'જો 2 કરોડ નહીં ચૂકવાય, તો જાનથી મારી નાખીશું', સલમાનને ફરી મળી ધમકી
- અભિનેતા સલમાન ખાનને ફરીથી મળી ધમકી
- મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલરૂમને મળ્યો મેસેજ
- અજાણ્યા શખ્સે ધમકી આપીને રૂ.2 કરોડ માગ્યા
- નાણાં ન ચૂકવાય તો મારી નાંખવાની ધમકી આપી
- પોલીસે ધમકી આપનારાની શોધખોળ હાથ ધરી
- અગાઉ ધમકી આપવાના કેસમાં 2 પકડાયા છે
Death Threat to Salman Khan : બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. સલમાન ખાનના ફેન્સ પણ તેની ચિંતામાં છે. બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddiqui's murder) બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, બાબાની હત્યા બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેના કારણે સલમાનના ફેન્સની ચિંતા વધી ગઈ છે.
2 કરોડ રૂપિયાની માંગણી
જણાવી દઇએ કે, એક દિવસ પહેલા, પોલીસે NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) વિધાનસભાના ઉમેદવાર જીશાન સિદ્દીકી અને સલમાનને ધમકી આપનાર વ્યક્તિની ઉત્તર પ્રદેશના નોઈડાથી ધરપકડ કરી હતી. હવે આજે ફરી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ વિભાગમાં ધમકીભર્યો એક મેસેજ મળ્યો હતો. જેમા અજાણ્યા શખ્સે મેસેજ કરીને 2 કરોડ રૂપિયાની માગણી કરી છે. ધમકી આપનારે કહ્યું છે કે, જો 2 કરોડ નહીં ચૂકવાય તો સલમાન ખાનને જાનથી મારી નાંખીશ. મુંબઈ પોલીસે ધમકી આપનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે. સલમાન ખાનને સતત મળી રહેલી ધમકીઓના પગલે મુંબઈ પોલીસ સતર્ક છે. અગાઉ પણ ધમકી આપનારા બે આરોપીઓની અલગ અલગ કેસમાં પોલીસે ધરપકડ કરી છે.
સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી
આ સમાચાર સામે આવ્યા બાદ સલમાન ખાનના ફેન્સ ફરી એક વખત પરેશાન છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાના અહેવાલ છે. બાબાના મૃત્યુ બાદ સલમાન ખાનને લઈને પણ મામલો ગરમાયો હતો, ત્યારબાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સતત ધમકીઓ મળવા છતાં સલમાન ખાન પોતાનું કામ કરી રહ્યો છે. નોંધનીય છે કે બાબાની હત્યા બાદ સલમાન ખાને બિગ બોસ 18નું શૂટિંગ કેન્સલ કરી દીધું હતું, પરંતુ પ્રતિબદ્ધતાને કારણે સલમાન કામ પર પાછો ફર્યો અને પોતાનું વચન પૂરું કર્યું.
સલમાનને કેમ મળી રહી છે ધમકીઓ?
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને અવારનવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. આ વર્ષની શરૂઆતમાં સલમાનના ઘરે ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. મામલો કાળિયાર હરણની હત્યાનો છે, બિશ્નોઈ સમુદાયનું કહેવું છે કે સલમાન ખાને આ માટે તેમના સમુદાયની માફી માંગવી જોઈએ, પરંતુ સલમાન અને તેના પરિવારનું કહેવું છે કે જ્યારે તેણે કંઈ કર્યું જ નથી તો પછી તેણે માફી કેમ માંગવી જોઈએ?
આ પણ વાંચો: Viral Video : શું ખરેખર સલમાન ખાને બિશ્નોઇને ધમકી આપી? જાણો વીડિયોની હકીકત