Bangladesh News : શેખ હસીનાનો માત્ર એક શબ્દ અને બદલાઈ ગયો બાંગ્લાદેશનો ચહેરો!
Bangladesh News : બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ દેશને ગંભીર રાજકીય અસ્થિરતામાં ધકેલી દીધો છે. સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે નોકરીના ક્વોટાને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે અને તેના પરિણામે સેંકડો લોકોના મોત થયા છે. આ પરિસ્થિતિને કારણે બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે અને દેશમાં હવે સેનાનું શાસન સ્થાપિત થઇ ગયું છે. પરંતુ આવી પરિસ્થિતિ આવી કેમ? શું હતી શેખ હસીનાની એક ભૂલ જેણે આજે તેમને પોતાનો જ દેશ છોડવા ફરજ પાડી? આવો જાણીએ આ આર્ટિકલમાં...
શું છે આ વિવાદ?
બાંગ્લાદેશની હાઈકોર્ટે સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે નોકરીઓમાં 30% ક્વોટા ફરીથી સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ ક્વોટા સિસ્ટમથી યુવાનોને નોકરી મળવામાં મુશ્કેલી પડે છે. યુવાનોનું કહેવું હતું કે, બાંગ્લાદેશમાં લાખો યુવાનો બેરોજગાર છે. આ ક્વોટા સિસ્ટમથી તેમને નોકરી મળવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે દરેકને સમાન તક મળવી જોઈએ અને ક્વોટા સિસ્ટમ આ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ વચ્ચે કેટલાક વિશ્લેષકોનું માનવું હતું કે આ વિરોધ પ્રદર્શનો રાજકીય કારણોસર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે શેખ હસીના કે જે બાંગ્લાદેશના વડાપ્રધાન હતા તેમણે વિદ્યાર્થીઓની માંગને નકારી કાઢી હતી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને 'રઝાકાર' ગણાવ્યા હતા. તેમની આ ટિપ્પણીથી વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા. નોંધનીય છે કે 'રઝાકાર' તે લોકોને કહેવામાં આવે છે જેમણે 1971ની સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પાકિસ્તાની સેનાને સહયોગ આપ્યો હતો. તેમની ટિપ્પણીઓએ વધુ વિરોધ ઉશ્કેર્યો, જેના કારણે ઢાકા યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો.
સૌથી મોટા સમાચાર
બાંગ્લાદેશમાં 'સરકાર'નું પતન#BangladeshCrisis #SheikhHasina #BangladeshNews #PoliticalUnrest #BangladeshUpdate #SheikhHasinaExit #CountryInTurmoil #BangladeshPolitics #EmergencySituation #SheikhHasinaNews #Gujaratfirst— Gujarat First (@GujaratFirst) August 5, 2024
પરિણામો શું આવ્યા?
કહેવાય છે કે, જીભને હાડકું નથી હોતું એટલે જ્યારે પણ તેનો ઉપયોગ કર્યો ખૂબ સમજી વિચારીને કરો. પણ ઘણીવાર સત્તાના નશામાં નેતાઓ વાણીવિલાસ કરી દેતા હોય છે જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવાનો વારો આવે છે. શેખ હસીના દ્વારા વિદ્યાર્થીઓને રઝાકાર ગણાવ્યા બાદથી દેશમાં તણાવ વધવા લાગ્યો. આ તણાવથી દેશભરમાં ઘાતક અને વ્યાપક નાગરિક અશાંતિ ફેલાઈ હતી, જેમાં 120 થી વધુ લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે આખરે નોકરીના અરજદારો માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ પાછી ખેંચી, પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કર્યો ન હતો. બીજી તરફ વડાપ્રધાન હસીનાએ વિરોધ પ્રદર્શનને આતંકવાદી પ્રવૃત્તિ ગણાવીને આ તત્વોને કડકાઈથી દબાવવાનો નિર્દેશ આપ્યો હતો. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, શેખ હસીનાએ સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક પણ બોલાવી હતી. જેમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, આરએબી, બીજીબી અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો. બાંગ્લાદેશ સરકારના આ વલણને જોઈને વિરોધીઓમાં ગુસ્સો વધુ ભડકી ગયો, જેના પરિણામે બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિ સર્જાઈ અને અંતે આજે દેશના વડાપ્રધાનને પોતાનું જ વતન છોડવાની ફરજ પડી.
આ પણ વાંચો: Bangladesh News : શેખ હસીનાના દેશ પલાયન બાદ આ અર્થશાસ્ત્રી બની શકે છે બાંગ્લાદેશના PM