BMW Car Accident : ફૂટપાથ પર સૂઈ રહેલા વ્યક્તિ પર સાંસદની દીકરીએ ચડાવી BMW કાર
BMW Car Accident : દેશમાં હિટ એન્ડ રન કેસ (Hit and run cases) સતત વધી રહ્યા છે. પુણેમાં પોર્શ અકસ્માત (Porsche accident in Pune) સૌ કોઇને યાદ છે જેને હજું ગણતરીના દિવસો થયા છે ત્યારે હવે તમિલનાડુની રાજધાની ચેન્નઈથી એક દર્દનાક અકસ્માત (painful accident) ની ઘટના સામે આવી છે. અહીં એક BMW કારે રસ્તાના કિનારે સૂતેલા એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. આ અકસ્માતની ઘટના બાદ સામે આવ્યું છે કે, તેમા રાજ્યસભાના સાંસદની પુત્રી પણ સામેલ છે. આ એક હિટ એન્ડ રનનો કેસ છે અને આરોપીનું નામ માધુરી હોવાનું કહેવાઇ રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સૂર્યા નામના 21 વર્ષીય ચિત્રકારને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. આરોપી યુવતી માધુરીની મંગળવારે ચેન્નાઈ પોલીસે ધરપકડ કરી હતી. જોકે, ધરપકડના થોડા સમય બાદ તેને જામીન મળી ગયા હતા. સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, એક ઝડપે આવતી BMW કારે ફૂટપાથ પર સૂઈ રહેલા એક વ્યક્તિને કચડી નાખ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. પોલીસે જણાવ્યું કે, ઘટના બાદ આરોપી મહિલા ડ્રાઈવર અને કારમાં હાજર અન્ય એક મહિલા તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ સૂર્યા તરીકે થઈ છે. તે સોમવારે રાત્રે બેસંત નગરમાં ફૂટપાથ પર સૂતા હતા ત્યારે એક લક્ઝરી BMW કારે તેમને કચડી નાખતાં તેમનું મોત થયું હતું. અદ્યાર ટ્રાફિક ઇન્વેસ્ટિગેશન વિંગ પોલીસે IPC કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બનવું) હેઠળ કેસ નોંધ્યો છે. જણાવી દઈએ કે, આ જામીનપાત્ર ગુનો છે. કાર માલિકને સમન્સ જારી કરવામાં આવ્યા છે.
MPની દીકરીએ એક માણસને કચડી નાખ્યો
અકસ્માત બાદ રાજ્યસભા સાંસદની પુત્રીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સોમવારે રાત્રે બની હતી અને આરોપી માધુરી તેની ગર્લફ્રેન્ડ સાથે BMW કારમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન તેણે ચેન્નાઈના બેસંત નગરમાં ફૂટપાથ પર સૂઈ રહેલા એક વ્યક્તિ પર કથિત રીતે હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે રસ્તાના કિનારે સૂતો વ્યક્તિ નશાની હાલતમાં હતો. એક રિપોર્ટ અનુસાર, માધુરી ઘટના બાદ ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી જ્યારે તેની મિત્ર ત્યાં એકઠા થયેલા લોકો સાથે દલીલ કરી રહી હતી. થોડા સમય પછી તે પણ નીકળી ગઇ. ભીડમાંથી કોઈએ તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો પરંતુ તે એટલો ખરાબ રીતે ઘાયલ થયો હતો કે તેનું મૃત્યુ થઈ ગયું.
સગા સંબંધીઓએ કરી કાર્યવાહીની માંગ
મૃત્યુ પામેલ શખ્સ જેનું નામ સૂર્યા કહેવાય છે તેના લગ્ન 8 મહિના પહેલા જ થયા હતા અને તેના સંબંધીઓ અને કોલોનીના લોકો J-5 શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. જ્યારે પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે કાર BMR (બીડા મસ્તાન રાવ) જૂથની છે અને તે પુડુચેરીમાં નોંધાયેલી છે. માધુરીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પોલીસ સ્ટેશનમાંથી જ તેને જામીન મળી ગયા હતા. રાવ 2022માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. BMR ગ્રુપ સીફૂડ ઉદ્યોગમાં જાણીતું નામ છે.
આ પણ વાંચો - Pune Accident : પુણેમાં મર્સિડીઝ કારે બાઇક સવારને કચડી નાખ્યો, થયું મોત, Video Viral
આ પણ વાંચો - Pune માં અકસ્માતનો વધુ એક ખતરનાક વીડિયો! કારની ટક્કરથી મહિલા 20 ફૂટ દૂર પડી Video Viral