પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે 39મી પુણ્યતિથિ, રાહુલ ગાંધીએ ભાવુક વીડિયો શેર કર્યો
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે 39મી પુણ્યતિથિ છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 39મી પુણ્યતિથિ પર UPA અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ શક્તિ સ્થળે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શક્તિ સ્થળ પર પહોંચીને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની 39મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ પાઠવી
રાહુલ ગાંધી સહિતના ઘણા નેતાઓ આજે સવારે ઈન્દિરા ગાંધીના સમાધિ શક્તિ સ્થળે પહોંચ્યા હતા અને પુષ્પો અર્પણ કરીને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ પક્ષે પણ ઈન્દિરા ગાંધીને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, 'શક્તિ, નિશ્ચય અને મજબૂત નેતૃત્વનું ઉદાહરણ, દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર ઘણી શ્રદ્ધાંજલિ. વળી ઈન્દિરા ગાંધીને યાદ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું જેમા તેમણે પોતાના દાદીનો જુનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક બાળક જોવા મળે છે જે ખૂબ જ રડતો જોવા મળે છે. આ કોઇ બીજું નહીં પણ રાહુલ ગાંધી છે.
मेरी शक्ति, मेरी दादी!
जिस भारत के लिए आपने अपना सर्वस्व बलिदान कर दिया, उसकी हमेशा रक्षा करूंगा। आपकी यादें हमेशा साथ हैं, दिल में। pic.twitter.com/SmpmqM13bo
— Rahul Gandhi (@RahulGandhi) October 31, 2023
ઈન્દિરા ગાંધીનો પણ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે ઊંડો સંબંધ
આયર્ન લેડી તરીકે પ્રખ્યાત ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ પ્રયાગરાજમાં પંડિત જવાહરલાલ નેહરુ અને તેમની પત્ની કમલા નેહરુને ત્યાં થયો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના એકમાત્ર સંતાન ઈન્દિરા ગાંધીનો પણ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે ઊંડો સંબંધ હતો. તેમના બાળપણમાં ઈન્દિરા ગાંધીએ 'મંકી બ્રિગેડ' તરીકે ઓળખાતા બાળકોનું એક જૂથ બનાવ્યું હતું, જેઓ ભારતીય ધ્વજ વહેંચતા હતા અને પોલીસની જાસૂસી કરતા હતા. ઈન્દિરા ગાંધી 1959માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને 1964માં રાજ્યસભાના સભ્ય બન્યા. 1966માં તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના આકસ્મિક અવસાન બાદ તેઓ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.
ગાંધી અટક કેવી રીતે મળી ?
ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી સતત ત્રણ ઇનિંગ્સ માટે ભારતના વડાપ્રધાન હતા અને તે પછી ચોથી ઇનિંગ્સમાં, તેઓ 1980 થી 1984 માં તેમની રાજકીય હત્યા સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા. તેઓ ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન હતા. જણાવી દઇએ કે, ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ રાજકીય રીતે પ્રભાવશાળી નેહરુ પરિવારમાં થયો હતો. તેમના પિતા જવાહરલાલ નેહરુ અને માતા કમલા નહેરુ હતા. ફિરોઝ ગાંધી સાથેના લગ્ન પછી ઈન્દિરાને તેમની અટક "ગાંધી" મળી હતી. મોહનદાસ કરમચંદ ગાંધી સાથે તેમને લોહીથી કે લગ્નથી કોઈ સંબંધ નહોતો. તેમના દાદા મોતીલાલ નેહરુ એક અગ્રણી ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા જવાહરલાલ નેહરુ ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી વ્યક્તિત્વ અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.
આ પણ વાંચો - Sardar Patel Jayanti : ભારતના લોખંડી પુરુષની આજે છે જન્મજયંતિ, જાણો તેમના રોચક તથ્ય વિશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે