Dwarka: બેટ દ્વારકામાં ડિમોલિશન અંગે કોર્ટનો મોટો નિર્ણય, વકફ બોર્ડે ડિમોલિશન રોકવા અંગે કરેલ અરજી કોર્ટે ફગાવી
- વકફ દ્વારા ડીમોલિશન પર રોક માંગતી તમામ અરજી કોર્ટે ફગાવી
- ગૌચર જમીન પર આવેલી મસ્જિદો, મદરેસા અને દરગાહો તોડવામાં આવશે
- ધરાશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માગ સાથે કરી હતી અરજી
બેટ દ્વારકા ડિમોલિશન મામલે કોર્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વકફ બોર્ડ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી કોર્ટે ફગાવી છે.
બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ કરવામાં આવેલ મસ્જિદો, મદરેસા અને દરગાહો ધારશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માગ સાથે વકફ બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલ ત્રણ અરજીઓ પણ અદાલતે ફગાવી છે. કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ કોર્ટે ફગાવી છે. આ નિર્ણય પાછળ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર માટે બંધારણોને (મસ્જિદ, મદરેસા, દરગાહ) ધરાશાયી કરવા માટેનો રસ્તો સાફ થયો છે.
અનઅધિકૃત રીતે સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ અમુક તત્વો દ્વારા અનઅધિકૃત રીતે સરકારી જમીન પર કરવામાં આવેલા અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સરવે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ અંગેની મુદત પૂર્ણ થયે દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હતી.
તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું અને અંતે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Uniform Civil Code મુદ્દે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ જાહેરાત