ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Morbi: દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે, વાર્ષિક 100 કરોડ રૂપિયા

Morbi: બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જિલ્લાના અંદાજિત 2500 ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી 2000 જેટલા ખેડૂતો તો ફક્ત હળવદ તાલુકાના છે. હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિંગ યાર્ડ(મંડી) આવેલા છે.
11:01 PM Jan 06, 2025 IST | VIMAL PRAJAPATI
Morbi
  1. હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમની ખેતી થઈ
  2. વેચાણ માટે હળવદ તાલુકામાં પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ કાર્યરત
  3. દુબઈ, મલેશિયા અને નેપાળ સહિતના દેશોમાં થાય છે દાડમની નિકાસ

Morbi: ઘડિયાળ - સિરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અદકેરૂ સ્થાન ધરાવે છે. બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જિલ્લાના અંદાજિત 2500 ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી 2000 જેટલા ખેડૂતો તો ફક્ત હળવદ તાલુકાના છે. હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિંગ યાર્ડ(મંડી) આવેલા છે.

હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમની ખેતી

નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં અંદાજિત 4500 હેક્ટરમાં અને હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમની ખેતી થાય છે. બાગાયતી પાકો માટે સરકાર ખેડૂતોને રોપાના વાવેતર સહિત વિવિધ સહાય આપે છે, જે થકી આ વિસ્તારના ઘણા ખેડૂતોની આવક ડબલ થઈ છે. જે સખત પુરુષાર્થ અને સરકારના સહકાર થકી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે તેની પણ પ્રતીતિ કરાવે છે.

વિશ્વને સિરામીકની વિવિધ પેદાશોમાં મોરબી મોખરે

કુદરતે મોરબીને માટીનું વૈવિધ્ય અર્પ્યું છે, વિશ્વને સિરામીકની વિવિધ પેદાશો આપતી સિરામીકની માટી પણ મોરબીની ભૂમિમાં છે, તો મગફળી, કપાસ અને અનેક બાગાયતી પાકો રૂપી સોનુ જ્યાં ઉપજે છે તેવી ફળદ્રુપ જમીન પણ મોરબી પાસે છે. તેમાં કંકુવરણી ભૂમિના પ્રદેશ તરીકે ઓળખાતો હળવદ તાલુકો બાગાયતી ખેતીમાં વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તાની દ્રષ્ટિએ અગ્રેસર છે. પાંચાળ પ્રદેશની આ માટીમાં ધરતી પુત્રના પુરુષાર્થ થકી પારસમણિ નિપજે તેવી શક્તિ રહેલી છે. ત્યારે બાગાયતી ખેતીના ક્ષેત્રે દાડમની ખેતીમાં હળવદ એક અનન્ય સ્થાન ધરાવે છે.

દાડમની ખેતીમાંથી વર્ષે રૂપિયા 80 લાખની આવક

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના ખેડૂત પ્રફુલભાઈ ધનજીભાઈ રાજપરા છેલ્લા 07 વર્ષથી 45 વીઘા જમીનમાં દાડમની ખેતી કરે છે. તેઓ આ વિશે વધુ વાત કરતા જણાવે છે કે, ‘મારી કુલ જમીન 90 વીઘા છે. અમે વર્ષોથી પરંપરાગત પાકોની ખેતી કરતા હતાં. દસેક વર્ષ અગાઉ સ્થાનિક બાગાયત અધિકારી મને મુંબઈ બાગાયતલક્ષી કૃષિ સેમિનારમાં ભાગ લેવા લઇ ગયા હતા. ત્યાં દાડમ સહિતની આધુનિક ખેતી વિશે માર્ગદર્શન અપાયુ હતું. ત્યારે કશુંક નવું કરવાની ઇચ્છા અને ખેતીમાં ઉત્પાદન - નફો વધારવા દાડમની ખેતીની શરૂઆત કરી. દાડમના રોપાના વાવેતર માટે ખર્ચના 40 ટકા લેખે રૂપિયા અઢી લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Rajkot: ભૂદેવોએ સંસ્કૃત ભાષામાં કરી ક્રિકેટ કોમેન્ટ્રી, ધોતી પહેરીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ

ખેતરોમાં કામ કરતા માણસોને પણ રોજગારી મળી રહે છે

આ ઉપરાંત, દાડમની ખેતી માટે જરૂરી એવા મીની ટ્રેક્ટર માટે રૂપિયા 50,000 તથા દવા છંટકાવ માટે રૂપિયા 02 લાખના સ્પ્રેયર પંપની ખરીદી માટે પણ મને સરકારી સબસીડી મળી. ચોમાસુ અને ઋતુ અનુકુળ હોય તો વર્ષે રૂપિયા 80 લાખથી પણ વધુનું ઉત્પાદન મળી રહે છે. જેનાથી અમારા જેવા ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ વધી છે અને ખેતરોમાં કામ કરતા માણસોને પણ રોજગારી મળી રહે છે. હળવદના દાડમની ઉત્તમ ગુણવત્તાના કારણે વિદેશમાં પણ માંગ છે. અમારી પાસેથી એજન્ટ દાડમની ખરીદી કરી ગુણવત્તા મુજબ ગુજરાત બહારના રાજ્યમાં તથા બાંગ્લાદેશ સહિતના અન્ય દેશમાં નિકાસ કરે છે’.

