120 કિમીની ઝડપે આવી રહ્યું છે Cyclone Dana
- આંદામાન સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ચક્રવાતી તોફાન દાના દરિયાકાંઠે ત્રાટકવા માટે તૈયાર
- 24મી ઓક્ટોબરની સવાર સુધીમાં તે દરિયાકાંઠે ત્રાટકશે
- 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- વાવાઝોડાને પહોંચી વળવા સરકારો તૈયાર
- આર્મી, એરફોર્સ અને નેવીને પણ તૈયાર રહેવાના નિર્દેશ
Cyclone Dana : આંદામાન સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ચક્રવાતી તોફાન દાના (Cyclone Dana) દરિયાકાંઠે ત્રાટકવા માટે તૈયાર છે. આવતીકાલે 23મી ઓક્ટોબરે આ વાવાઝોડું બંગાળની ખાડી સુધી પહોંચશે અને 24મી ઓક્ટોબરની સવાર સુધીમાં તે દરિયાકાંઠે ત્રાટકશે. વાવાઝોડાના લેન્ડફોલને કારણે, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટકમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ (IMD)એ 20 થી 30 સેમી વરસાદની ચેતવણી આપી છે.
સાઉદી અરેબિયાએ ચક્રવાતી તોફાનને દાના નામ આપ્યું
આવતીકાલથી જ તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં વરસાદ અને તોફાની પવન શરૂ થશે. જો કે શરૂઆતમાં તોફાની પવનોની ઝડપ 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, પરંતુ 26 ઓક્ટોબર સુધીમાં આ પવનોની ઝડપ 100ને વટાવી જશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ આગાહી કરી છે કે આ ચક્રવાતી તોફાન ભારે તબાહી સર્જશે. સાઉદી અરેબિયાએ ચક્રવાતી તોફાનને દાના નામ આપ્યું છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાતી તોફાન દાનાની અસરને કારણે પશ્ચિમ બંગાળમાં 23 અને 24 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ જિલ્લાના પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, ઝારગ્રામ, કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા, પુરુલિયા, બાંકુરા જિલ્લામાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો----Gujarat: આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી, નામ આપવામાં આવ્યું ‘દાના’
The Low-Pressure Area persists over the Eastcentral Bay of Bengal and adjoining north Andaman Sea. It is very likely to move west-northwestwards and intensify into a depression by 22nd October morning and into a cyclonic storm by 23rd October, 2024 over Eastcentral Bay of Bengal.… pic.twitter.com/RAqvXiw5Q4
— India Meteorological Department (@Indiametdept) October 21, 2024
ઓડિશામાં 24 ઓક્ટોબરે વાવાઝોડા સાથે વીજળી પડી શકે
ઓડિશામાં 24 ઓક્ટોબરે વાવાઝોડા સાથે વીજળી પડી શકે છે. 20 સેમી જેટલો વરસાદ પડવાની સંભાવના છે. પુરી, ખુર્દા, ગજામ, જગતસિંહપુરમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે, કારણ કે આ વાવાઝોડું આ રાજ્યોમાંથી પસાર થઈ ગયું હશે. આ વરસાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી શકે છે. પર્વતોમાં હિમવર્ષા અને મેદાની રાજ્યોમાં ઠંડી પડી શકે છે.
વાવાઝોડાને પહોંચી વળવા સરકારો તૈયાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચક્રવાતી તોફાન દાનાના એલર્ટને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળની સરકારોએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશા સરકારે જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડમાં રહેવા જણાવ્યું છે. રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ફાયર બ્રિગેડને તૈયાર રહેવા જણાવ્યું છે.
આર્મી, એરફોર્સ અને નેવીને પણ તૈયાર રહેવાના નિર્દેશ
પશ્ચિમ બંગાળમાં 14 ટીમો અને ઓડિશામાં 11 ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આર્મી, એરફોર્સ અને નેવીને પણ તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઓડિશા સરકારે પહેલાથી જ લોકોને તોફાન પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા માટે કહ્યું છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને પુરી છોડી દેવાના આદેશ છે. લોકોને 24 અને 25 ઓક્ટોબરે પુરી ન જવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો----Cyclone Dana આવી રહ્યું છે, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