીકરી યોજના હેઠળ 2 લાખથી વધુ દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય

રાજ્યની દીકરીઓ પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ભણી-ગણીને આગળ વધે તેની પણ સરકારે ચિંતા કરી છે. દીકરીઓને સારૂં શિક્ષણ મળે, તેમનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેના માટે રાજ્ય સરકારે વ્હાલી દીકરી યોજના અમલી બનાવી છે અને આ યોજના હેઠળ દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી તબક્કાવાર ₹1,10,000ની સહાય રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજના શરૂ થયેથી વર્ષ 2024 સુધીમાં 2,37,012 દીકરીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લાભાર્થી દીકરીઓને આગામી વર્ષ 2025-26થી મળવા લાગશે.

આ ઉપરાંત, રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે, કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100 ટકા નામાંકન થાય તેવા ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના પણ લાગુ કરી છે. આ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે 2,84,885 વિદ્યાર્થિનીઓને બોન્ડ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement

રાજ્યમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ‘નમો લક્ષ્મી’ યોજનાની શરૂઆત

રાજ્યની દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં ₹50,000ની આર્થિક સહાય આપવા માટે આ વર્ષે ‘નમો લક્ષ્મી યોજના’ અમલમાં મૂકી છે. આ યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો લક્ષ્મી’ પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે. ધોરણ 9, 10 અને ધોરણ-11, 12 માં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ શાખામાં અભ્યાસ કરતી દીકરીઓને ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ મળશે.

કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન

રાજ્યમાં કન્યા કેળવણીને વેગ આપવા માટે ભારત સરકારની કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતી સમુદાયોની શાળા બહારની (કદીએ શાળાએ ન ગઈ હોય અથવા અધવચ્ચે શાળા છોડી દીધેલ હોય એટલે કે ડ્રોપ આઉટ હોય) કન્યાઓ તેમજ દુર્ગમ વિસ્તારોમાં રહેતી કન્યાઓ માટે ધોરણ 6 થી 12નાં શિક્ષણની નિવાસી વ્યવસ્થાની સવલત ઊભી કરવામાં આવી છે. કેજીબીવીમાં કન્યાઓ વિનામૂલ્યે ધો- 6 થી 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા તેમજ વિનામૂલ્યે રહેવાનું, જમવાનું, જીવન કૌશલ્યલક્ષી તાલીમો, સ્વરક્ષણ તાલીમો, રમત-ગમતની તાલીમો વગેરે સુવિધાઓ આપીને કન્યાઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ 2023-24 સુધીમાં કુલ 249 કેજીબીવી કાર્યરત હતી. હવે વર્ષ 2024-25માં રાજ્યમાં કુલ 257 કેજીબીવી કાર્યરત કરવામાં આવશે, જેમાં લગભગ 30 હજાર જેટલી કન્યાઓને અભ્યાસિક તેમજ સહ અભ્યાસિક તમામ લાભ આપવામાં આવશે.

દીકરીઓને શાળાએ જવા માટે પરિવહન સુવિધા

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતી અનેક કન્યાઓને શાળાએ આવવા-જવા માટે કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે વિનામૂલ્યે એસ.ટી. બસની સવલત આપવામાં આવે છે. આ સાથે સમાજના વંચિત વર્ગની મોટાભાગની દીકરીઓએ યોગ્ય સુવિધાઓના અભાવે શિક્ષણ છોડવું ન પડે તે માટે અનુસૂચિત જાતિ તેમજ વિકસતી જાતિની કન્યાઓને રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત જ્યારે આદિજાતિ સમુદાયની વિદ્યાર્થિનીઓને વિદ્યા સાધના યોજના અંતર્ગત મફત સાયકલ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત કુલ 18,68,067 કન્યાઓને સાયકલનો લાભ આપવામાં આવ્યો છે. વિદ્યા સાધના યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષોમાં 3.78 લાખ જેટલી કન્યાઓને સાયકલનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિની કન્યાઓને વાર્ષિક આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ પણ આપવામાં આવે છે.

દીકરીઓને મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સહાયતા માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના

પ્રાથમિક શિક્ષણ ઉપરાંત, કન્યાઓને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ માટે પણ રાજ્ય સરકાર આર્થિક સહાય આપે છે. મેડિકલ ક્ષેત્રે (MBBS)માં પોતાની કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે ગુજરાત સરકારે 'મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના' (MKKN) શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. વર્ષ 2017-18માં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીમાં રાજ્યએ 19,776 તેજસ્વી વિદ્યાર્થિનીઓને ₹573.50 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી છે. આ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં મેડિકલ શિક્ષણ લેતી 4,982 વિદ્યાર્થિનીઓને ₹171.55 કરોડની સહાય આપવામાં આવી છે.

મહિલા સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટેના રાજ્ય સરકારે લીધેલા અનેકવિધ પગલાંને પરિણામે રાજ્યના મહિલા સાક્ષરતા દરમાં પણ વધારો થઈ રહ્યો છે. સંસ્કારી અને સુસંસ્કૃત સમાજનું નિર્માણ શિક્ષીત નારી દ્વારા જ સંભવ બને છે. ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓના શૈક્ષણિક સશક્તિકરણ દ્વારા આર્થિક સશક્તિકરણના દ્વાર ખોલ્યા છે.

આ પણ વાંચો----- Pavagadh માં ખીલી ઉઠી કુદરત..! જુઓ Video

Tags :
Advertisement

.