VADODARA : વિશ્વામિત્રી નદી વચ્ચેથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ, 1 મહિનાથી લોકો પરેશાન
VADODARA : વડોદરા (VADODARA) ના મધ્યમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદીમાંથી પાણીની મુખ્ય લાઇન પસાર થઇ રહી છે. આ લાઇનમાં ભંગાણને પગલે વિતેલા એક મહિનાથી પાણી વિતરણ પર તેની અસર પડી રહી હોવાનું સ્થાનિક કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું છે. આટલો સમય વિતી ગયા છતાં તંત્ર લિકેજનું સમારકામ કરવામાં નિષ્ફળ રહ્યું છે. અને હાલ સુધી તે કામગીરી ચાલી રહી છે. જેને લઇને પાણી જેવા પ્રાણ પ્રશ્ને પાલિકા તંત્રની લાલીયાવાડી ખુલ્લી પડવા પામી છે.
આજદિન સુધી તેનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થયું નથી
વડોદરાનું પાલિકા તંત્ર પાણી વિતરણ મામલે કેવી કામગીરી કરે છે, તે સૌ કોઇ શહેરવાસીઓ જાણે જ છે. ત્યારે વધુ એક વખત ગંભીર લાલીયાવાડી સામે આવી છે. યવતેશ્વર ઘાટ પાસેથી વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની લાઇનમાં એક મહિનાથી ભંગાણ પડ્યું છે. જેની અસર પાણીના વિતરણ પર પણ પડી રહ્યું છે. ત્યારે આજદિન સુધી તેનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થયું નથી. જેથી હવે સ્થાનિક કોર્પોરેટરે તંત્ર સામે અવાજ ઉઠાવવો પડ્યો છે.
બેજવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લો
સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયાને જણાવ્યું કે, પૂર્વ વિસ્તારમાં છેલ્લા મહિનાથી દિવાળી ગઇ ત્યારે પણ લોકોને માંડ 15 મીનીટ પાણી મળતું હતું. તેને લઇને અમે અધિકારીઓને રજુઆત કરી હતી કે, અમારા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળી રહ્યું. હજારો ગેલના પાણી નદીમાં વહી ગયું છે. આ લોકો માત્ર સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે. લોકોને એક મહિના સુધી જરૂરિયાત મુજબનું પાણી ના મળે તે યોગ્ય નથી. આ મામલે બેજવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લો. જેથી કરીને ભવિષ્યમાં કોઇ પણ વિસ્તારમાં આ પ્રકારે સમસ્યા ના સર્જાય. લીકેજ થાય, તેનું તુરંત એક-બે દિવસમાં જ રીપેર કરી લેવું જોઇએ તેવી અમારી માંગ છે. સાથે જ પાલિકાની સ્કાડા સિસ્ટમ નિષ્ફળ રહી હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : સબ ફાયર ઓફીસરને "ગાર્ડ ઓફ ઓનર" સાથે અંતિમ વિદાય