Gujarat First Conclave 2024: રાજકોટના રાજકારણને લઈને જય વસાવડાના રમુજી અંદાજમાં ચાબખા
Gujarat First Conclave 2024: આજના કાર્યક્રમમાં જાણીતા કટાર લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા આવ્યા. તેમની સાથે રાજકીય વાતોથી લઈને સાહિત્યની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજકોટમાં યોજાયેલા આ કાર્યક્રમની ભારે સરાહના પણ કરી હતી. નોંધનીય છે કે, ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં આ સૌથી મોટો Conclave ગુજરાત ફર્સ્ટ દ્વારા યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભારે ધણાસાણ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક માટે પણ અનેક સમીકરણો સામે આવી રહ્યાં છે. રાજકીય નેતાઓ સાથે રમુજી અંદાજમાં વાત કરવા માટે ગુજરાત ફર્સ્ટ સાથે સીધા સંવાદમાં જય વસાવડા પધાર્યા હતા.
ભારતમાં અત્યારે વિશ્વની સૌથી મોટી ચૂંટણી યોજાઈ રહી છે
લોકસભા ચૂંટણીમાં અત્યારે જે રીતે મીડિયા કર્મીઓ કાર્ય કરી રહ્યા છે, તેની જય વસાવડાએ ભારે સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, અમે લેખકો તો એક લેખ મોકલાવીને કે, ઇન્સ્ટામાં વીડિયો પોસ્ટ કરીને છૂટી જઈએ છીએ. પરંતુ મીડિયાના લોકો અત્યારે ફિલ્ડમાં જઈને કવરેજ કરી રહ્યા છે તે ખુબ મોટી વાત છે. ભારતમાં અત્યારે વિશ્વની સૌથી મોટી ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં મીડિયાનો પણ મોટો ફાળો રહેલો છે. વધુમાં તેમણે કહ્યું કે, આપણે ત્યા જે પણ ચૂંટણી આવે છે તેમાં લોકોને મોકો મળે છે પોતાના રીતે જાગૃત થવાનો. તેમણે કહ્યું કે, લોકશાહી ત્યારે જ મજબૂત બને ત્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવતા થાય અને સવાલો કરતા થાય.
યુવાનોને જય વસાવડાએ આપ્યો ખાસ સંદેશ
જય વસાવડાએ કહ્યું કે, સામા પક્ષે આપણી પાસે ઘણા નેતાઓ છે, અને તે લોકો પોતપોતાની રીતે ક્યાકને ક્યાક સજ્જતા લઈને આવતા હોય છે. જય વસાવડાએ યુવાનો માટે કહ્યું કે, રાજનેતાઓ પાસેથી ખાસ સિખવાનું કે, હારી જાઓ, થાકી જાઓ કે કંટાળી જાઓ પરંતુ તેનાથી ભાગી નહીં જવાનું! જેથી બધાનું આયુષ્ય લાંબુ રહે અને એ તો સ્વાભાવિક છે કે, આજે નહીં તો કાલે વારો તો આવાનો જ છે. તેમણે કહ્યું કે, ભારતને આઝાદ થયે આટલા વર્ષો થયા. પહેલી ચૂંટણી 1951-52 માં યોજાઈ અને ત્યારથી લઈને આજ સુધી કોઈ વાર એવું નથી બન્યું કે, કોઈ રાજનેતાઓ ચૂંટણી હારી જવાથી આપઘાત કર્યો હોય. જે લોકો ઓછું પરિણામ આવવાથી, સોશિયલ મીડિયામાં બ્લૂ ટીક ના આવવાથી કે, કોઈને પત્ર લખ્યો હોય અને ગુલાબ પાછુ આવવાથી જે લોકો આપઘાત કરતા હોય છે તેમને આ ખાસ પ્રેરણા લેવાની જરૂર છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસને તમે કઈ રીતે જુઓ છો?
સૌરાષ્ટ્ર એક જમાનામાં સેન્ટર હતું. સૌરાષ્ટ્રમાં અંગ્રેજોના સમયમાં પ્રિન્સલી સ્ટેટ જે કહેવાય તે 222 જેટલા હતા. ત્યારબાદ જે ભારતનું એકીકરણ થયું જેમાં સરદાર પટેલ અને વડિલોનો જે રોલ હતો તેમાં પણ સૌરાષ્ટ્રનો બઉ મોટા ફાળો રહેલો છે. કચ્છ સૌરાષ્ટ્રા રાજ્ય હતું ત્યારે,ઢેબરભાઈ ( ઉચ્છંગરાય નવલશંકર ઢેબર) મુખ્યમંત્રી હતા. તેમણે એક ક્રાંતિ કરી જે ભારતમાં ઉદાહરણરૂપ ગણાય છે. તેમણે ખેડૂતોને જમીન અપાવી હતી. તેમણી જાતિ-જ્ઞાતિના ભેદભાવ વિના ક્રાંતિ કરીને રાજ્યના છેવાડાના ખેડૂત સુધી તેના લાખો પહોંચાડ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ વચ્ચોવચ્ચે આવેલું છે. અને કેશુભાઈના આવ્યા પછી તો રાજકોટમાં પાણી પણ આવી ગયું છે.
રાજકોટે ગુજરાતને બે મુખ્યમંત્રી આપ્યા છેઃ જય વસાવડા
વિજયભાઈએ પણ વિકાસના ઘણા બધા કાર્યો કર્યા છે. રાજકોટમાંથી બે મુખ્યમંત્રી આવ્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહેલીવાર રાજકોટથી ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા. રાજકોટે અનેક રાજકીય નેતાઓ આપ્યા છે, અમારૂ રાજકોટ આમ રીતે જોવા જઈએ કે, એક હબ કહેવાય છે. રમૂજી રીતે કહેવાય છે કે, અમારા રાજકોટમાં તો બે વાર સૂર્ય ઊગે છે. એકવાર તો સવારે ઊગે તે અને બીજે પાછો બપોરે જાગ્યા પછી ઊગે તો હોય છે. જય વસાવડાએ કહ્યું કે, સાંજના અખબારો પણ દિલ્હી કરતા રાજકોટમાં વધારે છે. અમારા રાજકોટમાં બધા ખુલીને વાત કરતા હોય છે.
જ્ઞાતિ-જાતિના વાડા વચ્ચે રાજકોટમાં અત્યારે પડતા પર પાટુ જેવી સ્થિતિ છે તે બાબતે તમે શું કહેશો?
જય વસાવડાએ કહ્યું કે, હુ તો રાજકારણનો માણસ જ નથી. હું એમ માનું છું કે, રાજકારણમાં દરેક માણસને પોતાનો અવાજ ઉઠાવાનો અધિકાર છે. મારે તો ચૂંટણી લડવાની નથી. લોકશાહીમાં બધા પોતપોતાનો અવાજ ઉઠાવે છે અને પોતાની વાત રજુ કરે છે. કોઈ લાગણીને કેટલું મહત્વ આપવું અને અથવા કેટલુ મત આવવું? ભારત તો પહેલા પણ ભારત જ હતું, પહેલા રામેશ્વરમ એ રામેશ્વરમ જ હતું. ગાંગા પહેલા પણ લોકોએ જોઈ હતી. ચારધામની યાત્રા તો પહેલા પણ થતી જ હતી પરંતુ ભારતના લોકોએ નવું શું જોયું? ભારતના લોકોએ નવું એ જોયું કે, હવે લોકો કાયદાને મહત્વ આપતા સંવિધાન નીચે આવી ગયા છે. કૃષ્ણએ દ્વારકામાં સુધર્મ સભા બનાવી હતી. કારણ કે, તેઓ એવું નહોતા ઇચ્છતા કે, હું જ રાજ ચલાવું તેમણે બધાના મંતવ્યો લેવા માટે સુધર્મ સભા બનાવી હતી.
વિશ્વમાં નરેન્દ્ર મોદીની લીડરશીપનું જૂદુ વિઝન છેઃ જય વસાવડા
રુપાલાના વિવાદ અંગે જય વસાવડાએ કહ્યું કે, મારૂ એવું અંગત માનવું છે કે, ભારતને આંતરરાષ્ટ્રીય સમજ પણ કેળવવાની જરૂર છે. નરેન્દ્ર મોદીની જે લિડરશીપ છે તે, વિઝનરી અને ગ્લોબલ લીડરશીપ છે. જે અત્યારે વિશ્વમાં પણ ઓછી છે. પુતિન અને જિંપિંગ લાબું ટકેલા નેતાઓ છે. પરંતુ ત્યા પ્યોર સરમુખત્યાર છે, ત્યારે કોરોનામાં શું થયું તેના પૂરા અહેવાલ પણ નથી મળતા. આ બે દેશોને બાદ કરતા બાકીને દેશોની વાત કરવામાં આવે તો બ્રિટનથી લઈને ઇટાલી સુધી અસ્થિરતા ચાલી રહીં છે. અમેરિકામાં પણ આવું જ ચાલું રહ્યું છે. પરંતુ આખા વિશ્વમાં નરેન્દ્ર મોદીની લીડરશીપનું જૂદુ વિઝન છે.
વડાપ્રધાનને લઈને જય વસાવડાઓ કહી ખાસ વાત
જય વસાવડાએ કહ્યું કે, ગુજરાતી વડાપ્રધાન હોય તેમાં ગુજરાતીઓએ કેમ શરમાવું જોઈએ. ગુજરાતી વડાપ્રધાનને લઈને હું ગુજરાતી તરીકે શરમાઈ જાઉ તો કેમ કરી ચાલે? નરેન્દ્ર ભાઈ તો આખા ભારતના વિકાસની વાત કરે છે અને ખરેખર આખા ભારતનો વિકાસ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ તો ક્યારેય એવુ નથી રાખ્યું કે, માત્ર ગુજરાતનો જ વિકાસ થવો જોઈએ. તો ગુજરાતીઓએ શા માટે એવું રાખવું જોઈએ કે, ગુજરાતી સિવાય કોઈ બીજો વડાપ્રધાન હોવો જોઈએ. મને તો આ વાત મગજમાં નથી ઉતરતી.
પહેલા થતી ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં શું ફરક લાગે છે?
જય વસાવડાએ કહ્યું કે,પહેલો ફરક તો ડિજિટલ છે. પહેલા ચૂંટણી વ્યક્તિગત જનસંપર્કથી લડાતી હતી. લોકોના ઘરે જઈ જઈને મળવું પડતું, વાતો કરવી પડતી અને પછી મત માંગવા પડતા હતા. ગાંધીજીએ જે કાર્ય કર્યું તે એ હતું કે, તેમણે મજબૂત રીતે 30 વર્ષ સુધી જનસંપર્ક કર્યો હતો અને એટલે ગાંધીજી હજી પણ છવાયેલા છે. અત્યારે પણ યાત્રાઓ થાય છે, જનસંપર્કો થાય છે પરંતુ હવે આખી ચૂંટણી હું જોઉ છું કે, ડિજિટલ થઈ ગઈ છે. હવે જે મેસેજ બનાવામાં આવે, વીડિયો બનાવામાં આવે કે આવા કાર્યક્રમો યોજવામાં આવે તેના દ્વારા પણ લોકો મત આપતા હોય છે. અત્યારે લોકો મતદાન કરતા પહેલા પોતાનો મત બાંધી લે છે. મોબાઈલમાં બે વીડિયો જોઈને મત આપે છે. અત્યારે યુવાનો મતદાનમાં જોડાઈ રહ્યા છે અને રસ પણ લઈ રહ્યા છે. અત્યારે Next Election નહીં પરંતુ Next Generation નો વિચાર કરવાની ખાસ જરૂર છે કે આવતી કાલની યુવાપેઢીનું શું થશે? તેને કેવું ભવિષ્ય આપવાનું છે.
First Voter ને તમે શું સંદેશ આપશો?
મતદાન એ લોકશાહીમાં આપણી જાગૃતિ છે. આપણો અધિકાર છે એ તો બધા કહે જ છે. જો તમે મતદાન કરો જ નહીં તો તમે સવાલ પૂછવાનો કે, ફરિયાદો કરવોનો કોઈ અધિકાર છે જ નહીં. જે કંપનીમાં મારી ઇન્વેસ્ટમેન્ટ જ ના હોય ત્યા હું સવાલ કેવી રીતે કરી શકું? મતદાન માટે હું તો જાગૃત છું. રૂપાલા સાહેબ તો સાહિત્યના માણસ છે અને ત્યારે તો તે અમરેલીમાં રહેતા હતા અમારે તો માત્ર સાહિત્યના ભાગરૂપે ઓળખાણ હતી. મારા એક લેખને શિક્ષણમાં તેમણે યાદ કર્યા. એટલે મને તો આનંદ થાય કે, એક સાહિત્યના માણસ રાજકોટમાં જનપ્રતિનિધિ બને.