કોંગ્રેસ જીતી ગઇ હોત VAV વિધાનસભા, આ 5 ભૂલ ભારે પડી
VAV By election Result 2024 : હાઇવોલ્ટેજ VAV વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ચુક્યું છે. તમામ પ્રકારે સામદામ દંડ અને ભેદ દ્વારા તમામ પક્ષો અને અપક્ષે પણ પોતાનું જોર લગાવ્યું હતું. 20 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું અને લગભગ જીતની ઉજવણી કરવાની તૈયારીઓ કરવા લાગ્યું હતું. જો કે આખરી 3 રાઉન્ડમાં આખો ખેલ બદલાઇ ગયો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઇ હતી. છેલ્લી ઘડીએ કોંગ્રેસના મોઢા સુધી આવી ગયેલો જીતનો કોળીયો છિનવી લીધો હતો.
જો કે આ જીતમાં ભાજપ કરતા સ્થાનિક મુદ્દાઓએ વધારે મહત્વનો રોલ નિભાવ્યો હતો. જેમાં ખાસ કરીને જાતીવાદ અને માવજી પટેલે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના કારણે ભાજપને ભવ્ય જીત તો મળી હતી પરંતુ મજબુત દાવેદાર એવા કોંગ્રેસને છેલ્લી ઘડીએ ધોબી પછાડ આપ્યો હતો. જીત પાછળના 5 મહત્વના કારણો અંગે ચર્ચા કરીએ
1. ભાજપે ટોપના લીડર ઉતાર્યા
પેટા ચૂંટણી છે અને જીત કે હારથી ભાજપને કોઇ ખાસ ફરક પડતો નહીં હોવા છતા પણ ભાજપ દ્વારા પોતાનું તમામ તંત્ર કામે લગાડી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીથી માંડીને મંત્રી અને વિધાનસભા અધ્યક્ષથી માંડીને સ્થાનિક મજબુત જાતીના નેતાઓને પ્રચારમાં ઉતારી દેવાયા હતા. અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અનેક દિગ્ગજોને પ્રચાર પ્રસારમાં મોકલવામાં આવ્યા હતા.
2. સ્થાનિક જાતિવાદી ફેક્ટર
વાવ વિધાનસભામાં કોઇ પણ ફેક્ટર કરતા સૌથી મોટું ફેક્ટર હતું જાતીવાદનું. ભાજપ દ્વારા ઠાકોર ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. સ્વરૂપજી પોતે ઠાકોર છે. વાવ બેઠક પર સૌથી વધારે 26 ટકા ઠાકોર જ્ઞાતિના લોકોનું વર્ચસ્વ છે. તેવામાં આખરે જાતીવાદી ફેક્ટર ચાલ્યું અને સ્વરૂપજીને ઠાકોરોના મત મળ્યા આ ઉપરાંત ચૌધરી મત હતા તે માવજી પટેલે કાપ્યા અને તેના કારણે ભાજપને પાતળી સરસાઇથી જીત મળી ગઇ હતી.
3. કોંગ્રેસનો આંતરિક વિખવાદ
કોંગ્રેસ સબ સલામતના દાવા કરી રહ્યું હતું પરંતુ ગુલાબસિંહને ટિકિટ મળવાના કારણે ઠાકરશી રબારી ખુબ જ નારાજ હતા. તેઓ પોતાની નારાજગી ગેની બહેનથી માંડીને કોંગ્રેસના હાઇકમાન્ડ સુધી તમામ સામે વ્યક્ત કરી ચુક્યા હતા. જો કે કોંગ્રેસ દ્વારા જે તે સમયે તો અસંતોષ તો ખાળી દેવામાં આવ્યો હતો. પરંતુ રબારી સમાજમાં પણ ભારે અસંતોષ હતો. આ અસંતોષ રૂપી આગમાં જ કદાચ ગુલાબ કરમાઇ ગયું હોય તેવી શક્યતા છે.
4. સ્થાનિક મુદ્દાઓનો અભાવ
વાવની પેટા ચૂંટણી તમામ સમાજો અને મોટા ચહેરાઓ માટે વર્ચસ્વની લડાઇ તરીકે દર્શાવવામાં આવી. જો કે સ્થાનિક મુદ્દાઓ નાગરિકોની સુવિધા કે વિસ્તારની સમસ્યાઓ અંગે કોઇ જ વાત થઇ નહોતી. સમગ્ર ચૂંટણી માત્ર પક્ષ અને સમાજના લોકો વચ્ચે લડાઇ હતી. પક્ષો માટે આ વતની લડાઇ હતી તો ઉમેદવારો માટે પોતાનાં અસ્તિત્વ અને કદ વધારવા માટેની લડાઇ હતી. જેના કારણે આ ચૂંટણી વિધાનસભા મટીને વર્ચસ્વની બેઠક બની ગઇ હતી.
5. માવજી પટેલની અપક્ષ ઉમેદવાર
માવજી પટેલ ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડ્યાં. જો કે માવજી પટેલ ભાજપને નડ્યાં કે કોંગ્રેસને તે તો લાંબો અભ્યાસ કર્યા બાદ જ ખબર પડશે. પરંતુ એક બાબત ચોક્કસ છે કે, માવજી પટેલ નડ્યા ખરા. માવજી પટેલ 27173 મતની લીડ કાપી હતી. જ્યારે આ બેઠક જીતનાર ઉમેદવાર તેના 10માં ભાગની લીડથી પણ નથી જીત્યો. જીતનાર ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2700 મતની લીડથી પણનથી જીત્યા. તેઓ 2500 ની લીડથી જીત્યા. તો બીજી તરપ માવજી પટેલે 27 હજાર મતની લીડ કાપી લીધી હતી. હાલ તો પ્રાથમિક રીતે માવજી પટેલ કોંગ્રેસને નડ્યાં હોય તેવી શક્યતા છે.