Salman Khan ને મુસેવાલાની જેમ જ મારવાનો......
Salman Khan : અભિનેતા સલમાન ખાન (Salman Khan) ના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસ ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે દાવો કર્યો છે કે સલમાનખાનને લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા સિદ્ધુ મુસેવાલાની જેમ મારવાનો હતો. પોલીસે આ મામલે અદાલતમાં 350 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે તેમાં આ ઘટસ્ફોટ થયો છે. સલમાનને મારવા માટે બિશ્નોઇ ગેંગના 2 ગૃપ એક્ટિવ હતા.
સલમાન ખાનની હત્યા માટે પાકિસ્તાનથી એકે-47 રાઈફલ્સ મંગાવી
લોરેન્સ બિશ્નોઈ ગેંગે અભિનેતા સલમાન ખાનની હત્યા માટે પાકિસ્તાનથી એકે-47 રાઈફલ્સ મંગાવી હતી. પનવેલ પોલીસની ચાર્જશીટ મુજબ, સિદ્ધુ મૂઝવાલાની જેમ સલમાનને મારી નાખવાની યોજના હતી. આ હુમલો કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન અથવા સલમાન પનવેલના ફાર્મહાઉસમાં હતો ત્યારે કરવામાં આવવાનો હતો. મહારાષ્ટ્ર પોલીસે તમામ ટેકનિકલ પુરાવાઓના આધારે ચાર્જશીટ દાખલ કરી છે.
25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો
પનવેલ પોલીસના જણાવ્યા અનુસાર, જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન પર હુમલો કરવા માટે 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પોલીસે ચાર્જશીટમાં એકત્રિત કરેલી ગુપ્ત માહિતી, શકમંદોના મોબાઈલ ફોનનું ટેકનિકલ વિશ્લેષણ, વોટ્સએપ ગ્રુપની તપાસ, ટાવર લોકેશન અને સાક્ષીઓના ઓડિયો-વિડિયો કોલને પુરાવા તરીકે રજૂ કર્યા છે. ગયા અઠવાડિયે મેજિસ્ટ્રેટ કોર્ટમાં 350 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
પોલીસની ચાર્જશીટમાં શું છે
1. ચાર્જશીટમાં પાંચ આરોપીઓના નામ છેઃ ધનંજય તાપસિંહ ઉર્ફે અજય કશ્યપ (28), ગૌતમ વિનોદ ભાટિયા (29), વાસ્પી મહમૂદ ખાન ઉર્ફે ચીના (36), રિઝવાન હસન ઉર્ફે જાવેદ ખાન (25), અને દીપક હવાસિંગ ઉર્ફે. જોન વાલ્મીકી (30). પોલીસે IPC કલમ 120B (ગુનાહિત ષડયંત્ર), 115 (ઉશ્કેરણી) અને 506 (2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધ્યો છે.
2. એપ્રિલની શરૂઆતમાં, પનવેલ પોલીસ ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેને ગુપ્ત માહિતી મળી હતી કે બિશ્નોઈ ગેંગ સલમાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે બિશ્નોઈએ જેલમાંથી ખાનના નામે 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી.
3. બિશ્નોઈ ગેંગ એક વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરતી હતી જેમાં 15-16 લોકો હતા. જેમાં લોરેન્સના પિતરાઈ ભાઈ અનમોલ, ગોલ્ડી બ્રાર, અજય કશ્યપ, વિનોદ ભાટિયા, વાસ્પી મહમૂદ ખાન ઉર્ફે ચાઈના અને કેનેડામાં રહેતા રિઝવાન હસન ખાનનો સમાવેશ થાય છે. સંપર્ક કરવા અને હુમલાને અંજામ આપવા માટે આ જૂથની રચના કરવામાં આવી હતી.
4. પોલીસનું કહેવું છે કે સલમાનને મારવા માટે બિશ્નોઈ ગેંગે પાકિસ્તાનમાંથી AK-47 રાઈફલ્સ સહિત ઘણા આધુનિક હથિયારો મંગાવ્યા હતા. ચાર્જશીટ મુજબ સિંગર મૂઝવાલાની જેમ સલમાનની હત્યા કરવાનો પ્લાન હતો.
5. ચાર્જશીટ મુજબ પોલીસે પાકિસ્તાનના સુખા શૂટર અને ડોગરની ઓળખ કરી લીધી છે. આ બંને AK-47, M16 અથવા M5 જેવા આધુનિક હથિયારો સપ્લાય કરવાના હતા. વિસ્તારને સમજવા માટે કશ્યપે ખાનના પનવેલ ફાર્મહાઉસ પાસે એક મકાન ભાડે લીધું હતું. કશ્યપ અને જાવેદ ચીના પહેલા જ પનવેલ ફાર્મહાઉસ, ગોરેગાંવમાં ફિલ્મ સિટી અને બાંદ્રામાં સલમાનના ઘરની રેકી કરી ચૂક્યા છે.
14 એપ્રિલે સલમાન ખાનના બાંદ્રા ઘરની બહાર ફાયરિંગ થયું હતું
ઉલ્લેખનિય છે કે 14 એપ્રિલે સલમાન ખાનના બાંદ્રા ઘરની બહાર ફાયરિંગ થયું હતું. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ હુમલો સાબરમતી જેલમાં બંધ લોરેન્સના ઈશારે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો---- સામાજિક કાર્યકર્તા Medha Patkar ને 23 વર્ષ જુના કેસમાં કોર્ટે સંભળાવી જેલની સજા