મોરવા હડફમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિની ધરપકડ, બે માસુમ થયા નોંધારા
અહેવાલઃ નામદેવ પાટીલ , પંચમહાલ
પંચમહાલના મોરવા હડફ તાલુકાના વંદેલી ગામમાં પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ગૃહ કંકાસ ના આવેશમાં પતિએ પત્નીને સાડી વડે ગળે ટૂંકો દઈ મોતને ઘાટ ઉતારી દીધી. બનાવ અંગે પતિએ પ્રથમ તો પત્નીના પિયરિયાને તેણીનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિણીતાના પિયરીયા દ્વારા પોલીસને જાણ કરી તેણીના મૃતદેહનું પીએમ કરાવતાં આખરે પીએમ રિપોર્ટમાં પરણીતાનું મોત ગળે ટૂંપો દેવાથી થયું હોવાનું બહાર આવતા પોલીસે પત્નીની હત્યા કરવા મુદ્દે પતિ સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કહેવાય છે કે કજીયો ક્યારેક જીવલેણ પરિણામ નોતરી શકે છે એ પછી ગૃહ કંકાસ હોય કે અન્ય સાથે નો .આવી જ ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે અને કજીયા અને ગૃહ કંકાસના આવેશમાં કેટલાય પરિવારનો માળો વિખેરાય જતો હોય છે.આવી જ એક ઘટના મોરવા હડફ તાલુકાના વંદેલી ગામમાં બની છે.વંદેલી ગામમાં રહેતા ગુલાબભાઈના લગ્ન ગામના જ અન્ય ફળિયામાં રહેતાં ઉષાબેન સાથે સામાજિક રીતિ રીવાજ મુજબ થયા હતા. દરમિયાન તેઓને સુખી સંસાર દરમિયાન કુદરતે બે પુત્રોની ભેટ પણ આપી હતી. પરંતુ લગ્ન બાદ થોડા સમય પછી પતિ પત્ની બંને વચ્ચે ગૃહ કંકાસ શરૂ થયો હતો અને અવારનવાર બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી અને અવાર નવાર ઝગડો થયા કરતો હતો .
દરમિયાન ક્યારેક આવેશમાં આવી ગુલાબ તેની પત્નીને માર પણ મારતો હતો.આ સર્જીત સ્થિતિ વચ્ચે બંનેનું સાંસારિક જીવન ચાલી રહ્યું હતું .બીજી તરક ગુલાબ પરિવારના ભરણ પોષણ માટે મજૂરી કામે બહારગામ પણ જતો હતો .ત્યાંથી તાજેતરમાં જ તે પોતાના ઘરે આવ્યો હતો અને પતિ પત્ની બાળકો સાથે જીવન વ્યતિત કરી રહ્યો હતો. દરમિયાન બે દિવસ અગાઉ ગુલાબ અને તેની પત્ની વચ્ચે ગૃહ કંકાસ થયો હતો જેથી ગુલાબનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે રાત્રિ દરમિયાન પોતાની પત્નીનું કાળસ કાઢી નાંખવા મનોમન નક્કી કરી લીધું હોય એમ રાત્રે સંતાનો અને પત્ની ઊંઘી ગયા બાદ ગુલાબે ઊઠી પત્નીની સાડી વડે જ પત્નીને ગળે ટુંપો આપી મોતના ઘાટ ઉતારી દીધી હતી.
હત્યા બાદ ગુલાબે પોતે કંઈ જ કર્યું નથી એવું સાબિત કરવા માટે તેણે પત્નીના ભાઈ એટલે કે પોતાના સાળાને ટેલીફોનિક જાણ કરી હતી. જેથી વહેલી સવારે જ પરણીતાના ભાઈ સહિત ઉષાબેનના ઘરે દોડી આવ્યા હતા અને પોતાની બહેનને ખાટલામાં મૃત હાલતમાં જોઈ હતી. જેથી નજીક જઈ પોતાની બહેનના ચહેરા તરફ નજર કરતાં ચહેરાના ભાગે ઇજાઓ થઈ હોવાનું જણાય આવ્યું હતું .જેને લઇ પરણીતાના ભાઈને કંઈક અજુગતું થયું હોવાની શંકા ઉપજી હતી જેથી તેણે મોરવા પોલીસમાં મથકે જાણ કરી હતી જે આધારે પોલીસે પરણીતાના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી .જેના બાદ તબીબ દ્વારા પીએમ રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં ઉષાબેનનું ગળું દબાવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગુલાબ સામે પત્નીની હત્યા કરવા બાબતે ગુનો નોંધી ગુલાબની ધરપકડ કરી મોરવા હડફ કોર્ટમાં રજૂ કર્યો હતો. દરમિયાન કોર્ટે આરોપી ગુલાબના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
કહેવાય છે કે જ્યારે પણ આવેશ અને રોષ ઉદ્દભવે ત્યારે એ સમયે સ્થળ છોડી દેવું જોઈએ અથવા અન્ય પ્રવૃત્તિમાં માં જોડાઈ જવાથી એ ક્ષણ વીતી જતી હોય છે અને મોટું નુકસાન થતું અટકી જાય છે. આ ઉપરાંત કોઈપણ બાબતમાં સતત ચાલી રહેલું આંતરિક ઘર્ષણ અને કંકાસ ક્યારેક પરિવારને ચિન્ન ભિન્ન કરી નાંખતો હોય છે જેનું તાદશ્ય ઉદાહરણ આ ઘટનામાં જોવા મળી રહ્યું છે.ગૃહ કંકાસના આવેશમાં હાલ તો બે માસૂમ સંતાનો નોંધારા બન્યા છે. બાળપણ વયમાં સંતાનોને માતા ગુમાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે બીજી તરફ નિર્દોષ બાળકોનો પિતાને પણ હત્યાન ગુનામાં જેલમાં જવાનો વારો આવ્યો છે. આ સંજોગોમાં બન્ને માસુમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
કાયદાની જોગવાઈઓમાં પોલીસ હિરાસતમાં ગયો છે જેથી હાલ તો નિર્દોષ સંતાનોને મા બાપ ના પ્રેમથી અગળા થવાની સ્થિતિ સર્જાય છે.આમ આખરે દામ્પત્ય જીવનના કહેવાતા સુખ ની જગ્યાએ ઉષાબેનને માત્ર 32 વર્ષની વયે જ અકાળે મોત અને માંડ પાંચ-સાત વર્ષના માસૂમ બાળકોને માતાનું છત્ર ગુમાવવું પડ્યું છે.