Surat માં ગેરકાયદેસર રહેતા 132 બાંગ્લાદેશીઓની અટકાયત, રાજ્યભરમાં "ઓપરેશન ભારત છોડો" શરૂ
- રાજ્યમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક
- સુરત પોલીસ કમિશનર કચેરીએ બેઠકનું આયોજન
- સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર
- સુરતમાં 132 બાંગ્લાદેશીઓને કરાયા છે ડિટેઈન
Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા, તેના પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ હુમલાને કારણે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી, અને 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો સામે ગુજરાત પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં રાજ્યમાંથી આશરે 1 હજાર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.
132થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત
ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં 132થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પર કરવામાં આવી છે.
સુરત પોલીસની અસરકારક કામગીરી
સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીને સુરત પોલીસની અસરકારક કામગીરી તરીકે ગણાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં 'ઘુસણખોરો' પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક
ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
આ મામલે વધુ ચર્ચા અને આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દક્ષિણ ઝોનના પોલીસ અધિકારીઓ સહિત સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો સામેની કાર્યવાહીને વધુ તીવ્ર કરવા અને રાજ્યભરમાં આ ઝૂંબેશને વેગ આપવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.
આ ઓપરેશનને લઈને રાજ્યના ગૃહ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો અને તેમને આશ્રય આપનારા કે નકલી દસ્તાવેજો બનાવી આપનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઝૂંબેશ હેઠળ રાજ્યભરમાં આવા ઓપરેશનો ચાલુ રહેશે અને ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગ સતત કામગીરી કરશે.
આ પણ વાંચો : Pahalgam Terror Attack : સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ મોદી સરકાર પર જાહેર કર્યો વિશ્વાસ