જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ નહીં બચી શકે, 50 લોકોની કરવામાં આવી અટકાયત
આતંકવાદીઓ એકવાર ફરી જમ્મુ-કાશ્મીરમાં આતંક વધારવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલો થયો હતો જેમા 9 લોકોના મોત થયા હતા. તેટલું જ નહીં તે પછી પણ આતંકીઓએ 3 અલગ અલગ જગ્યાએ દહેશત ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. પણ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, રિયાસીમાં થયેલા હુમલાની તપાસના સંદર્ભમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.
50 શંકાસ્પદ લોકોની અટકાયત
સમગ્ર મામલે પોલીસે કહ્યું કે સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે, આતંકવાદીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશનનો વ્યાપ રિયાસી જિલ્લાના અર્નાસ અને માહોર જેવા દૂરના વિસ્તારો સુધી વિસ્તારવામાં આવ્યો છે, જે 1995 અને 2005 વચ્ચે આતંકવાદીઓના ગઢ હતા. શિવખોડી મંદિરથી માતા વૈષ્ણોદેવી જતી તીર્થયાત્રીઓની બસ પર રવિવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ગોળીબાર બાદ બસ ખાઈમાં પડી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 49 લોકો ઘાયલ થયા હતા. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી. પોલીસ પ્રવક્તાએ 50 શંકાસ્પદ લોકોની અટકાયતની પુષ્ટિ કરી અને કહ્યું કે પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી છે. તેમણે કહ્યું, "મહત્વના સંકેતો સામે આવ્યા છે જેમા તે લોકોની ઓળખ અને ધરપકડ કરવામાં મદદ મળી રહી છે જેમનો આ હુમલાના સમગ્ર કાવતરામાં હાથ હોઈ શકે છે." તેમણે કહ્યું કે, આ અભિયાનનો લક્ષ્ય વધુમાં વધુ પુરાવા ભેગા કરવા તથા તે આતંકવાદીઓને પકડવાનો છે જે આ વિસ્તારોમાં છુપાયા હોઇ શકે છે.
20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત
પોલીસે એક આતંકીનો સ્કેચ પહેલા જ જાહેર કરી દીધો છે. તેમણે ગુનેગારોને ખતમ કરવા માટે જરૂરી સંકેતો આપવા માટે 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની પણ જાહેરાત કરી છે. પ્રવક્તાએ કહ્યું, "કાયદા અમલીકરણ એજન્સીઓ ગુનેગારોને ન્યાય અપાવવા અને વિસ્તારના તમામ રહેવાસીઓ અને મુલાકાતીઓ/પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે." રિયાસીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહિતા શર્માએ લોકોને સાવધાન રહેવા તથા કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરી છે.
PM મોદીએ બેઠક યોજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 4 દિવસમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 4 એન્કાઉન્ટર પછી જમ્મુ અને કાશ્મીરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાત કરી હતી. PM મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ અને સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદ વિરોધી કામગીરી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
DGPએ ચેતવણી આપી
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (DGP) આર. આર. સ્વૈને ગુરુવારે પાકિસ્તાન પર તેના ભાડૂતી સૈનિકો દ્વારા અહીં શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભારતીય સેના દુશ્મનને જડબાતોડ જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે. સ્વૈને "દુશ્મન એજન્ટો" ને ચેતવણી આપી હતી કે તેઓ આતંકવાદને ટેકો આપવાના તેમના નિર્ણય પર પસ્તાવો કરશે. તેમણે એમ પણ કહ્યું, "તેમના (આવા એજન્ટો) પાસે પરિવાર, જમીન અને નોકરી છે, જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓ પાસે ગુમાવવા માટે કંઈ નથી."
આ પણ વાંચો - Terrorist Sketch : આતંકીઓના સ્કેચ જાહેર કર્યા, સૂચના આપનારને મળશે લાખો રૂપિયા…
આ પણ વાંચો - Doda Terror Attack: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓનો 4 હુમલો, એક પોલીસકર્મી ઘાયલ