મહારાષ્ટ્ર ચૂંટણી પૂર્વે Rahul Gandhi પર થઇ શકે છે FIR! જાણો શું છે કારણ
- મહારાષ્ટ્ર ચૂંટણીમાં રાહુલ ગાંધીના આક્ષેપો, ભાજપનો ચૂંટણી પંચમાં વાંધો
- ભાજપ-રાહુલ ગાંધીની આક્ષેપ-પ્રત્યાક્ષેપ જંગ મહારાષ્ટ્રમાં ઉગ્ર
- 20 નવેમ્બરે મહારાષ્ટ્રમાં મતદાન, રાજકીય તણાવ ચરમસીમાએ
- રાહુલ ગાંધી વિરુદ્ધ FIRની ભાજપની માંગ
- રાહુલ ગાંધીના નિવેદનો પર ભાજપનો વિરોધ, ચૂંટણી પંચને ફરિયાદ
- ભાજપનો આક્ષેપ: "રાહુલ ગાંધીના પાયાવિહોણા આક્ષેપો"
Rahul Gandhi : મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનાની 20 તારીખે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) ના તબક્કે રાજકીય તાપમાન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ, ભાજપ, એનસીપી અને શિવસેના સહિતના તમામ પાર્ટીના નેતાઓ પોતાના ઉમેદવારો માટે પ્રચાર રેલીઓ કરી રહ્યા છે. આ રેલીઓમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ આક્રમક પ્રચાર કરતાં જોવા મળી રહ્યા છે. જો કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી જાહેર સભામાં રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ભાજપ પર લગાવાયેલા કેટલાક આક્ષેપોને લઈ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ કડક વાંધો ઉઠાવ્યો છે.
રાહુલ ગાંધીના આક્ષેપો અને ભાજપનો વાંધો
ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ દરમિયાન ભાજપ પર પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં ભાજપ પર બંધારણને ખતમ કરવા અને દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી રહ્યાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કહે છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની આ જાહેરાતો સંપૂર્ણપણે જુઠ્ઠી છે અને ભાજપ પર ખોટા આરોપો મૂકવા માટે કોંગ્રેસના નેતા કાવતરું કરી રહ્યા છે.
ચૂંટણી પંચને ભાજપની ફરિયાદ
કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજકીય સભામાં રાહુલ ગાંધીના આક્ષેપોને ગંભીરતાથી લીધા છે. મેધવાલે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળીને રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમણે આ પ્રકારના ખોટા આક્ષેપો પર રોક લગાવવાનું આહવાન કર્યું હતું. ભાજપે દલીલ કરી હતી કે, રાહુલ ગાંધી વારંવાર આવાં નિવેદનો આપીને જનતા વચ્ચે ગેરસમજ ફેલાવી રહ્યા છે. આ ઉપરાંત ભાજપે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી રાજ્યને બીજા રાજ્ય સામે ઉભા કરવા અને બંધારણને લઇને ખોટા આક્ષેપો કરી રહ્યા છે, જેના માટે તેમની વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ.
VIDEO | A BJP delegation comprising Union Minister Arjun Ram Meghwal (@arjunrammeghwal), party leaders Arun Singh, Shehzad Poonawalla and Om Pathak visited the Election Commission of India’s office earlier today.
“Today, we visited the ECI’s office. We informed how Lok Sabha LoP… pic.twitter.com/DLTh52JDgd
— Press Trust of India (@PTI_News) November 11, 2024
રાહુલ ગાંધી સામે FIR દાખલ કરવાની માંગ
તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353 હેઠળ FIR નોંધવામાં આવે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ખોટા આક્ષેપો કરીને ભાજપ અને તેના નેતાઓને બદનામ કરવાનું કાવતરું કર્યું છે, જે રાજકીય સભ્યતા માટે ઘાતક છે. ભાજપે ચેતવણી આપતાં કહ્યું કે, જો આવાં આક્ષેપો પર રોક નહીં લગાવવામાં આવે તો વિવાદ વધુ થશે અને ચૂંટણીને અસર પડશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ક્યારે થશે?
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન 20 નવેમ્બરે થશે, અને પરિણામો 23 નવેમ્બરે જાહેર થવાના છે. અગાઉની ચૂંટણીમાં, ભાજપને 105 બેઠકો, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે, ચૂંટણી બાદ, શિવસેના એનડીએ ગઠબંધનથી અલગ થઈને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી, જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. જેમ જેમ 20 નવેમ્બરનું મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ તેમ મહારાષ્ટ્રના રાજકારણમાં તણાવ વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજકીય લડત વધુ ઉગ્ર બની રહી છે. રાહુલ ગાંધી અને ભાજપના નેતાઓ વચ્ચે ચાલી રહેલી આ શાબ્દિક જંગથી મહારાષ્ટ્રની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.
આ પણ વાંચો: Maharashtra Election : MVA એ મેનિફેસ્ટો બહાર પડ્યો, આપ્યા અનેક વચનો...