SA vs SL : હાઈસ્કોરિંગ મેચમાં દક્ષિણ આફ્રિકાને મળી ધમાકેદાર જીત, શ્રીલંકાને 102 રને આપી માત
ICC Cricket World Cup 2023 ની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 428 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 326 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. શ્રીલંકાની ટીમ 400 થી ઉપરના સ્કોરનો પીછો કરવામાં સફળ રહી ન હતી અને શરૂઆતથી જ દબાણ દેખાતું હતું. સાઉથ આફ્રિકા માટે આ મેચમાં ક્વિન્ટન ડી કોકે 100 રન, રાસી વાન ડેર ડ્યુસેને 108 રન અને કેપ્ટન માર્કરામે 106 રન બનાવ્યા હતા.
428 રનના જવાબમાં શ્રીલંકા 326 રને ઓલ આઉટ
પ્રથમ બેટિંગ કરતા ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 428 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ મજબૂત શરૂઆત કરી હતી પરંતુ નિયમિત અંતરે પડતી વિકેટોને કારણે શ્રીલંકાની ટીમ 44.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 326 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી ચરિથ અસલંકાએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડે ત્રણ વિકેટ ઝડપી હતી. 429 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. બીજી ઓવરમાં પથુમ નિસાંકા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. કુસલ પરેરાએ 7 રનનું યોગદાન આપ્યું હતું. કુસલ મેન્ડિસે શાનદાર બેટિંગ કરી અને 42 બોલમાં 76 રન બનાવ્યા હતા. કુસલના આઉટ થયા બાદ શ્રીલંકાની રન સ્પીડ ઘટી ગઈ હતી. જોકે અસલંકા અને શનાકાએ ઇનિંગ્સને સંભાળી હતી અને જીતની આશા વધારી હતી, પરંતુ અસલંકા 79ના વ્યક્તિગત સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેપ્ટન દાસુન શનાકાએ કેટલાક મોટા શોટ રમ્યા પરંતુ તે 68 રન બનાવીને આઉટ થયો હતો.
A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/4jtdv0GMD8 pic.twitter.com/iwUmFw6Sg9
— ICC (@ICC) October 7, 2023
આ મેચમાં બનેલા રેકોર્ડ
- દક્ષિણ આફ્રિકાએ ODI વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો.
- દક્ષિણ આફ્રિકાના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં આવું પહેલીવાર બન્યું છે.
- માર્કરામે ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી (49 બોલ) ફટકારી હતી. તેણે કેવિન ઓ'બ્રાયન (50 બોલ)નો રેકોર્ડ તોડ્યો.
- આ મેચની બંને ઇનિંગ્સ સહિત 754 રન બનાવ્યા હતા, જે વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ રન છે.
દક્ષિણ આફ્રિકાના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી
શ્રીલંકા સામેની મેચમાં આફ્રિકાના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જેમાં ક્વિન્ટન ડી કોકે પહેલા 84 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે બીજી સદી રાસી વેન ડેર ડુસેનના બેટમાંથી આવી હતી. ડુસેને 110 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 108 રનની ઇનિંગ રમી હતી. એડન માર્કરામે ત્રીજી સદી ફટકારી હતી. માર્કરામે સદી ફટકારવા માટે 54 બોલ લીધા અને 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા.
A Men's @cricketworldcup record-breaking century helps Aiden Markram win the coveted @aramco #POTM award ⚡#CWC23 | #SAvSL pic.twitter.com/RDsy6BI5xu
— ICC (@ICC) October 7, 2023
એડન માર્કરામને તેના શાનદાર પ્રદર્શનના કારણે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી (49 બોલ) ફટકારી હતી. તેણે કેવિન ઓ'બ્રાયન (50 બોલ)નો રેકોર્ડ તોડ્યો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે