ST ની જોખમી સવારી! તંત્ર સફાળું જાગશે કે બીજી દૂર્ઘટનાની રાહ જોશે?
દિવસે દિવસે અકસ્માતના કિસ્સાઓ ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે અહીં છોટાઉદેપુર (Chhotaudepur) માં ST બસમાં જીવના જોખમે લોકો સવારી કરતાં જોવા મળી રહ્યા છે. ST બસમાં ઘેટાં બકરાની જેમ વિદ્યાર્થીઓ અને મુસાફરો ભરેલો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ST બસમાં 32 સીટની કેપેસિટીમાં 127 વિદ્યાર્થીઓ-મુસાફરો સવારી કરતાં નજરે પડી રહ્યા હોય છે.
અકસ્માત માટે કોને જવાબદાર માનવામાં આવશે?
તમે ST બસોની પાછળ "સલામત સવારી, ST અમારી" એવું લખેલું જોયું હશે, પણ અહીં આ ST બસમાં જ લોકો જીવ જોખમે મૂકીને મુસાફરી કરતાં જોવા મળી આવે છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ અકસ્માત સર્જાય છે તો આ અકસ્માત માટે કોને જવાબદાર માનવામાં આવશે? આ સૌથી મોટો પ્રશ્ન ઉદભવે છે.
આવી ઘટનાઓની જવાબદારી કોણ લેશે?
ST બસમાં વિદ્યાર્થીઓ બસના દરવાજે લટકતા રહીને મુસાફરી કરતા જોવા મળી આવે છે. આ રીતે જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં જે હરણી કાંડ થયો ત્યાર પછી પણ તંત્ર હજી સુધી જાગ્યું નથી! જો હજૂ પણ તંત્રની આંખો નહીં ખૂલે તો પછી આવી ઘટનાઓની જવાબદારી કોણ લેશે?
શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું!
આ રીતે વિદ્યાર્થીઓ તેમનો જીવ જોખમે મુકીને મુસાફરી કરી રહ્યા છે. ત્યારે સળગતો પ્રશ્ન એ છે કે, તંત્ર ક્યારે સુધરશે અને પોતાની જવાબદારી સમજશે? લોકોના જીવ જોખમે મુકાતા ક્યારે બંધ થશે? આ વાયરલ વીડિયો જોયા પછી તંત્ર દ્વારા ક્યારે પગલાં લેવામાં આવશે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું!
આટલા અકસ્માત થયા પછી પણ હજી કોઈ સુધારા નહીં
જે રુટ પર વધારે લોકો મુસાફરી કરતાં હોય છે તે રુટની બસો વધારે મૂકવી જોઈએ. જેથી આ રીતે કેપેસિટી કરતાં વધારે પ્રમાણમાં લોકો એક જ બસમાં મુસાફરી ના કરે અને તેમનો જીવ પણ જોખમમાં ના મૂકવામાં આવે, તેનું ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવવું જોઈએ. પરંતુ આટલા અકસ્માત થયા પછી પણ હજી કોઈ સુધારા કરવામાં આવતા નથી. જ્યારે કોઈ ન ઘટવાની ઘટના બને છે ત્યારે તંત્ર પાસે કહેવા માટે કઈ જ હોતું નથી. લોકો તેમની પાસે જવાબ માંગતા રહે છે. તેમની પાસે કોઈ જ જવાબ મળતો નથી.
કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જ જો કોઈ પગલાં લેવામાં આવે તો અકસ્માતને રોકી શકાય છે. અને ઘણા લોકોનું જીવન પણ બચાવી શકાય છે.
આ પણ વાંચો - Miraculous Truck : 23 વર્ષથી પાર્ક કરેલો ટ્રક રાત્રે લોકોને ફરતો દેખાય છે, વાંચો રહસ્યમય અહેવાલ