GUJARAT FIRST IMPACT : આખરે BHARUCH માં પરવાનગી વિનાનું વોટરપાર્ક સીલ કરાશે; અધિક કલેકટરે આપ્યું આ નિવેદન
BHARUCH WATER PARK SEAL : ભરૂચના ( BHARUCH ) પશ્ચિમ વિસ્તારમા આવેલ કરમાડ ગામ નજીક વાંસી રોડ ઉપર ખેતરની જમીન ઉપર રૂપિયા કમાવાની લાલચે રાતો રાત વોટરપાર્ક ઉભું કરી શરુ કરી દેતા વોટરપાર્કમાં નાહવાની મઝા માણવા ગયેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની બૂમો વચ્ચે વોટરપાર્કમાં પાણીનો ઉપયોગ ક્યાંથી થાય છે તેની તપાસ કરવામાં આવતા કેનાલમાં પંચર કરી વરસાદી કાંસમાં પાણી ઠાલવી વોટરપાર્કમાં ઉપયોગ કરવાનો ભાંડો ફૂટતા આખરે વોટરપાર્ક બંધ કરાવી સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
આખે આખું વોટરપાર્ક હતું ગેરકાયદેસર
રાજકોટની ઘટના બાદ તંત્રએ દેખાવા પૂરતી કામગીરી કરી ગેમઝોનનું નિરીક્ષણ કર્યું હતું.પરંતુ BHARUCH જીલ્લામાં આખે આખું વોટરપાર્ક ગેરકાયદેસર ચાલતું હતું. આ ગેરકાયદેસર હેપ્પી આઈલેન્ડ વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ સામે આવતા જ એક નાગરિકએ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરતા અને વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજુ કરવામાં આવતા જ મામલતદાર સહિત નહેર વિભાગના અધિકારીઓ એ વોટરપાર્ક ઉપર પહોંચી તપાસ શરુ કરી હતી. જેમાં વરસાદી કાંસમાંથી પાણીનો ઉપયોગ કરવા માટે પાઈપ લાઈન લગાવી હતી. તેને દૂર કરવા માટે સંચાલકોએ દોડાદોડ કરી મૂકી હતી.જે દ્રશ્યો પણ મામલતદાર સહીત અન્ય અધિકારીઓએ નરી આંખે જોયું હતું.
ગેરકાયદેસર વોટરપાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા
હેપ્પી આઈલેન્ડ વોટરપાર્ક કોની મંજૂરીથી ચાલે છે તેવા દસ્તાવેજી પુરાવા મામલતદારે માંગતા જ કોઈપણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આખરે વોટરપાર્ક સંચાલકો પાસે વોટરપાર્કમાં રહેલી કોઈપણ રાઈડની ફિટનેસ સર્ટી ન હતા અને પાણીના ઉપયોગ માટે પણ કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી.વોટરપાર્કમાં કોઈપણ રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી.તદુપરાંત વોટરપાર્ક ચાલુ કરવા માટે અધિક કલેકટર એન આર ધાંધલ પાસેથી પણ કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી અને છતાં છેલ્લા પંદર દિવસથી ગેરકાયદેસર વોટરપાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, ભરૂચના કરમાડ ખાતે ગેરકાયદેસર ઉભા કરાયેલા વોટરપાર્કને કોઈપણ જાતની મંજૂરી ન હોવાના કારણે પંચનામા સહિત સીલ કરવાની કામગીરી માટે એસડીએમ, મામલતદાર, બૌડા, રૂરલ પોલીસ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર જ કાર્યવાહી શરૂ કરી છે. આ તમામ વિભાગ વોટરપાર્ક ચાલુ થયું ત્યારથી જ કુંભકર્ણની નીંદરમાં કેમ હતા તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે.