દેશના ઘણા રાજ્યોમાં આગ ઓકતી ગરમીનું Alert, ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની વકી
દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. મધ્ય-ઉત્તર ભારતમાં આગ ઓકતી ગરમીની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે. દેશના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં હવે ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે.
IMD અનુસાર, ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, બિહાર અને ઓડિશામાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. જો ગુજરાતની વાત કરીએ તો અહીં અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ભુજ, અમરેલી, કેશોદમાં પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો છે. આ ઉપરાંત કેટલાક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની વકી છે.
દેશમાં એક તરફ કોરોનાની રફ્તાર વધી રહી છે તો બીજી તરફ ગરમીનો પ્રકોપ સાથે વધી રહ્યો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં આગ ઓકતી ગરમી શરૂ થઇ ગઇ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે. મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પના ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.
હવામાન વિભાગે વધુ ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ક્ષેત્રમાં ચક્રવાતી વર્તુળ રચાયું છે. ઉપરાંત, 15 એપ્રિલથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને તાજી પશ્ચિમી વિક્ષેપ અસર કરી શકે છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, 14-17 એપ્રિલની વચ્ચે ગંગાને અડીને આવેલા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે.
વળી, IMD એ વિસ્તૃત સમયગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં 20 એપ્રિલથી 26 એપ્રિલની વચ્ચે થોડા દિવસો માટે ગરમીની લહેર રહેવાની સંભાવના છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આજે રાજધાની લખનૌમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો - સુરત શહેરમાં ભારે પવન સાથે પડ્યા બરફના કરા, ખેડૂતો થયા ચિંતિત