Dwarka: હરસિદ્ધિ માતાજીના મંદિર પાસેના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું
- ગાંધવી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો
- ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી
- કોઇએ શિવલિંગને દરિયામાં પધરાવી દીધાની આશંકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શિવરાત્રિના એક દિવસ પહેલા હર્ષદ માતાજીના મંદિર પાછળ દરિયા કિનારે આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથધરી છે. કોઇએ શિવલિંગને દરિયામાં પધરાવી દીધાની શંકાના આધારે દરિયાના પાણીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
શિવલિંગ જ ગાયબ જોઇ આઘાત લાગ્યો: પુજારી
આ ઘટના અંગે મંદિરના પુજારી ગુણવંતગિરી ગોસાઇએ જણાવ્યું કે, હું આજે સવારે પોણા આઠ વાગ્યે મંદિર આવ્યો. સૌથી પહેલા પક્ષીઓને ચણ નાખી અને મંદિરના પગથિયા ચઢ્યો કે તરત જ સામે જોયું તો મંદિરનો દરવાજો ખુલ્લો હતો. મેં મંદિરમાં જોયું તો થાળા સાથે શિવલિંગ જ ગાયબ હતું, મને આ જોઇને જ આઘાત લાગ્યો કે મહાદેવ ક્યાં ગયા? પછી મેં આજુબાજુમાં તપાસ કરી અને મંદિરના મહંતને ફોન કરી આ અંગે જાણ કરી. ત્યારબાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફોન કરી આ બનાવ અંગે જાણ કરી.
મંદિરમાં અર્ધનારેશ્વર સ્વરુપની પૂજા થાય છે
પુજારીએ ઉમેર્યું કે શિવરાત્રિના એક દિવસ પહેલા આવું કૃત્ય કોણે કર્યું તેની અમને જાણ નથી. આ મંદિરમાં સ્ત્રી હોય કે પુરુષ દરેકને પૂજા કરવા દેવામાં આવે છે. દક્ષિણાની લાલચે પણ અમે પૂજા નથી કરાવતા. આ મંદિર સાતમી કે આઠમી સદીનું પૌરાણિક મંદિર હોવાની શક્યતા છે. આ મંદિરમાં અર્ધનારેશ્વર પૂજા થતી હોવાથી મહાદેવની ઉપર ગંગાધારા કરવામાં આવતી નથી. અહીં જળાભિષેક અને શ્રૃંગારનો મહિમા છે.
દરિયાના સ્કૂબા ડાઇવિંગ કરી તપાસ કરીશું: SP
દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP નિતિશ પાંડેયે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં હાલમાં શિવલિંગનું થાળું દરિયા કિનારેથી મળી આવ્યું છે. તેથી એવી શંકા છે કે કદાચ કોઇએ શિવલિંગને દરિયામાં મુકી દીધું હોય. જેથી સ્કૂબા ડાઇવિંગ એક્સપર્ટની મદદ લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે.
આસપાસના વિસ્તારમાં CCTV તપાસવામાં આવશે
આ ઘટનાને પગલે સનાતન ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. શિવલિંગની ચોરી કરનાર ગુનેગારોને જલ્દીથી પકડવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદની સ્થાપનાના 614 વર્ષ બાદ પ્રથમ વખત નગરદેવીની યાત્રા, બપોરના 12 સુધી બજારો-રોડ બંધ રહેશે