ખેતી કરવા માટે ભરતભાઈએ MBAનો અભ્યાસ છોડી દીધો

35 વર્ષીય યુવાન ઈશ્વરનગરના ખેડૂત ભરતભાઈ માકાસણાએ એમ.બી.એ.નો અભ્યાસ છોડી ખેતી ક્ષેત્રે કંઈક નવીન કરવાના વિચાર સાથે જોડાયા છે. નર્મદાનું પાણી આવતા હળવદની પાણીદાર ભૂમિ વધુ પાણીદાર બની જેથી ભરતભાઈએ ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યું. આ બાબતે તેઓ જણાવ્યું છે કે, ‘મેં બાર વર્ષ પહેલા દાડમની ખેતીની શરૂઆત કરી, અત્યારે કુલ ૬૫ વીઘામાં દાડમ વાવેલા છે. જેમાં વાર્ષિક 100 થી 150 ટન જેટલું દાડમનું ઉત્પાદન મળી રહે છે અને અંદાજિત 60 લાખથી વધુ આવક મળે છે. હળવદ વિસ્તારના લગભગ તમામ ખેડૂતોના દાડમ ગુજરાત બહાર અન્ય રાજ્યો તથા વિદેશમાં નિકાસ થાય છે’

આ પણ વાંચો: વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર

વાર્ષિક ટર્ન ઓવર 20 થી 25 કરોડ જેટલુંઃ કાનાભાઈ પટેલ

દ્રિજા ફ્રુટ માર્કેટ યાર્ડના સંચાલક કાનાભાઈ પટેલ જણાવ્યું કે, ‘હળવદના ખેડૂતોને દાડમ વેચવા ક્યાંય બહાર ન જવું પડે અને ઘર આંગણે જ તેમને સારા ભાવ મળી રહે તે માટે હળવદ વિસ્તારમાં પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ (મંડી) કાર્યરત છે. અમારા ફ્રુટ માર્કેટ યાર્ડમાં વાર્ષિક અંદાજિત ચાર હજારથી પાંચ હજાર ટન દાડમની આવક થાય છે અને જેનું વાર્ષિક ટર્ન ઓવર 20 થી 25 કરોડ જેટલું છે. જેથી હળવદના પાંચ ફ્રુટ માર્કેટ મળી કુલ અંદાજિત સો કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર અપેક્ષિત છે. હળવદ વિસ્તારના દાડમ ગુણવત્તા મુજબ દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિત વિવિધ દેશોમાં તથા ગુજરાત બહાર લખનઉ, કાનપુર, દિલ્હી, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, સીલીગુડ્ડી જેવા શહેરો અને યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના વેસ્ટ દાડમની પણ ફ્રુટ માર્કેટ દ્વારા ખરીદી કરવામાં આવે છે. તેના પણ યોગ્ય ભાવ આપવામાં આવે છે. આ વેસ્ટ દાડમની છાલનો પણ અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે’.

આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા, કહ્યું ‘..ન્યાય ન અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું’

મોરબી જિલ્લામાં અંદાજિત 4500 હેક્ટરમાં દાડમ પાકનું વાવેતરઃ બ્રિજેશ જેઠલોજા

મોરબી જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજાએ જણાવ્યું હતું કે, ‘મોરબી જિલ્લામાં અંદાજિત 4500 હેક્ટરમાં દાડમ પાકનું વાવેતર થયેલું છે અને હળવદ તાલુકામાં અંદાજિત 3800 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયેલું છે. ચાલુ વર્ષે દાડમ પાકના વાવેતર માટે 600 હેક્ટર વિસ્તારમાં બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેડૂતોને સહાય આપવામાં આવેલી છે. દાડમ પાકને ગોરાડુ અને મધ્યમ કાંપની જમીન અને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે. બાગાયત ખાતા દ્વારા દાડમ સહિતના ફળ પાકના વાવેતર માટે ખેડૂતોને 01 લાખના ખર્ચની સામે ૪૦ હજાર જેટલી સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. ઉપરાંત દાડમ પાક માટે બાગાયત ખાતા દ્વારા બાગાયત યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર, દવાનો છંટકાવ કરવા માટે સ્પ્રેયર પંપ અને ઉત્પાદન થયા બાદ તેના પેકિંગ માટે પેકિંગ મટીરીયલ તથા દાડમને જીવાત અને સૂર્યના તાપથી બચાવવા માટે દાડમના ક્રોપ કવર અને ફ્રુટ કવરમાં પણ સહાય આપવામાં આવે છે. મોરબીમાં ચાલુ વર્ષે ફળ પાકના વાવેતર માટે 145 લાખ અને અન્ય મુખ્ય ઘટકોમાં 125 લાખની સહાય બાગાયત ખાતા દ્વારા આપવામાં આવી છે.’

અહેવાલઃ રહીમ લાખાણી, મોરબી - રાજકોટ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newshalvad NewsLatest Gujarati NewsMorbi Newspomegranate productionpomegranate production in Halvadpomegranate production in Morbipomegranate production NewsTop Gujarati News
Next Article