Tamil Nadu : કોરોના પોઝિટિવ આવ્યા બાદ DMDK ના સ્થાપક વિજયકાંતનું નિધન, CM સ્ટાલિને આપી શ્રદ્ધાંજલિ
દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. અભિનેતા, રાજનેતા અને DMDK (દેશિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ) ના સ્થાપક વિજયકાંતનું (Vijayakanth) કોરોનાને કારણે નિધન થયું છે. મળતી માહિતી મુજબ, વિજયકાંતને છેલ્લા અમુક દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ડીએમડીકે (DMDK) નેતા વિજયકાંત છેલ્લા અમુક દિવસથી વેંટિલેટરના સપોર્ટ પર હતા. DMDK એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. પાર્ટીએ વિજયકાંતનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી પણ આપી હતી. આ પહેલા નવેમ્બર મહિનામાં પણ વિજયકાંતની તબિયત લથડતા તેમને ચેન્નાઈના MIOT હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાંસી અને ગળામાં દુ:ખાવાને કારણે તેઓ 14 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખમાં રહ્યા હતા. તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને ચેન્નાઈમાં અભિનેતા અને ડીએમડીકેના વડા વિજયકાંતને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દેશભરમાં સક્રિય કોરોના કેસ 4 હજારને પાર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, તમિલનાડુમાં સક્રિય કોવિડ (Covid-19) કેસોની કુલ સંખ્યા 135 છે. જણાવી દઈએ કે, છેલ્લા અમુક દિવસથી દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે વધીને 4 હજારથી વધુ થઈ ગયા છે. ગઈકાલે એટલે કે બુધવારે કોરોનાના 529 કેસ નોંધાયા હતા, જેનાથી સક્રિય કેસોની સંખ્યા 4093 થઈ ગઈ છે. કોરોનાના નવા પ્રકાર JN.1 ના સૌથી વધુ કેસ ગોવામાં જોવા મળ્યા છે, જ્યારે આ પ્રકારે દિલ્હીમાં પણ દસ્તક આપી છે.
154થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
જણાવી દઈએ કે, વિજયકાંતની ફિલ્મી યાત્રા પણ ખૂબ જ શાનદાર રહી હતી. તેમણે ઘણી હીટ ફિલ્મો આપી છે. તેમણે કુલ 154 ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મો પછી તેઓ રાજનીતિમાં આવ્યા હતા. તેમણે DMDKની સ્થાપના કરી અને વિરુધાચલમ અને ઋષિવંદિયમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને બે વખત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો - MP: ગુનામાં ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 13 જીવતા ભૂંજાયા, 16થી વધુ ગંભીર રીતે દાઝ્યા