Surat : નશાના પૈસા ન આપતા ચપ્પુ મારી સગીરની હત્યા, લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો
- એકના એક દીકરાના મોતથી પરિવારમાં રોષની લાગણી
- પૈસા ન આપતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી
- પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપીની ધરપકડ કરી
Surat : શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા 17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી. પરંતુ રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી દીધી હતી. ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવામાં આવી હતી
લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કરાતા પરિસ્થિતિ મોડી રાત્રે તંગ બની હતી. પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવામાં આવી હતી. આરોપી પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. પરેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપી પ્રભુની ધરપકડ કરી કરી હતી. કાપોદ્રા પોલીસે આરોપી પ્રભુની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં સુરતમાં કાપોદ્રામાં રત્નકલાકાર સગીરની હત્યાથી રોષ ફેલાયો છે. નશેડીને નશો કરવા પૈસા ના આપતા હત્યા કરી હતી. મૃતદેહને લઈ પરિવાર પોલીસ મથકે પહોંચી વિરોધ કર્યો છે.
કાપોદ્રા પોલીસ મથક પર પરિવારના લોકોએ ઘેરાવો કર્યો
કાપોદ્રા પોલીસ મથક પર પરિવારના લોકોએ ઘેરાવો કર્યો છે. કાપોદ્રા પોલીસ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ આરોપીને કડકમાં કડક સજા કરવાની પરિવારની માગ છે. કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈને એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને મારી નાખ્યો છે. વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માગ્યા પરંતુ તેની પાસે માત્ર 10 જ રૂપિયા હોવાથી તેને આપવાનો ઈન્કાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેને આગળ જઇને રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું પરંતુ તેને ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા.
હાલ રિક્ષાચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાલ રિક્ષાચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોટી સંખ્યાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ રહી છે.