મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો, CM શિંદેના મંત્રીએ કહ્યું- NCP સાથે બેસવાથી મને ઉલ્ટી આવે છે
- તાનાજી સાવંતના નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો
- શિવસેના નેતા તાનાજી સાવંતનું વિવાદાસ્પદ નિવેદન
- NCP વિરુદ્ધ તાનાજી સાવંતનો આક્રમક પ્રહાર
- શિવસૈનિક તરીકે, હું ક્યારેય NCP સાથે બેસી શકતો નથી - તાનાજી સાવંત
- તાનાજી સાવંતના નિવેદનથી મહાયુતિમાં તણાવ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે (Shiv Sena leader Tanaji Sawant) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર જૂથ વિશે (Ajit Pawar's Group) એક વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું હતું. જેને લઇને રાજકીય ગરમાવો વધ્યો છે. સાવંતે સાફ શબ્દોમાં કહ્યું કે, “હું ક્યારેય NCP (અજીત પવાર જૂથ) સાથે જોડાયો નથી. તેમણે વધુમાં કહ્યું કે, NCP સાથે બેસવાથી મને ઉલ્ટી આવે છે.” આ નિવેદનથી મહાયુતિમાં વિવાદ ઊભો થયો છે, અને આ પછી રાજકીય ખટાશ સર્જાયો તો નવાઈ નહીં.
તાનાજી સાવંતે શું કહ્યું હતું?
ધારાશિવમાં આયોજિત એક બેઠક દરમિયાન તાનાજી સાવંતે જણાવ્યું કે, “હું કટ્ટર શિવસૈનિક છું અને સત્ય તે છે કે કોઈ પણ કટ્ટર શિવસૈનિક ક્યારેય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે બેસી શકે નહીં.” તેમણે એમ પણ ઉમેર્યું કે આ બંને પક્ષોની નીતિઓ અને વિચારધારાઓમાં ભિન્ન છે, જેના કારણે તેઓ આ પક્ષો સાથે બેસવામાં અસ્વસ્થતા અનુભવે છે. આજે પણ જ્યારે હું કેબિનેટની બેઠકમાં હાજરી આપું છું ત્યારે તેમાંથી બહાર આવ્યા પછી મને ઉલ્ટી આવે છે, આ વાસ્તવિકતા છે કારણ કે દૃશ્યો ક્યારેય એક દિવસમાં અચાનક બદલાઈ શકતા નથી. એવું નથી કે તમે હંમેશા અલગ રહો અને અચાનક કહી દો કે બધું બરોબર છે અને આવો ચાલો સાથે મળીને કામ કરીએ...આવું ન થઈ શકે. આ સત્ય છે.
NCP ની પ્રતિક્રિયા અને રાજકીય દ્રષ્ટિકોણ
તાનાજી સાવંતના આ વિવાદાસ્પદ નિવેદનને લઈને NCP આગેવાનોએ આક્રમક પ્રતિસાદ આપ્યો છે. NCP ના અગ્રણી નેતા અને MLC અમોલ મિતકારીએ કહ્યુ, "તાનાજી સાવંત આરોગ્ય મંત્રી છે, અને તેમના સ્વાસ્થ્ય વિશે તેઓએ જ ચિંતા કરવી જોઈએ." તેમણે એમ પણ ઉમેર્યું કે મહાયુતિમાં રહેવું તેમને જો સહન નથી થતું તો તેઓએ પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરવું જોઈએ. NCP ના મુખ્ય પ્રવક્તા ઉમેશ પાટીલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે, “મહાયુતિમાંથી બહાર રહેવું વધુ સારું છે, કારણ કે NCP સત્તા માટે તલપાપડ નથી.”
મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો
તાનાજી સાવંતના આ નિવેદનથી મહારાષ્ટ્રની મહાયુતિમાં સંભવિત વિવાદ ઊભો થયો છે. એક તરફ, શિવસેના અને NCP વચ્ચેના મતભેદો વધારે મજબૂત થઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ મહાયુતિના સભ્યો વચ્ચે વિશ્વાસનો અભાવ વર્તાઈ રહ્યો છે. આ વિવાદનું આગળ શું ભાવિ રહેશે તે જોવાનું રસપ્રદ રહેશે, ખાસ કરીને ત્યારે જ્યારે મહાયુતિના તમામ પક્ષો પોતપોતાની નીતિઓ અને વિચારધારાઓ માટે અડગ રહી રહ્યા છે.
આ પણ વાંચો: પહેલા બાબા આવતા હવે નેતા પણ આવે છે, કોર્પોરેટરે કહ્યું - કેજરીવાલ સપનામાં આવ્યા અને મે પક્ષ બદલ્યો