VADODARA : આખરે કારેલીબાગમાં રોડ સાઇડના દબાણો દૂર કરવાનું મુહૂર્ત નીકળ્યું
VADODARA : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી સુધીના રોડ સાઇડના બંને તરફના દબાણો દુર કરવા માટે પાલિકાની ટીમો પહોંચી છે. આ કાર્યવાહી સમયે હથિયારધારી પોલીસને સુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો છે. આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોને મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિકોનું કહેવું છે કે, પેટ્રોલ પંપ પાસે સાંજના સમયે મોટું શાકમાર્કેટ ભરાય છે. ત્યારે જો આ કાર્યવાહી સાંજના સમયે કરવામાં આવે તો જ ખરા અર્થમાં રોડ સાઇડના દબાણો દુર થાય તેવું મનાય. હિટ એન્ડ રનની ઘટના બાદ પાલિકાનું તંત્ર મોડે મોડે જાગ્યું છે, અને દબાણો દુર કરવા પહોંચ્યું છે. (VMC REMOVE ENCROACHMENT AFTER HIT AND RUN CASE - VADODARA)
સ્પીડ બ્રેકર મુકવા તથા દબાણો દુર કરવાની માંગ હતી
વડોદરાના આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોલીકા દહનની રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં એક કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મૃત્યું થયું હતું, અને અન્ય 7 ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ ગતરોજ સ્થાનિકો દ્વારા આ રોડ પર સ્પીડ બ્રેકર મુકવા તથા દબાણો દુર કરવાની માંગ સાથે ઉગ્રસ્વરે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જેના પડઘા આજે પડ્યા હોય તેમ લાગી રહ્યું છે.
પાવતી નિયમિત ભરું છું, છતાંય મારી લારી લઇ ગયા
આજે સવારે સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી કોમ્પલેક્ષ સુધીના દબાણો દુર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમો પહોંચી છે. જેમાં રોડ સાઇડ મુકવામાં આવેલા લારી, ગલ્લા તથા શેડના દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી સમયે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે હથિયાર ધારી પોલીસનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો છે. આ તકે સ્થાનિક લારી ઘારકે મીડિયા સમક્ષ પાવતી બતાવીને કહ્યું કે, હું પાલિકાની પાવતી નિયમિત રીતે ભરું છું. છતાંય તેઓ મારી લારી લઇ જઇ રહ્યા છે. હવે હું શું કરું તે ખબર નથી પડતી.
શાકમાર્કેટના દબાણો અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું
રોડના બંને તરફના દબાણો દુર કરતા સ્થાનિકોની રજુઆત રંગ લાવી તેવો અહેસાસ થઇ રહ્યો છે. આ કાર્યવાહીમાં રોડ પર પાર્ક કરીને રાખેલા વાહન ચાલકોને ટ્રાફીક મેમો આપવામાં આવશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, સ્થાનિકોનું માનવું છે કે, અહિંયા પેટ્રોલ પંપ પાસે સાંજના સમયે શાકભાજી માર્કેટ ભરાય છે. જેને લઇને ટ્રાફિક જામની સ્થિતી સર્જાય છે. જો આ કામગીરી સાંજના સમયે કરવામાં આવી હોત તો ખરા અર્થમાં દબાણો દુર કરી શકાત. હવે પાલિકાનું તંત્ર શાકમાર્કેટના દબાણો અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : જીદ કરીને રક્ષિતે કાર ચલાવી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા